માત્ર ગુજરાત નહીં લગભગ દેશભરની તમામ કોલેજો-યુનવર્સિટીઓમાં પરીક્ષા વ્યવસ્થામાં ક્યાંક છબરડાં થતા હોય છે, પરંતુ સ્થાનિક વિધાનસભ્યો કે નેતાઓ વધારે ધ્યાન આપતા નથી, માત્ર રાજકીય પક્ષોની વિદ્યાર્થી પાંખ થોડો હંગામો કરતી હોય છે. પણ આ અવ્યવસ્થાનો ભોગ ખુદ વિધાનસભ્યની પુત્રી બની છે. વડોદરાથી ખૂબ જ પ્રસિદ્ધ એમ.એસ.યુનિવર્સિટીમાં આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી ભાજપ ધારાસભ્યની પુત્રી જ વિષય બદલાતા તેનો બેઠક વ્યવસ્થામાં નંબર જ ન હોવાથી તે પરીક્ષા આપી શકી ન હતી. જેથી હવે તેને એડિશનલ પરીક્ષા આપવાની ફરજ પડી છે.
પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની પુત્રી આર્ચી ઝાલા આજે પરીક્ષા આપી શકી ન હતી. આર્ચીએ ફસ્ટ યર BA વીથ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરું છું. આજે હું ફાઉન્ડેશન ઇંગ્લિશની એક્ઝામ આપવા માટે આવી હતી. મારો સીટ નંબર જનરેટ થયો છે પરંતુ લિસ્ટમાં નામ નથી. જેથી હું પરીક્ષા આપી શકી નથી. કોલેજમાં આવી મેં ઇંગ્લિશ ફાઇન્ડેશનના ઈન્ચાર્જ સાથે વાત કરી તો તેઓ ઉલટાના મારા પર ખિજાઇ ગયા અને કહેવા લાગ્યા કે લિસ્ટ અરેન્જમેન્ટ જાહેર જ નહતું કરવાનું. મેં લિસ્ટ જાહેર કરીને જ ભૂલ કરી છે. હવે મારે એડિશનલ એક્ઝામ આપવી પડશે. આવી જ સ્થિતિ અન્ય 10થી 15 વિદ્યાર્થીઓની હોવાનું પણ જાણવા મળ્યું હતું.
પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આ ઘટના ઘટી હોવાની વાતને સમર્થન આપ્યું હતું.
એક ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મારી પુત્રી આર્ચી આજે પરીક્ષા આપવા પહોંચી હતી. પરંતુ તે પરીક્ષા આપી શકી નથી. પહેલા આર્ચીએ ફ્રેન્ચ ભાષા પસંદ કરી હતી. પરંતુ યુનિવર્સિટી દ્વારા આ ભાષાના વધુ વિદ્યાર્થીઓ ન મળતા તેને વિષય બદલવા માટે કહ્યું હતું. જેથી આર્ચીએ ઇંગ્લિશ ફાઉન્ડેશન વિષય પસંદ કર્યો હતો. ત્યારે હવે યુનિવર્સિટીની જવાબદારી બનતી હતી કે તેણે આર્ચીને ઇંગ્લિશ ફાઉન્ડેશનના વિષયની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવવી જોઇએ. પરંતુ યુનિવર્સિટી દ્વારા આવી કોઇ કામગીરી કરાઇ ન હતી. હવે આર્ચીને એડિશનલ પરીક્ષા આપવી પડશે.