મહિલાને સાપ કરડ્યો, છોકરીએ મોઢાથી ઝેર ખેંચ્યું, ડોક્ટરે પણ કહ્યું વાહ!
સાપે ડંખ મારતા મોતના મુખમાં ધકેલાઇ ગયેલી માતાનો જીવ તેની દીકરીએ બચાવ્યો હોવાની ઘટના જાણવા મળી છે. કોલેજની વિદ્યાર્થિની શ્રમ્યા રાયે મોઢાથી તેની માતાના પગમાં ઝેર ચૂસીને બહાર કાઢ્યું હતું હતું. આ ઘટના કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના પુત્તુરમાં બની હતી. શ્રમ્યાની બહાદુરી અને કોઠાસૂઝ માટે ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે.
બહાદુર શ્રમ્યા પુત્તુરમાં વિવેકાનંદ ડિગ્રી કોલેજની વિદ્યાર્થિની છે, જ્યારે તેની માતા મમતા રાય પુત્તુરમાં કેયુરની ગ્રામ પંચાયત સભ્ય છે.
મમતા રાય પુત્તુરમાં તેની માતાના ફાર્મહાઉસ ગયા હતા. ત્યાં તેઓ પાણીનો પંપ ચાલુ કરવા ખેતરમાં ગયા હતા. પરંતુ પાછા ફરતી વખતે તેમનો પગ અકસ્માતે સાપ પર પડી ગયો. જેથી સાપે તેમને ડંશ માર્યો હતો. જેવો મમતાને ખ્યાલ આવ્યો કે તેમને ઝેરી સાપે ડંશ માર્યો છે, ત્યારે તરત તેમણે ડંશની આસપાસ સૂકા ઘાસનો પુળો બાંધી દીધો (ગ્રામ્ય વિસ્તારમાં આવા ઘરેલુ ઇલાજની સલાહ આપવામાં આવે છે), જેથી ઝેર શરીરના મહત્વપૂર્ણ અવયવોમાં ન ફેલાય.
જ્યારે મમતાની પુત્રી શ્રમ્યાને તેની માતાના સર્પદંશની જાણ થઈ ત્યારે તે ગભરાઈ ગઈ. તેને જાણ હતી કે સૂકા ઘાસનો પુળો ઝેરને શરીરમાં ફેલાતું અટકાવવા માટે પૂરતો નથી. માતાનો જીવ બચાવવા માટે તેને હોસ્પિટલ લઈ જતા પહેલા શ્રમ્યાએ પોતાના મોઢેથી માતાના પગને ચૂસીને ઝેર બહાર કાઢ્યું હતું.
હોસ્પિટલના તબીબોએ એમ પણ કહ્યું હતું કે શ્રમ્યા સમયસર કાર્યવાહીને કારણે મમતાનો જીવ બચી ગયો હતો. મમતાને એક દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવી હતી અને પછી તેમની તબિયત સારી હોવાથી રજા આપવામાં આવી હતી. મમતા રાયને જે સાપ કરડ્યો તે મલબાર પિટ વાઇપર પ્રજાતિનો હતો.
શ્રમ્યાની કોલેજે તેની માતાને સર્પદંશના ગંભીર પરિણામોથી બચાવવા બદલ તેની પ્રશંસા કરી છે. શ્રમ્યા તેની કોલેજમાં સ્કાઉટ અને ગાઈડ રેન્જર છે. શ્રમ્યાએ કહ્યું હતું કે ઝેર ખેંચવાની તકનીક કેવી રીતે કામ કરે છે તેના વિશે તેણે સાંભળ્યું હતું અને તેણે આ તકનીક ફિલ્મમાં પણ જોઈ છે. તેની માતા બચી ગઇ, એની એને ઘણી ખુશી છે.
એ જાણીતું છે કે ભારતમાં સાપ કરડવાની સંખ્યા વધુ છે. નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, વિશ્વભરમાં સર્પદંશના 78,600 કેસમાંથી ભારતમાં જ 64,100ના મૃત્યુ થયા છે.