છત્તીસગઢના દંતેવાડામાં થયેલા IED બ્લાસ્ટ અંગેની તપાસમાં મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે. છત્તીસગઢ પોલીસને શંકા છે કે પોલીસ કાફલાને નિશાન બનાવવા માટે માઓવાદીઓએ ઓછામાં ઓછા બે મહિના પહેલા ઘટના સ્થળે લેન્ડમાઈન લગાવી હતી. છત્તીસગઢ પોલીસે આ માહિતી આપી હતી.
પોલીસ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે બુધવારે થયેલા વિસ્ફોટના એક દિવસ પહેલા, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં લેન્ડમાઈન-શોધ અભિયાન શરૂ કર્યું હતું, પરંતુ તે સમયે કોઈ લેન્ડમાઈન કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
ઉલ્લેખનીય છે કે, દંતેવાડા જિલ્લાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે નક્સલવાદીઓએ સુરક્ષાકર્મીઓના કાફલાના એક વાહનને IED બ્લાસ્ટથી ઉડાવી દીધું હતું. આ ઘટનામાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના 10 જવાન અને એક ડ્રાઈવર શહીદ થયા હતા. આ ઘટના અરનપુર પોલીસ સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર દંતેવાડા જિલ્લા મુખ્યાલય તરફ જતા રસ્તા પર બની હતી.
બસ્તર રેન્જના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “પ્રારંભિક તપાસ સૂચવે છે કે લેન્ડમાઇન ઓછામાં ઓછા બે મહિના કે તે પહેલાં પ્લાન્ટ કરવામાં આવી હતી. વિસ્ફોટ કરવા માટે બંધાયેલા વાયરની ઉપરની જમીન પર ઘાસ ઉગી ગયું હતું. જે સૂચવે છે કે લેન્ડમાઇન ઘણા સમય પહેલા પ્લાન્ટ કરવામાં આવી આવી હતી.”
તેમણે કહ્યું કે આ ઘટના માટે લગભગ 40-50 કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રસ્તાની બાજુમાંથી સુરંગ ખોદીને ત્રણથી ચાર ફૂટ ઊંડા ખાડામાં વિસ્ફોટકોનો રાખવામાં આવ્યા હતા.