નવી દિલ્હી: કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી પ્રધાન પરષોત્તમ રૂપાલાએ શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે દેશ માખણ જેવા ડેરી ઉત્પાદનોની આયાત નહીં કરે અને સ્થાનિક ક્ષેત્રની મદદથી પુરવઠામાં સુધારો કરવામાં આવશે.
રૂપાલાનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે તેમના મંત્રાલયના ટોચના અધિકારીએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે ડેરી ઉત્પાદનો, ખાસ કરીને માખણ અને ઘી વગેરેનો સ્ટોક પાછલા વર્ષ કરતા ઓછો છે અને જો જરૂર જણાશે તો દેશ તેની આયાત કરશે.
મંત્રાલયના અધિકારીએ એમ પણ કહ્યું હતું કે પશુઓમાં ચામડીના રોગ અને કોવિડ -૧૯ પછીની માંગમાં વધારાને કારણે ૨૦૨૨-૨૩માં દેશનું દૂધ ઉત્પાદન સ્થિર રહેવાનો અંદાજ છે.
જ્યારે આયાત દ્વારા ડેરી ઉત્પાદનોની અછતને પહોંચી વળવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે રૂપાલાએ કહ્યું કે તેમાં (ડેરી ઉત્પાદનોની અછત) કોઈ સત્ય નથી. કોઈ આયાત થશે નહીં.
દેશમાં દૂધની કોઈ અછત નથી અને સરકાર તેની પર નિયમિત દેખરેખ રાખી રહી છે. તેમણે અહીં બે
પશુ આરોગ્ય પહેલનું ઉદ્ઘાટનના કાર્યક્રમ વખતે જણાવ્યું હતું કે માંગ વધી છે. દેશમાં એક વિશાળ તક છે, અમે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીશું. અમે તેનું યોગ્ય સંચાલન કરીશું અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
તેમણે ખેડૂતો અને ગ્રાહકોને આ અંગે ચિંતા ન કરવા વિનંતી કરી હતી.
ડેરી ઉત્પાદનોના છૂટક ભાવમાં વધારા અંગે એમણે કહ્યું કે કિંમતો અંગે ચિંતા કરવાની જરૂર નથી. ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.
સત્તાવાર ડેટા અનુસાર ભારતમાં દૂધનું ઉત્પાદન ૨૦૨૧-૨૨માં ૨૨૧ મિલિયન ટન હતું, જ્યારે અગાઉના વર્ષમાં તે ૨૦૮ મિલિયન ટન હતું, .
ભારતે છેલ્લે ૨૦૧૧માં ડેરી ઉત્પાદનોની આયાત કરી હતી.
અગાઉ, રૂપાલાએ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પ્રસારિત થતા ઝૂનોટિક રોગોને નિયંત્રિત કરવા માટે બે પશુ આરોગ્ય યોજના – એનિમલ પેન્ડેમિક પ્રિપેરડનેસ ઇનિશિયેટિવ (એપ્પી) અને વિશ્ર્વ બૅન્ક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ એનિમલ હેલ્થ સિસ્ટમ સપોર્ટ ફોર વન હેલ્થનું ઉદ્ઘાટન કર્યું હતું. (એજન્સી)