(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા એક દાયકાથી દહિસર નદીકિનારે રિટેઈનિંગ વૉલ બાંધવાના કામમાં અનેક અડચણો આવી છે. આખરે આ ભીંતનું કામ પૂરું થવાની તૈયારીમાં છે. હવે ફક્ત ૮૦૦ મીટર દીવાલ બનાવવાની બાકી છે. પાલિકાએ તાજેતરમાં તે માટે ૨૯ કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડ્યાં છે. આ દીવાલનું કામ પૂરું થયા બાદ દહિસર વિસ્તારમાં ચોમાસા દરમિયાન આવતા પૂરની સમસ્યાથી રાહત મળશે એવો દાવો પાલિકાનો કર્યો છે.
દહિસર નદી સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં તુલસી તળાવમાંથી નીકળે છે અને ગોરાઈ ખાડીમાં તે પૂરી થાય છે. લગભગ ૧૨ કિલોમીટર લાંબી આ નદીના કિનારા પર રહેલા અતિક્રમણને કારણે નદીનો પટ સાંકડો થઈ ગયો છે. ઉપનગરોને પૂર-મુક્ત કરવા માટે પાલિકાએ નદીઓને પહોળી કરવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. નદીની કાયાકલ્પનો પ્રોજેક્ટ એ બૃહનમુંબઈ સ્ટોર્મવોટર ડિસ્પોઝલ (બ્રિમસ્ટોવર્ડ)નો પ્રોજેક્ટનો એક ભાગ છે, જે પૂરનાં પાણીને શહેરમાં ધસી આવતા રોકવા માટે ૨૦૦૫ની સાલમાં ચાલુ કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટમાં અતિક્રમણ હટાવવા, ગટરનાં પાણી પર ટ્રીટમેન્ટ કરવી, નદીઓના ગંદાં પાણી પર પ્રક્રિયા કરવી, નાળા ઈન્ટરસેપ્ટર્સનું નિર્માણ અને બંને કિનારે સર્વિસ રોડ બનાવવા જેવા કામનો સમાવેશ થાય છે. એકંદરે પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૨૪૬ કરોડ રૂપિયા છે.
પાલિકા પોઈસર અને દહિસર નદીના કિનારે રિટેઈનિંગ વૉલ બનાવી રહી છે, પરંતુ દહિસર નદી પરના પ્રોજેક્ટને અતિક્રમણનો ફટકો લાગ્યો હતો. દહિસર નદી પર અંદાજેે ૮૭૨ ઝૂંપડાં હતાં, જેમાંથી ૭૧૭ દૂર કરવામાં આવ્યાં છે અને રિટેઈનિંગ વૉલનું કામ ૯૨ ટકા પૂરું થઈ ગયું છે. પાલિકાએ નદીના કિનારે બંને બાજુએ ૪.૫ કિલોમીટરની દીવાલ બનાવવાની હતી. તેમાંથી ૮૦૦ મીટરનું કામ બાકી છે.
જાન્યુઆરી, ૨૦૨૩ સુધીમાં આ કામ પૂરું થવાનો અંદાજો છે. પ્રોેજેક્ટના અંતિમ તબક્કામાં પાલિકા સાંઈનાથ નગરમાંથી ૧૫૫ ઝૂંપડાઓને રિટેઈનિંગ વૉલ બનાવવા માટે દૂર કરશે. ઝૂંડપટ્ટી દૂર થયા પછી બાકીનું કામ ૧૮ મહિનામાં પૂરું થવાનો અંદાજો છે. તેનાથી દહિસર નદીના પુન:જીવિત કરવાનો પ્રોજેક્ટ આડે રહેલી અડચણ પણ દૂર થશે. આ કામને પગલે સાંઈનાથ નગર, અંબા આશિષ, દૌલત નગર, શ્રીકૃષ્ણ નગર, અભિનવ નગરને ચોમાસામાં રાહત મળશે.