રંગીન ઝમાને -હકીમ રંગવાલા
“રાજકુમાર સિર્ફ નામ હી કાફી હે.અમુક માણસો એવા હોય કે તેઓ કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા હોય એ ક્ષેત્રમાં તેઓ હંમેશા માટે ‘ધ લિજેન્ડ’બની જાય.એક દંતકથા બની જાય.
કાયદેસરના તથ્યો આધારિત માહિતી અને ઇતિહાસ તપાસીને કોઈ વ્યક્તિનું જીવન કવન જાણવાની કોશિશ કરવામાં આવે અને ત્યારે તે વ્યક્તિ પર અહોભાવ થઈ આવે,નવાઈ લાગે અને માનવામાં ન આવે એવા એમના જીવન પ્રસંગો અનેક સાંભળવા મળે પણ કોઈ સાબિતી કે પુરાવો કોઈ માગે પણ નહીં અને મોઢા મોઢ થતી વાતોમાં અનેક ઉમેરણો થઈ પેઢી દર પેઢી વધારો થતો રહે તેવા વ્યક્તિત્ત્વોઓને દંતકથા કહેવાય છે અને હિન્દી ફિલ્મજગતમાં રાજકુમાર એક દંતકથા છે.
રાજકુમારના અનેક કિસ્સાઓ વિખ્યાત છે, જેવા કે, અમિતાભ બચ્ચન વિશે રાજકુમાર એમની વિશિષ્ટ શૈલીમાં બોલેલા ‘વહી ન, જીસ કી ટાંગે ગરદન સે શરૂ હોતી હૈ!’ ભપ્પી લહેરીને સોનાના ઘરેણાનો અઢળક શોખ હતો અને એક પાર્ટીમાં રાજકુમાર ભપ્પી લહેરીને કહે કે, ‘તુમ્હારા મંગલસૂત્ર કહા હૈ, જાની!’ ઝીનત અમાન જ્યારે અભિનેત્રી તરીકે જાણીતી અને હિટ થઈ ચુકેલી ત્યારે એક કાર્યક્રમમાં ઝીનત અમાન રાજકુમારને જોઈને મળવા આવી ત્યારે રાજકુમાર કહે કે, ‘આપ બહોત ખૂબસૂરત હૈ, આપ ફિલ્મોમે કયું ટ્રાય નહીં કરતી!’ રાજ કુમાર એવા
કલાકાર હતા જેને માટે હિન્દી ફિલ્મોમાં સ્ટોરીમાં ખાસ રોલ ઉભો કરવામાં આવતો. ‘વક્ત’ ફિલ્મથી જુવો તેનું પાત્રાલેખન જ એવું થતું તેમનું નામ શંકર હોય કે સૂર્યદેવસિંહ કોઈ ફરક પડે નહીં, રાજકુમાર રાજકુમાર જ રહે! નિર્માતા-દિગ્દર્શક એવા ધાકમાં રહેતા,કેટલાક દ્રશ્યો સાવ અવાસ્તવિક લાગે પણ રાજકુમારની ઇમેજમાં બધું ચાલી જતું ! યાદ કરો સુભાષ ઘાઈની ‘સૌદાગર’ ફિલ્મમાં રાજકુમાર દિલીપકુમારને કહે છે કે, હમ તુમ્હે મારેંગે ઓર જરૂર મારેંગે! રાજ કુમાર પાસે આવું કરાવાતું. તેમની ઇમેજ મુજબ!ચાહકો તેમને હંમેશા યાદ રાખશે ડાયલોગ્સ’ માટે..
ચેતન આનંદ, રાજકુમાર કોહલી, પ્રાણલાલ મહેતા, મેહુલ કુમાર, સુલતાન અહેમદ, ઇસ્માઇલ શ્રોફ વગેરેએ એમની સાથે એકથી વધુ ફિલ્મો રાજકુમારે કરેલી છે. ઈસ્માઈલ શ્રોફની ‘બુલંદી’ ફિલ્મ એમણે એકલે હાથે ઊંચકી લીધી હતી, ડર્ટી ડઝન ની કોપી મારી ક્લાઈમેક્સ માં પણ મુવી નો મોટો ભાગ એમની આજુ બાજુ જ હતો, સૌથી વધારે વખત આ ફિલ્મમાં પરદા પર રાજકુમાર જ હતા. ‘તેરે જીવનકા હૈ કરમો સે નાતા, તૂ હી અપના ભાગ્યવિધાતા.
જૈસી લિખેગા તૂ કરમો કી રેખા, દેના હોગા તિલ તિલ કા લેખા.’
વર્મા મલિકના શબ્દોને સંગીત વડે કલ્યાણજી આણંદજીએ મઢયા છે અને મૂળ ફિલ્મની થીમ જ આ છે.
‘રોજ ઘર આવો યહી ઉપદેશ, યહી ગીતા. કર્મ કરો ઓર ફલકી ઈચ્છા મત કરો, હમેં અપને કર્મો કા ફલ તુરંત ચાહીએ.’ એમ કહીને ચપટી વગાડતો રાજકુમાર શંકરના પાત્રમાં અને એના દીકરાના પાત્રમાં પણ રાજકુમાર મોહન નામથી.
ફક્ત અને ફક્ત રાજકુમાર માટે જ બનાવેલી ઓરિજનલ રાજકુમારીયન ફિલ્મ છે ‘કર્મયોગી’. ડાયલોગની રમઝટ કરી છે સાગર સરહદી સાહેબે, ‘બેટે મોહન, તુમ્હારી આંખોમે આંસુ ! અચ્છે નહિ લગતે. સિગરેટ કે દો કસ તો લગવાદે…’
‘અરે પંડિત તું કયા મુજે ગીતા પઢાયેગા, તૂ તો સિર્ફ પેસે કા બ્રાહ્મીન હૈ ઔર મેં જન્મ સે સંસ્કારી બ્રાહ્મીન હું !’
રાજકુમાર ડબલરોલમાં અને માલાસિંહા, અજીત, રેખા, જીતેન્દ્ર. રામ મહેશ્ર્વરીએ એની ફિલ્મ કારકિર્દીમાં પુરી દસ ફિલ્મ પણ નથી બનાવી પણ જેટલી બનાવી એમાંથી ચાર ફિલ્મ તો રાજકુમાર સાથે બનાવી ચંબલ કી કસમ, કર્મયોગી, કાજલ અને નીલકમલ.
આ ફિલ્મમાં વર્મા મલિકે એક કવ્વાલી પણ લખેલી અને પરદા પર રાજકુમાર અજીત અને રેખા પર ફિલ્માવેલી.કિશોર, રફી અને આશાના અવાજમાં, ‘આજ ફેસલા હો જાયેગા, હમ નહિ યા તુમ નહિ, આ કવ્વાલીના અંતે રાજકુમાર બોલે છે તુમ નહિ, બસ તુમ નહિ…’ આ ફક્ત રાજકુમાર માટે જ લખાયેલી પંક્તિઓ હતી!
રાજકુમાર સાથે ‘જાની’ શબ્દ એટલી હદે સંકળાયેલ છે કે એમની ફિલ્મોના મશહૂર સંવાદો જાણે ‘જાની’ શબ્દથી શરૂ અથવા અંત પામે છે એવી ગેરમાન્યતા વ્યાપક છે, ‘જાની’ શબ્દ સાથે જોડાયેલા અઢળક જોક્સ બન્યા છે રાજકુમાર શૈલીના પણ હકીકતમાં રાજકુમાર
એક પણ ફિલ્મમાં ‘જાની’ શબ્દનો ઉચ્ચાર નથી કરતા! મૂળમાં રોજબરોજની વાતચીતમાં રાજકુમાર ‘જાની’ શબ્દનું ઉચ્ચારણ કરતા ! અને એ પણ એમનાં નામથી ‘જાની’ શબ્દ જાણીતો થઈ ગયો એ પછી એમણે એ શબ્દનું ઉચ્ચારણ વાતચીતમાં પણ બંધ કરેલું! આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે પ્રમાણેના નવી ફેશન મુજબના કપડાં, બૂટ,ઘડિયાળ પહેરતી હોય તેનાથી બિલકુલ ઊલટી ફેશનના દેખાવમાં જ અલગ પડી આવે એવા ચોકડા વાળા કોટ,સફેદ બુટ,પાઇપ કે બેલબોટમના યુગમાં નેરો અને બેગીના યુગમાં પેરેલલ એવું વપરિધાન કરનાર કોઈપણ વ્યક્તિ કાર્ટૂન જ દેખાય અને લોકોની હાંસીપાત્ર બને સિવાયકે એ વ્યક્તિ જો રાજકુમાર હોય તો લોકો એની આભા માં આવી જાય!કોઈ દિવસ ફિલ્મજગતમાં કોઈની પાસે કામ નથી માંગ્યું કે નથી કોઈની સાથે અંગત સંબંધો રાખ્યા(એવા સંબંધો, દોસ્તી ફિલ્મજગતની બહાર જ)વસિયત પણ એવી કરેલી કે હું મરી જાવ ત્યારે કોઈને ફિલ્મજગતમાં જાણ નહિ કરવાની, એક માત્ર એમના અંગત દોસ્ત ચેતન આનંદ સિવાય! અને અંતિમયાત્રા ચૂપચાપ કાઢીને ચેતન આનંદ સહિત અંગત જનોની હાજરીમાં અંતિમક્રિયા પતાવીને બીજા દિવસે જગતને જાણ કરવી અને એમની વસિયતનું પાલન એમના દીકરાઓએ કર્યું! રાજકુમાર પોતે ટકલું હતા અને નકલી વાળની વિગ પહેરતા. ફિલ્મ પત્રકારત્વમાં જુગાડુ તરીકે જાણીતા પત્રકાર તારકનાથ ગાંધીએ રાજકુમારની વિગ પહેર્યા વગરની એક માત્ર તસ્વીર ખેંચેલી જે રાજકુમારના અવસાન પછી બહાર આવેલી! પૈસાની જરાય લાલચ રાજકુમારને નહોતી. કોઈ દિવસ પૈસાના લોભથી ફિલ્મ સ્વીકારી નથી. પોતાનું મન માને એવા જ કલાકાર-કસબીઓ સાથે કામ કર્યું. ક્યારેય કોઈ જાહેરાતમાં કામ કરી પૈસા બનાવ્યા નહીં. રાજકુમારને ઝાડ ફરતે નાચતાં ગીતો ગાતા પણ નહોતું આવડતું.
પત્રકારો પણ રાજકુમારના વ્યક્તિત્વ થી ડરે, કોઈ દિવસ કોઈ આડાઅવળા પ્રશ્નો પણ ન કરી શકે.જ્યારે રાજકુમાર બીમાર છે એવી વાતો ઉડી ત્યારે કોઈ પત્રકારે પૂછી લીધું કે સાહેબ આપને કોઈ બીમારી છે?
ત્યારે રાજકુમાર કહે કે’જાની,હમ રાજકુમાર હે.જાહિર હે હમેં રાજા મહારાજા વાલી બીમારી હી આયેગી,કોઈ શરદી,ઝુખામ થોડી આયેગા!’
એ વખતના અખંડ ભારતમાં અને હાલના પાકિસ્તાનમાં જન્મ અને યુવાનીમાં મુંબઈમાં પોલીસ ઇન્સ્પેક્ટરની નોકરી કરતા અને કુલભૂષણ પંડિત મૂળ નામ. એક વેશ્યાના દલાલનું ખૂન એમના હાથે થયેલું એટલે સસ્પેન્ડ થયા અને હિંદી ફિલ્મજગત અને ફિલ્મદર્શકોના સદનસીબે ફિલ્મોમાં આવ્યા અને એક “દંતકથાનો ઉદભવ થયો.