પ્રસિદ્ધિ મેળવવા માટે અરજી કરાયાની હાઈ કોર્ટની નોંધ
મુંબઈ: ટાટા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીના મૃત્યુ માટે કારણભૂત અકસ્માતમાં કાર ચલાવી રહેલાં ગાયનેકોલૉજિસ્ટ અનહિતા પંડોલ વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવાની માગણી કરતી જાનહિત અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી અને આ અરજી માત્ર પ્રસિદ્ધિ મેળવવા કરવામાં આવી હોઈ અરજીકર્તા આ કેસ સાથે કોઈ પણ રીતે સંકળાયેલો નથી, એવી નોંધ કરી હતી.
ઍક્ટિંગ ચીફ જસ્ટિસ એસ. વી. ગંગાપુરવાલા અને જસ્ટિસ સંદીપ મર્ણેની ડિવિઝન બૅન્ચે અરજદાર સંદેશ જેધે પર ખર્ચ લાદ્યો હતો. ખંડપીઠે અવલોકન કર્યું હતું કે અરજદારની પીઆઈએલ પબ્લિક ઈન્ટરેસ્ટ (જાહેર હિત) નહીં, પણ પબ્લિસિટી ઈન્ટરેસ્ટ લિટિગેશન (પ્રચાર હેતુ)ની જણાય છે. આ કેસમાં આરોપો ઘડવાના છે અને ફરિયાદ પક્ષે આરોપનામું દાખલ કર્યું છે. આ પીઆઈએલનો કોઈ વજુદ નથી. અરજી ફગાવવામાં આવે છે અને અરજદારને રકમ જમા કરવા સૂચના આપવામાં આવે છે. જોકે કોર્ટે દંડની રકમની કોઈ ચોખવટ કરી નહોતી.
મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાસા પોલીસની હદમાં સૂર્યા નદી પરના બ્રિજની રૅલિંગ સાથે ચોથી સપ્ટેમ્બરે લક્ઝરી કાર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી (૫૪) અને જહાંગીર પંડોલનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે કાર ચલાવનારાં ડૉ. અનાહિતા પંડોલ અને તેમના પતિ દારાયસને ગંભીર ઇજા થઈ હતી. આ પ્રકરણે પોલીસે પછી ડૉ. અનાહિતા સામે પૂરપાટ અને બેદરકારીથી વાહન ચલાવવાનો ગુનો દાખલ કર્યો
હતો. (પીટીઆઈ)