Homeઆમચી મુંબઈદાદરમાં છબીલદાસ સ્કૂલના રસોડામાં સિલિન્ડર સ્ફોટ: ત્રણ જખમી

દાદરમાં છબીલદાસ સ્કૂલના રસોડામાં સિલિન્ડર સ્ફોટ: ત્રણ જખમી

(અમય ખરાડે)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદર (પશ્ર્ચિમ)માં છબીલદાસ સ્કૂલના હૉલમાં ગૅસ સિલિન્ડરમાં થયેલા બ્લાસ્ટ બાદ ફાટી નીકળેલી આગમાં ત્રણ મજૂરો દાઝી ગયા હોવાની દુર્ઘટના બની હતી.દાદર (પશ્ર્ચિમ)માં આવેલી ગ્રાઉન્ડ પ્લસ બે માળની સ્કૂલની ઈમારતના બીજા માળ પર આવેલા પ્રોગ્રામ હૉલના રસોડામાં વહેલી સવારના ૫.૨૧ વાગે ગૅસ સિલિન્ડરમાં સ્ફોટ થયો હતો અને ત્યાર બાદ આગ ફાટી નીકળી હતી. આ આગ બાદમાં ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈન્સ્ટોલેશન સહિત રસોડામાં રહેલા કપડાં સહિત તમામ માલ-સામાનમાં ફેલાઈ ગઈ હતી.
ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડ દુર્ઘટના સ્થળે પહોંચે એ પહેલાં જ દાઝી ગયેલા ત્રણ મજૂરોને નજીક આવેલી સાયન હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
સાયન હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા જખમીઓમાં ૨૬ વર્ષનો ભારત મધુ સિંહ ૬૦થી ૭૦ ટકા જખમી થયો છે. તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જ્યારે ૩૮ વર્ષના જાવેદ અલીના માથા પર સ્લેબ તૂટી પડતાં તેને માથા પર ગંભીર ઈજા પહોંચી છે. તો ૫૦ વર્ષનો ગોપાલ સાઉ પણ જખમી થયો હતો.
આગ લાગ્યા બાદ સ્થાનિક નાગરિકોએ ત્યાં રહેલા બે ફાયર ઍક્સ્ટિગ્યુશ્યર તથા બે મોટર પંપની હોઝ લાઈનથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બે ફાયર એન્જિન, એક જંબો ટેંકર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ફાયર બ્રિગેડના ગૅસ સિલિન્ડરમાં થયેલા સ્ફોટને કારણે બીજા માળની છત તૂટી પડી હતી. તેમ જ સિલિન્ડર બ્લાસ્ટને કારણે ઈમારતના માળખાને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તેમાંથી બિલ્ડિંગનો અમુક ભાગ જોખમી હાલતમાં હોવાથી તેને તોડી પાડવો પડશે એવું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું. તો બિલ્ડિંગનો હિસ્સો તૂટીને નીચે પડ્યો હતો, તેને કારણે નીચે પાર્ક કરેલાં વાહનને નુકસાન થયું હતું.
દાદર ફાયર સ્ટેશનના આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાયર ઑફિસર ડી. ડી. પાટીલના કહેવા મુજબ આગ થોડી મિનિટોમાં જ બુઝાઈ ગઈ હતી, પરંતુ ગૅસ લિકેજને કારણે મોટો ધડાકો થયો હતો અને તેને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -