પાંચ લાખથી વધુ લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર
ઢાકા/કોક્સ બજાર: ઉષ્ણકટિબંધીય ચક્રવાત ‘મોચા’, બાંગ્લાદેશના કાંઠે ત્રાટકવાની સંભાવનાઓ વચ્ચે, દેશના સત્તાવાળાઓએ શનિવારે દક્ષિણપૂર્વીય દરિયાકાંઠે લગભગ પાંચ લાખ લોકોનું સ્થળાંતર કરવા વિશાળ સ્થળાંતર ઝુંબેશ શરૂ કરી છે, આ ચક્રવાતની અસર બંગલાદેશમાં રહેલી વિશ્ર્વની સૌથી મોટી રોહિંગ્યા શરણાર્થી શિબિર ઉપર પાડવાની શક્યતા છે. આ ચક્રવાત લગભગ બે દાયકામાં બંગલાદેશમાં જોવા મળેલા સૌથી શક્તિશાળી ચક્રવાતમાંનું એક હશે અને રવિવારે બંગલાદેશ-મ્યાનમાર સરહદ તરફ ધસી જવાની આગાહી કરવામાં આવી છે.
કોક્સ બજારના દરિયાઈ કાંઠે જોખમી સંકેત નંબર ૧૦ ફરકાવવાની સલાહ આપવામાં આવી છે. હવામાનશાીઓએ જણાવ્યું હતું કે વાવાઝોડાનો માર્ગ બંગલાદેશના કોક્સ બજારના દક્ષિણ-પૂર્વ સરહદી જિલ્લાને અસર કરશે જ્યાં દસ લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ રહે છે. બાંગ્લાદેશી સત્તાવાળાઓએ ભાસન ચાર ઓફશોર ટાપુ પર ૫૫ આશ્રયસ્થાનોની સ્થાપના કરી છે, જ્યાં લગભગ ૩૦,૦૦૦ રોહિંગ્યા શરણાર્થીઓને મુખ્ય ભૂમિમાંથી સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.
દરિયાકાંઠાના જિલ્લાના ડેપ્યુટી કમિશનર અથવા વહીવટી વડા મુહમ્મદ શાહીન ઇમરાને પત્રકારોને જણાવ્યું હતું કે, “જિલ્લા વહીવટીતંત્રે કોક્સ બજારમાં ૫૭૬ નિયુક્ત ચક્રવાત આશ્રયસ્થાનોની સાથે સામાજીક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓને કામચલાઉ આશ્રયસ્થાનો તરીકે રૂપાંતરિત કર્યા છે, જેથી અડધા મિલિયનથી વધુ લોકોને સમાવી શકાય. લગભગ ૮,૬૦૦ રેડ ક્રેસન્ટ સ્વયંસેવકો એક ઝુંબેશમાં જોડાયા છે.
બાંગ્લાદેશની હવામાન કચેરીના નવીનતમ બુલેટિન મુજબ, “ચક્રવાત મોચા પ્રતિ કલાક ૧૭૫ કિલોમીટરની ઝડપે ઉત્તર-ઉત્તર-પશ્ર્ચિમ પેકિંગ પવન તરફ આગળ વધશે અને દરિયામાં ૮ થી ૧૨ ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતાઓ છે. વડા પ્રધાન હસીનાએ ચેતવણી આપી હતી કે ચક્રવાત વીજળી અને ગેસનો પુરવઠો ખોરવી શકે છે.
આ પહેલા ૨૦૦૭માં બંગલાદેશ ઉપર દક્ષિણપશ્ર્ચિમ કિનારે ત્રાટકેલા ચક્રવાત સિદ્રમાં ૩૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને અબજો ડોલરનું નુકસાન થયું હતું. શુક્રવારે, વિશ્ર્વ હવામાન સંસ્થાએ સપ્તાહના અંતમાં ૨-૨.૫ મીટરના વાવાઝોડાની આશંકા વ્યક્ત કરી હતી જેમાં ઉત્તર મ્યાનમારના, તેમજ બંગલાદેશના નીચાણવાળા વિસ્તારો ડૂબી જવાની શક્યતા તથા અચાનક પૂર અને ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરી હતી. ચટ્ટોગ્રામ બંદરને સૌથી વધુ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ડોક કરેલા જહાજોને બહારના એન્કરેજમાં ખસેડવામાં આવી રહ્યા છે. નેશનલ યુનિવર્સિટીમાં રવિવારની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. પાવર, એનર્જી અને મિનરલ રિસોર્સિસ મિનિસ્ટ્રીએ કહ્યું કે તેણે કોક્સ બજારના બે ફ્લોટિંગ ટર્મિનલમાંથી એલએનજી સપ્લાય અટકાવી દીધું છે. (પીટીઆઈ)