(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં અનેક જિલ્લામાં પડી રહેલા કમોસમી વરસાદનું જોર હવે હળવું થયું છે તો ગરમીનું જોર વધી ગયું છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો સતત ૪૦ ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યો છે. મુંબઈગરા પણ ગરમી અને ઉકળાટથી હેરાનપરેશાન થઈ ગયા છે ત્યારે ૧૭ મેથી મુંબઈ સહિત રાજ્યમાં ગરમીનું પ્રમાણ હજી વધવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.હવામાન ખાતાના કહેવા મુજબ ‘મોચા’ વાવાઝોડાની અસર હજી પણ દેશના અનેક રાજ્યોમાં જોવા મળી છે, તેને કારણે જ મુંબઈ સહિત કોંકણ અને વિદર્ભમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયું છે. વિદર્ભમાં આગ ઝરતી ગરમી પડી રહી છે, ત્યારે ૧૭ મે, બુધવારથી મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં વધુ ગરમી પડવાને કારણે ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
રવિવારે ‘મોચા’ વાવાઝોડું મ્યાનમારના ઉત્તર-પશ્ર્ચિમી કિનારા પર પટકાયું હતું, તેને કારણે આ વખતે નૈર્ઋત્યનું ચોમાસું પણ મોડું પડવાની શક્યતા છે. આ દરમિયાન ૧૭ તારીખથી રાજ્યમાં ગરમી વધશે અને તાપમાનનો પારો હજી ઉપર જશે એવી આગાહી હવામાન ખાતાએ કરીને અનેક જિલ્લા માટે હિટવેવની ચેતવણી આપવામાં આવી છે.આ દરમિયાન દિવસભર મુંબઈમાં ભારે ગરમી અને ઉકળાટભર્યો દિવસ રહ્યો હતો. મુંબઈમાં કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૪.૩ ડિગ્રી નોંધાયું હતું.
તો હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૦.૮ ડિગ્રી નોંધાયો હતો. મધ્ય મહારાષ્ટ્રના જળગાંવમાં ૪૨.૦ ડિગ્રી, સોલાપુરમાં ૪૦.૬ ડિગ્રી, મરાઠવાડાના પરભણીમાં ૪૦.૮ ડિગ્રી, વિદર્ભના અકોલામાં ૪૨.૮ ડિગ્રી, અમરાવતીમાં ૪૩.૦ ડિગ્રી, બહ્મપુરીમાં ૪૨.૪ ડિગ્રી, બુલઢાણામાં ૩૮.૫ ડિગ્રી, ચંદ્રપુરમાં ૪૩.૦ ડિગ્રી, નાગપુરમાં ૪૩.૨ ડિગ્રી, વર્ધામાં ૪૩.૧ ડિગ્રી અને યવતમાળમાં ૪૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.