વાત નવી નથી, પરંતુ તેમ છતાં જાણવા જેવી છે. કોરોનાકાળ પહેલા વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ ન હતો ત્યારે ઘરે બેઠા કમાવવાની લલચામણી જાહેરાતો ખૂબ જ આવતી. ખાસ કરીને ગૃહીણીઓ કે મોટી ઉંમરના માટે કે પછી કોલેજિયનો માટે. કોરોનાકાળમાં જ્યારે ખરું વર્ક ફ્રોમ કલ્ચર શરૂ થયું ત્યારે આ જાહેરાતો ઘણી ઓછી થઈ ગઈ હતી કારણ કે સાયબર એક્સપર્ટે લોકોને ચેતવ્યા હતા અને આ મોડેસ ઓપરેન્ડી ખુલ્લી પાડી હતી. સાયબર ગઠિયાઓ હવે ફરીથી વર્ક ફ્રોમ હોમની પદ્ધતિથી લોકોને છેતરવાનું શરૂ કર્યું છે. કોરોનાકાળ બાદ બંધ થયેલી આ મોડ્સ ઓપરેન્ડી સાઇબર ગઠિયાઓએ ફરીથી શરૂ કરી છે અને લોકોને પોતાના શિકાર બનાવવાના શરૂ કર્યા છે. આ અંગે ફરિયાદો વધતા અમદાવાદ સાયબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ સક્રિય બન્યું છે સાથે લોકોને ફરીચેતવ્યા છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં દ્વારા સોશિયલ મીડિયા મારફતે લોકોને ઘર બેઠા કામ કરી પૈસા કમાવવાની જાહેરાતો મોકલવામાં આવે છે. જેની લાલચમાં લોકો આવી લિંક ઓપન કરે છે અને પોતાની માહિતી આપે છે. જેનાથી સાયબર ગઠિયાઓને લોકોનો ડેટા મળી જાય છે અને બાદમાં છેતરપીંડી કરવાનું શરૂ કરે છે.
જાણિતી કંપનીઓના નામે ઘર બેઠા કામ કરવા માટે લોભામણી લાલચો આપે છે. મહિલાઓ કે અન્ય લોકો પણ ઘર બેઠા સરળતાથી કામ કરી શકે અને પૈસા કમાઇ શકે તેવી જાહેરાત કરીને લાલચ આપે છે. લોકો જાહેરાતોની લિંક ઓપન કરી પોતાની માહિતી આપે છે અને બેન્ક એકાઉન્ટની પણ માહિતીઓ આપે છે જેનાથી તેમના બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા ઉપડી જવાના કિસ્સાઓ બહાર આવે છે.
સાયબર ક્રાઇમ પોલીસ પણ લોકોને અપીલ કરી રહી છે કે આ પ્રકારે અજાણી લિંક ઓપન કરવી નહીં અને પોતાની બેન્ક ડીટેલ શેર કરવી નહિ. જો લોકો આવા ફ્રોડનો શિકાર બન્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે.