નિલેશ વાઘેલા
મુંબઈ: અમેરિકન બેંકના ધબડકાથી સોનામાં કરન્ટ જોવા મળ્યો છે, જ્યારે શેરબજાર આગળની ચાલ માટે અવઢવમાં મુકાયું છે. અમેરિકાની સિલિકોન વેલી બેંકના ધબડકાને કારણે ફેલાયેલા ગભરાટ વચ્ચે આંતરરાષ્ટ્રિય બજારમાં રોકાણકારો સેફ હેવન એસેટ તરફ દોડી રહ્યા છે. વિશ્વબજારમાં ગોલ્ડ એકાદ ટકા જેવા ઉછાળા સાથે ૧૯૦૦ ડોલર તરફ આગળ વધ્યું હતું. યુએસ ગોલ્ડ ફયૂચર ૧% વધી ૧૮૮૬૫.૫૦ બોલાયું હતું. જ્યારે ભારતીય શેરબજારમાં અનિશ્ચિત ચાલ જોવા મળી હતી. નવા ચીફ એક્ઝિક્યુટિવની નિમણૂક પછી ટેક મહિન્દ્રાની આગેવાની હેઠળ હેવીવેઇટ ઇન્ફર્મેશન ટેક્નોલોજી શેર્સમાં લેવાલી વધવાને કારણે સોમવારે શેરબજારમાં સુધારો હતો. ટેક મહિન્દ્રાના શેરમાં ૧૦% જેવો ઉછાળો આવ્યો હતો. રોકાણકારો ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા છે.
ભારતમાં છૂટક ફુગાવો ફેબ્રુઆરીમાં ઘટીને 6.35% થવાની સંભાવના છે, પરંતુ તે સતત બીજા મહિને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ઉપલા થ્રેશોલ્ડથી ઉપર રહ્યો છે. દરમિયાન, યુ.એસ. સત્તાવાળાઓએ રવિવારે સિલિકોન વેલી બેંકના પતનથી થતા પરિણામને મર્યાદિત કરવાની યોજનાની જાહેરાત કરી હતી.