આ ખેલાડીને ઓરેન્જ કેપનો તાજ પહેરાવવામાં આવ્યો
IPLની 16મી સિઝન શરૂ થઈ ગઈ છે. IPL 2023માં 6 મેચ રમાઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની બીજી મેચમાં જીત સાથે શાનદાર વાપસી કરી હતી. CSKએ લખનૌને 12 રને હરાવીને સિઝનની વિજયી શરૂઆત કરી હતી. આ સાથે ઋતુરાજના માથા પર ઓરેન્જ કેપનો તાજ પણ પહેરાવવામાં આવ્યો છે. તો આવી સ્થિતિમાં ચેન્નાઈની જીત સાથે ઓરેન્જ કેપ અને CSK ચાહકો માટે બેવડી ખુશીની વાત બની ગઈ હતી.
હાલમાં ઓરેન્જ કેપની યાદીમાં સૌથી આગળ ચેન્નાઈ સુપર કિંગ્સનો રુતુરાજ ગાયકવાડ છે જેણે અત્યાર સુધીની બંને મેચમાં અડધી સદી ફટકારી છે. સિઝનમાં તેના નામે અત્યાર સુધી કુલ 149 રન નોંધાયા છે.
ઓરેન્જ કેપની યાદીમાં બીજા ક્રમે એલએસજીના કાયલ માયર્સ છે જે ઋતુરાજને સ્પર્ધા આપી રહ્યા છે. માયર્સે પણ બંને મેચમાં અડધી સદી ફટકારીને કુલ 126 રન બનાવ્યા છે. આ યાદીમાં ત્રીજા સ્થાને તિલક વર્મા (84), ચોથા પર વિરાટ કોહલી (82) અને પાંચમા સ્થાને ફાફ ડુ પ્લેસિસ (73) છે. આ ત્રણેય ખેલાડીઓએ અત્યાર સુધી 1-1 મેચ રમી છે.
IPLમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે ચેન્નાઈની આ પ્રથમ જીત છે. આ પહેલા બંને ટીમો વચ્ચે ગત વર્ષે એકમાત્ર મેચ રમાઈ હતી. ત્યારબાદ લખનૌને સફળતા મળી હતી. ચેન્નાઈની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રભુત્વ જમાવી રહી છે. તેણે આ મેદાન પર છેલ્લી 22માંથી 19 મેચ જીતી છે. તે માત્ર ત્રણ મેચમાં પરાજય પામી છે. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.
ઋતુરાજે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે 31 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ગાયકવાડે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ઋતુરાજ સિવાય ડેવોન કોનવેએ 29 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. તેણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ગાયકવાડ અને કોનવેએ પ્રથમ વિકેટ માટે 9.1 ઓવરમાં 110 રનની ભાગીદારી નોંધાવી હતી.