ક્રાઈમસીન – અનિલ રાવલ
‘સંગીત, શરાબ, કબાબ ઔર શબાબ. આ ચારેય
વિના મહેફિલ અધૂરી ગણાય…’ માયા મીઠું હસી
—
અન્સારીએ અડધી રાતે જેને ફોન કર્યો હતો એ માણસ બીજે જ દિવસે એની સામે ઊભો હતો. એનું નામ શૌકત અલી ઉર્ફ સુશાંત. આ એ જ સુશાંત જેણે બરાતીઓ કચ્છની સરહદ પાસ કરીને પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરી ત્યારે ભયાનક, ભયજનક અને ભવ્ય સ્વાગત કર્યું હતું… દુલ્હામિયાંનું અપહરણ કરીને જાનૈયાઓને થથરાવી નાખ્યા હતા. સુશાંત વરસોથી પીઆઇબીમાં શૌકત અલીને નામે કામ કરે છે..હકીકતમાં નોકરી પાકિસ્તાની ખુફિયા એજન્સીની, પણ કામ ભારત માટે કરે….ગોપીનાથ રાવનો ખાસ માણસ…એણે અન્સારીનો પણ વિશ્ર્વાસ જીતી લીધો છે. અન્સારીએ અડધી રાતે એને ફોન કરીને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર કોને મળતો હતો એની તપાસ કરવાનું કહ્યું કે તરત જ એણે કબીરને ભૂગર્ભમાં મોકલી દીધો હતો. આમેય ઇન્ડસ્ટ્રી મિનિસ્ટરને દુબઇમાં ખતમ કરાવ્યા પછી કબીરનું વિજય બત્રા સાથે રહેવું જોખમી હતું. અને હવે તો ખુદ બત્રા ઉપર જોખમ ઝળુંબી રહ્યું હતું કેમ કે એણે જ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર જોડે મિટિંગ કરાવી હતી..એટલું જ નહીં, પહેલી મિટિંગમાં પોતે હાજર રહ્યો હતો. જોકે દુશ્મન દેશમાં પોતાના જીવ પરના જોખમને જાણતો હોવા છતાં બત્રા બેફિકર હતો. ‘જો હોગા હો દેખા જાયેગા’ એ કાયમ કબીરને કહેતો..
‘બતાઓ, અસગર કિસસે મિલા થા.?’ અન્સારીના અવાજમાં પાછલી રાતના નશા અને ગુસ્સાનું હેન્ગઓવર હતું.
‘જનાબ, યહ આદમી દુબઇ સે આતાજાતા થા.’ સુશાંતે ખિસ્સામાંથી ગિરધરનો ફોટો કાઢીને સામે મૂક્યો. અન્સારીએ ફોટો હાથમાં લઇને ઝીણી નજરે જોતાં કહ્યું: ‘કૌન હૈ યહ, કિસ સિલસિલે મેં આતાજાતા થા યહ આદમી.?’
‘જનાબ, યહ ઝુબૈર હૈ. અમીર આરબ લોગોં કા દલાલ…ઇન્ડસ્ટ્રી મિનિસ્ટરને ઉનકો યહાં ઇન્ડસ્ટ્રિયલ એસેસ્ટ કે લિયે જગહ દિલાને કી બાત કી થી. કરોડો રૂપૈયા કા મામલા થા. ઇન્ડસ્ટ્રી મિનિસ્ટરને આધા પૈસા લિયા… લેકિન જગહ દેને કે મામલે મેં વો મુકર ગયે…ફિર ઝુબૈરને ઉસે કિસી બહાને દુબઇ બુલાયા ઔર….બૂમમમ….એરપોર્ટ પર હી ખતમ.’ સુશાંતે મોટેથી અવાજ કર્યો ને બે હાથ પહોળા કરીને ધડાકાની એક્ટિંગ કરી.
‘યહ તો સબ ઠીક હૈ….ઝુબૈર સે મુલાકાત-મિટિંગ કરવાને વાલા કૌન થા.?’
‘જનાબ, હમારી મિલિટરી પોલીસ મેં એક છોટા મુલાઝિમ હૈ….છોટે લોગોં કે ખ્વાબ બડે હોતે હૈ.. ટેલિફોન ઑપરેટર ગુલ મહોમ્મદ ઔર ઉસકી બીવી નફીસા.’
‘ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર સે ઇન દોનોં ને હી મિલવાયા થા ઇસ બાત કા કોઇ સબૂત હૈ તુમ્હારે પાસ.?’
‘ગુલ મોહમ્મદ ઔર નફીસા કા કિસ્સા આપ તો જાનતે હો. આજ દોનોં જેલ મેં બંધ હૈ. ઇસસે બડા ઓર ક્યા સબૂત હો સકતા હૈ.’ અન્સારીએ એને જવાનો ઇશારો કર્યો. સુશાંત ટેબલ પર પડેલો ગિરધરનો ફોટો લઇને ખિસ્સામાં મૂકવા ગયો.
‘ઇસે યહીં રહેને દો.’ સુશાંત માથું ઝુકાવીને નીકળી ગયો. અન્સારીએ મિલિટરી પોલીસ ચીફ હારૂન અહમદને ફોન કર્યો.
‘ગુલ મોહમ્મદ ઔર ઉસકી બીવી નફીસાને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર કે સાથ મિલ કે હમારે સાથ ગદ્દારી કી હૈ. દોનોં કી ચમડી ખીંચ લો, જબ તક સચ ન ઉગલે.’
સુશાંત બહાર નીકળીને વિચારતો રહ્યો કે ગુલ મોહમ્મદ અને નફીસા પાસે કોઇ સચ નથી… એમની કુરબાની જ સચ છે.
*********
વિજય બત્રાએ ઘણા વખતથી વિચારી રાખેલું કે વખત આવ્યે સિતારવાદક બરકતુલ્લા ખાં સાહેબના ઘરે સંગીતની મહેફિલ ગોઠવવી…બત્રા ભારતીય દુતાલયના કલ્ચરલ વિભાગનો હેડ હોવાથી સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવાનું એને માટે સરળ હતું. જોકે અગાઉ ગોઠવેલા કાર્યક્રમોથી આ અલગ હતો. આ વખતના જલસા પાછળનું કારણ જુદું જ હતું. એણે બેગમ સાહેબા હમીદાબાનુ અને બરકતુલ્લા ખાં સાહેબને વાત કરીને બેગમના ઘરે જ મહેફિલ ગોઠવી દીધી હતી. બરકતુલ્લા ખાં સાહેબ તો આમેય મહેફિલના માણસ. સિતાર વગાડવું અને જૂનાં ગીતો સંભળાવવાનો બેહદ શોખ. એમણે પોતાના અલભ્ય ખજાનાની રેકોર્ડોની સાફસૂફી કરીને ગોઠવી. મહેફિલમાં અસલી રંગ જમાવનારા જામ વિના મહેફિલ અધૂરી ગણાય. જાતજાતની વિદેશી શરાબની બોટલો મોટા ટેબલ પર સજાવી. આ મહેફિલના આયોજનથી સાવ અજાણ માયાએ બોટલો અને ગ્લાસ ગોઠવતાં ખાં સાહેબને પૂછ્યું: ‘આવડો મોટો જશ્ન થઇ રહ્યો છે તો મહેમાન પણ મોંઘેરાં હશે સાચુંને.?’
‘સાચું કહું તો..હું સંગીતના એક સાચા શોખીન મહેમાનને છોડીને બીજા કોઇને ય ઓળખતો નથી.’
‘અચ્છા, કોણ છે એ સંગીતના સાચા ચાહક મહાશય?’
‘ના હો… બધા જ મહેમાનો સંગીતના રસિયા છે. તું જોજે તો ખરી.’ બેગમ સાહેબાએ ફ્રેન્ચ વાઇનની બોટલો મૂકતા કહ્યું.
‘ઓહ હોહોહોહો… બેગમ સાહેબા, ફ્રેન્ચ વાઇન તો હું ભૂલી જ ગયેલો.’
‘તમે અમારા શોખથી ક્યાં અજાણ છો ખાંસાહેબ.?’ બેગમ સાહેબાએ પોતાની ફેવરિટ વાઇનની બોટલ બતાવતા કહ્યું.
‘મહેમાન કોણ છે એ તો કહો ?’ માયા બોલી ત્યાં દરવાજે ટકોરા પડ્યા.
બેગમ દરવાજો ખોલવા ગયાં. ‘મહેફિલના સૂત્રધાર ખુદ મોડા આવે તે ન ચાલે.’ બેગમે હસતા મોઢે બત્રાને આવકારતા કહ્યું.
‘અને આ શું લાવ્યા?’ બરકતુલ્લા ખાં સાહેબે પૂછ્યું.
બત્રા માયાના હાથમાં કબાબના પેકેટ પકડાવીને આંખ મારતા બોલ્યો: ‘સંગીત, શરાબ, કબાબ ઔર શબાબ. આ ચારેય વિના મહેફિલ અધૂરી ગણાય.’ માયા મીઠું હસી.
‘બત્રા, એક મહેમાને અહીં બિરિયાની બનાવવાની જીદ કરી છે.’ બેગમે કહ્યું.
‘મતલબ બિરિયાની બનતે સુબહ હો જાયેગી’ બત્રાએ કહ્યું.
‘નહીં, મહેફિલ સુબહ તક ચલેગી’ ખાં સાહેબ બોલ્યા.
‘આપ કે વો મહેમાન કમ ખાનસામા હૈ કહાં.?’ બત્રાએ પૂછ્યું.
દરવાજો ખખડ્યો. માયા ખોલવા ગઇ… એની પાછળ બત્રા ગયો.
આઇએ… આઇએ. કેપ્ટન સા’બ આઇએ… બત્રાએ હાથ મિલાવતા આવકારો આપ્યો. માયા અજાણ્યા મહેમાનને જોઇને જરા બાજુમાં ખસી ગઇ.
‘આપ હૈ મરિયમ સાહિબા, આપ હૈ બેગમ સાહિબા, આપ હૈ બરકતુલ્લા ખાં સાબ….ઔર આપ હૈ કેપ્ટન અખ્તર હુસેન સા’બ..ઇન કા તો .સિર્ફ નામ કાફી હૈ.’ બત્રાએ પાકિસ્તાનમાં રહીને ઇસ્લામી રીતરિવાજ અને તહઝીબ શીખી લીધા હતા અને જ્યાં મોકો મળે ત્યાં છુટથી ઉર્દૂ ભાષાનો ઉપયોગ કરતો. તશરીફ રખિયે સા’બ’ કહીને બત્રાએ કેપ્ટનને સોફા પર બેસવા કહ્યું, પણ કેપ્ટન સોફા પર બેસતા પહેલાં મોટેથી બોલ્યો: ‘ઔર આપ હૈ હમારે ખાનસામા રહેમત મિયાં. જો હમે બિરિયાની ખિલાયેંગે.’ માયા અને વિજય બત્રાને જોઇને બારણે ઊભેલા રાહુલના ગળામાં જાણે હડ્ડી અટકી ગઇ.
‘ઇનકો કિચન દિખાઓ પ્લીઝ’ કેપ્ટને કોટ ઉતારીને બાજુમાં મૂક્યો. શાહી સોફાના હાથા પર બે હાથ મૂકીને શહેનશાહની જેમ બેઠો. માયા રાહુલને કિચનમાં લઇ ગઇ.
‘કોણ છે આ કેપ્ટન?’ માયાએ અવાજ બહાર ન જાયે એની તકેદારી રાખીને વાસણનો અવાજ કરતાં પૂછ્યું.
‘હજી સુધી મને ય ખબર નથી… પણ આ માણસ બહુ બધું જાણે છે… બહુ પહોંચેલી માયા છે.’
‘માયા તો હું છુ.’ માયા હસી. લાગે છે તેં એનું દિલ જીતી લીધું છે.’
‘હાં, પણ હજી કિચન સુધી જ પહોંચ્યો છું.’
‘આ બધાને ભેગા કરીને મહેફિલ કરવા પાછળનો બેગમ સાહિબાનો આશય સમજાતો નથી.’ માયાએ કહ્યું.
‘મને પણ કેપ્ટન કાંઇ કહ્યા વિના જ અહીં લાવ્યો છે.’ ‘હું જાઉં છું’ કહીને માયા ઉતાવળે બહાર આવી ગઇ.
કેપ્ટને ટાઇની ગાંઠ હળવી કરતા કહ્યું: ‘હમારી મિલિટરી કી મેસ મેં ઇસે બડા ખાના બોલતે હૈ. સંગીત, શરાબ, શબાબ ઔર કબાબ… બકરે કો હલાલ કરતે હૈ ઓર ફિર બિરિયાની બનતી હૈ… લેકિન બકરા કહાં હૈ?’
‘નીચે બાંધ કર રખ્ખા હૈ…કસાઇ આતા હી હોગા.’ બેગમ સાહિબાએ કહ્યું.
સંગીતનો જલસો શરૂ કરવા થનગનતા બરકતુલ્લા ખાં સાહેબે મજાકમાં કહ્યું: હમ કસાઇ કો ભી સંગીત સૂનને ઉપર બુલા લેંગે ઔર કહેંગે બકરે કો ભી સાથ લાના..આખરી ગાના વો ભી સૂન લે.’
‘આપ ભી ના ખાં સાબ, કભી હદ કર દેતે હો.’ ખાં સાહેબની મજાકથી વાકેફ બેગમ સાહિબા હસ્યાં.
‘બત્રા સા’બને બતાયા…આપ સંગીત કા શૌક ફરમાતે હો.?’ ખાં સાહેબે કેપ્ટનને પૂછ્યું.
‘જી થોડા બહુત’
‘થોડા યા બહુત.?’ બરકતુલ્લા ખાં સાહેબે મજાક કરી. ફરી બારણાનો અવાજ આવતા માયાએ દરવાજો ખોલ્યો. સામે ઊભેલા માણસને જોઇને બે ડગલાં પાછળ હટી ગઇ.
‘છોટી સી યે દુનિયા પહેચાને રાસ્તે હૈ…
તૂમ કભી તો મિલોગે, કહીં તો મિલોગે તો પૂછેંગે હાલ…
ડૉ. ઝકરિયા ગાતો ગાતો પ્રવેશ્યો. બરકતુલ્લા ખાં સાહેબ દોડતા જઇને ઝકરિયાને ભેટ્યા. સચ ફરમાયા આપને છોટી સી દુનિયા હૈ, પહેચાને રાસ્તે હૈ… આપ સે મિલિયે… ડૉ. અહેસાન ઝકરિયા, હમારે દોસ્ત, વિદેશ મે પઢે હૈ…બહુત સારી, હમેં સમજ મેં ન આયે ઐસી ફિઝિક્સ ઔર મેટાલ્જિર્કલ કી ડિગ્રીયાં હાંસિલ કી હૈ… હાં, ફિલ્મી ગાનોં કે બડે શૌકિન હૈ’ ડૉ. અહેસાન ઝકરિયાની ઓળખાણ કરાવી.
અહેસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્ત
‘યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો’ ઝકરિયા બધાને મળતો-ભેટતો ગાવા લાગ્યો. વાહ વાહ ક્યા બાત હૈ નો અવાજ વિશાળ ઓરડામાં ફરી વળ્યો.
‘ભઇ, ગલા ગિલા કિયે બિના મૈં વાહ વાહ ક્યા બાત નહીં બોલ સકતા.’ કેપ્ટને દારૂની બાટલીઓ બતાવતા કહ્યું ને બધા ખડખડાટ હસી પડ્યાં. બત્રા અને માયાએ ગ્લાસ ભરવાનું શરૂ કર્યું. બેગમ સાહિબા અને માયાએ પણ ગ્લાસમાં વાઇન ભર્યો. બધાની આંખો એકબીજા સામે ટકરાઇ… ગ્લાસ ટકરાયા. ચીઅર્સનો નશીલો નાદ કિચનમાં પ્યાસા રાહુલ સુધી પહોંચ્યો. બારણે ટકોરા પડ્યા. તમામની નજર બારણે હતી. કેપ્ટન અખ્તર હુસેન અને ડૉ. અહેસાન ઝકરિયાની સાચા અર્થમાં ઓળખ થઇ ગઇ. હવે કોણ હશે.? માયા વિચારતી રહી. બત્રાએ બારણું ખોલ્યું. સામે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ બ્યૂરોનો ચીફ હબીબ અન્સારી હાથમાં પુષ્પગુચ્છ લઇને ઊભો હતો.
‘વેલકમ સર… વેલકમ.’ બત્રાએ હાથ મિલાવ્યો. અન્સારીને જોઇને ડૉ. ઝકરિયા અને કેપ્ટન ઊભા થઇ ગયા. એમને કદાચ અન્સારીના આગમનનો અણસાર નહતો. અન્સારીએ બેગમ સાહિબાના હાથમાં પુષ્પગુચ્છ આપતા કહ્યું: ‘થોડી ઉલ્ઝન મેં હું… જલ્દબાઝી મેં આપકી પસંદીદા વાઇન કી બોટલ લા ન સકા.’
‘યહ ક્યા કમ હૈ કી આપ તશરીફ લાયે… આપ આયે તો નશે મેં ઝુમતી બહાર આ ગઇ.’ બધા બેગમ સાહિબાનો અનોખો અંદાજ જોઇ રહ્યા. કેપ્ટન અખ્તર
હુસેન ઝીણી નજરે બેગમ સાહિબાનો જલવો નિહાળી રહ્યો હતો. એણે ઝાલી રાખેલા ગ્લાસમાંનો બરફ ઓગળી રહ્યો હતો. એણે ઠંડી હથેળી પોતાના ગાલે લગાડી. એ સમંજસમાં હતો કે બેગમ સાહિબા ધૂરંધરોને ભેગા કરીને આ શું કરી રહ્યાં છે. બેગમ સાહિબાએ ખુદ અન્સારી માટે પેગ બનાવીને એમને આપતાં ચીઅર્સ કર્યું. અન્સારીએ ડૉ. ઝકરિયા, કેપ્ટન અખ્તર હુસેન, ખાં સાહેબ, મરિયમ અને બત્રાની સાથે ગ્લાસ ટકરાવીને ચીઅર્સ કર્યું. બત્રાની આંખમાં આંખ મિલાવીને પૂછ્યું: ‘બત્રા, ક્યા ખાસ બાત હૈ આજ કી મહેફિલ મેં.?’ કેપ્ટન અખ્તર હુસેનના દિમાગમાં પણ આ જ સવાલ હતો.
બત્રાએ જવાબ આપ્યા વિના ગ્લાસ પકડેલો હાથ ઊંચો કર્યો: ચીઅર્સ કરીને બોલવાની શરૂઆત કરી. આપ સબ લોગ એક દુસરે કે કરીબ હોંગે હી. જો કરીબ નહીં હૈ….વો ઇસ મહેફિલ મેં શરાબ ઔર સંગીત કે સંગ કરીબ આ જાયેંગે. આજ કે ઇસ મૌકે પર મેં આપ સભી કો બેગમ સાહિબા કી અસલી પહેચાન કરવાના ચાહતા હું.’ બેગમ સાહિબાની અસલી ઓળખ વળી શું હશે. મહેમાનો પોતપોતાની રીતે બેગમ સાહિબાની અસલી ઓળખ વિશે અટકળો કરવા લાગ્યા. બેગમ સાહિબા એક જાજરમાન શખ્સિયત. એમનું સૌન્દર્ય, સૌમ્ય સ્વરૂપ, રજવાડી ઠાઠ, અદબ, પારંપારિક તહઝીબ, આધુનિક જીવનશૈલી… બધું જ છે બેગમ સાહિબામાં… તો પછી એમની અસલી ઓળખ બીજી કઇ હોઇ શકે. મહેમાન ત્રિપુટીની સાથે સાથે ખાંસાહેબ અને માયા પણ અચંબો પામી ગયાં.
અગર બેગમ સાહિબા ઇજાઝત દે તો….બત્રાએ બેગમ સાહિબાની સામે જોયું. બેગમ સાહિબાએ માથું હલાવીને સસ્મિત અનુમતિ આપી. બેગમ સાહિબાની અસલિયત જાણવાની ઇન્તેજારીમાં તમામ આંખો બત્રા પર મંડાઇ.
‘બેગમ સાહિબા હમારે મુહમ્મદ અલી જિન્હા કે ખાનદાન સે હૈ… ઔર યહ હૈ ઉનકી બહેન કી બેટી મરિયમ… લંડનસે હૈ.’
કેપ્ટન હુસેન, ડૉ. ઝકરિયા અને પીઆઇબીના ચીફ અન્સારીના ગ્લાસ હોઠ પર જ અટકી ગયા. છલકતા જામ થંભી ગયા. હથેળીની ગરમીથી ગ્લાસમાં બરફ ઝડપથી ઓગળવા લાગ્યો. ખાં સાહેબના ગ્રામોફોનની પિન હાથમાં જ ચોંટી ગઇ. બધાની આંખોમાં આશ્ર્ચર્ય અને ચહેરા પર આંચકાના ઓળા ઊતરી આવ્યા. બેબાક રાહુલ રસોડાની આડમાં આવીને ઊભો રહી ગયો. સ્તબ્ધ વાતાવરણ અને સન્નાટાની વચ્ચે કસાઇએ બકરાને હલાલ કર્યો ને એની આખરી ચીસ ઓરડામાં ફરી વળી.
ક્રમશ: