નાશિકઃ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉત વિવાદાસ્પદ નિવેદનો કરવાનું બંધ કરતા નથી, તેથી તેમની મુશ્કેલીઓ દૂર થવાને બદલે વધી રહી છે, જેમાં આજે સંજય રાઉતની સામે નાશિક પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો છે. બે દિવસ પહેલા સરકારી રેસ્ટ હાઉસમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ નિવેદન કર્યું હતું, જેમાં તેમણે શિંદે સરકારને ગેરકાયદેસર ગણાવી હતી. વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા પછી મુંબઈમાં રાઉતની સામે કેસ નોંધવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર સંજય રાઉતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે એકનાથ શિંદે સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. આ સરકાર ગેરકાયદે છે. આ સરકારના આદેશોનું પાલન કરવું જોઈએ નહીં. આ મુદ્દે પોલીસે કહ્યું છે કે સંજય રાઉતે તેમના નિવેદન અનુસાર પોલીસ અને જનતામાં દ્વેષ ફેલાવવાનું કામ કર્યું છે, ત્યાર બાદ તેમની સામે આઈપીસી 505/1 બી (1922 અધિનિયમ) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું. આ અગાઉ સંજય રાઉત પતરાવાલા કેસમાં જેલમાં ગયા હતા, પરંતુ આ નિવેદન પછી તેમની મુશ્કેલી વધી શકે છે, તેથી ઉદ્ધવ ઠાકરે જૂથમાં આ સમાચારથી ખળભળાટ મચી ગયો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ અહેવાલની વચ્ચે મુંબઈમાં એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાને આજે મહાવિકાસ આઘાડી (એમવીએ)ની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક પછી સંજય રાઉતે કહ્યું હતું કે એમવીએની પાર્ટીમાં આંતરિક રીતે કોઈ ગેરસમજ થઈ નથી. જો કર્ણાટકમાં 40 ટકા ભ્રષ્ટાચાર છે તો મહારાષ્ટ્રમાં 100 ટકા ભ્રષ્ટાચાર છે અને તેથી હાલની સરકાર ભ્રષ્ટ છે અને તે હારી જશે.
અહીં એ જણાવવાનું કે આ અગાઉ શિવસેનાના સાંસદ સંજય રાઉતની સામે નાશિક અને થાણેમાં કેસ નોંધાયા છે, કારણ કે અગાઉ તેમણે ગૃહ પ્રધાન અમિત શાહે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી અને એનો જવાબ આપવામાં સંજય રાઉતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ શિંદે જૂથના નેતાએ સંજય રાઉતની સામે નાશિકના પંચવટી અને થાણે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.