ઇન્સ્ટા રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ પર જાહેરમાં કાર અથવા મોટરસાઇકલ પર જોખમી સ્ટન્ટ કરતા છપરીઓની જેમ વિશ્વપ્રસિદ્ધ માંડવીના વિન્ડફાર્મ બીચ પર ગત રવિવારે સાંજે ઉમટેલા સહેલાણીઓની ભારે ભીડ વચ્ચે જોખમી રીતે ત્રણ જીપચાલક દ્વારા કરવામાં આવેલા સ્ટંટના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની ખુદ ધારાસભ્યે અને પોલીસે ગંભીર નોંધ લઇ ‘અજાણ્યા’ છપરી સ્ટન્ટબાજો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં એમ.એલ.એ ગુજરાત લખેલી એક કાળા રંગની અને બે લાલ રંગની મહિન્દ્રા થાર જીપના ચાલકો આસપાસના લોકોના જીવ જોખમાય એ રીતે સાઉથ ફિલ્મના દ્રશ્યની જેમ સ્ટંટબાજી કરતા હોવાનું અને ભયથી દોડાદોડી કરતા સહેલાણીઓ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે.
વિડીયો વાયરલ થયા બાદ ઉભા થયેલા ઉહાપોહ વચ્ચે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ વિધાનસભા સત્ર ચાલુ હોવાથી ટેલિફોનિક સંપર્ક દ્વારા પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભસિંહને સ્ટન્ટબાજો વિરુદ્ધ કાર્યવાહી કરવા સુચના આપતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.