ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતની મર્સિડીઝ કારનો દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે મોટો અકસ્માત થયો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસન બોર્ડર પર તેમની કારને અકસ્માત નડ્યો હતો. તેઓ પોતે સમયસર કારનો કાચ તોડીને બહાર આવ્યા હતા જે બાદ કારમાં ભડભડ આગ લાગી ગઇ હતી. તેમને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત તેમની મર્સિડીઝ GLE કારમાં એકલા જ હતા. તેઓ પોતે જ કાર ડ્રાઇવ કરી રહ્યા હતા. કાર સવારે લગભગ 5.30 વાગ્યે દિલ્હી-હરિદ્વાર હાઈવે પર ડિવાઈડર રેલિંગ સાથે અથડાઈ હતી. ત્યારપછી કાર આગના ગોળામાં ફેરવાઇ ગઇ હતી. જે જગ્યાએ ક્રિકેટર ઋષભની કારનો અકસ્માત થયો તે એક બ્લેક સ્પોટ છે. અકસ્માતનું કારણ નિદ્રા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
ઇજાઓ વિશે માહિતી આપતા વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “પંતને કપાળ, એક હાથ અને જમણા ઘૂંટણમાં ઇજાઓ થઇ હતી. જો કે, તેઓ સભાન છે અને વાત કરવામાં સક્ષમ છે. તેઓ જે કાર ચલાવતા હતા, તે સંપૂર્ણપણે બળી ગઇ હતી, પણ પંત ગંભીર અકસ્માતમાંથી બચી જવા માટે નસીબદાર છે.”
મેક્સ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.આશિષ યાજ્ઞિકે ભારતીય ક્રિકેટર ઋષભ પંત વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે પંતની હાલત સ્થિર છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે. તેમને બહારથી કોઈ ગંભીર ઈજા દેખાતી નથી. તે કમર, માથા અને પગમાં ઈજાઓ હોવાનું જણાવી રહ્યો છે.
25 વર્ષીય પંત તાજેતરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં એક્શનમાં હતા. તેમણે મીરપુરમાં ભારતની જીતમાં 93 રન બનાવ્યા હતા. શ્રીલંકા સામેની વ્હાઇટ-બોલ સિરીઝ માટે તેમને ટીમમાં લેવામાં આવ્યા ન હતા અને 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા તેમણે સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ વર્ક માટે NCAને રિપોર્ટ કરવાનો હતો.
હરિદ્વાર પાસે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા ક્રિકેટર ઋષભ પંતhttps://t.co/y3MAzYAd4c#Rishabpant #Champ #MayGod #Accident #Car #Cricket #BCCI#TeamIndia #news #NewsUpdate pic.twitter.com/DIzVkBSbJJ
— Mumbai Samachar Official (@Msamachar4u) December 30, 2022