વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બેનીઝે ગુરુવારે અમદાવાદમાં સાથે બેસીને ભારત – ઑસ્ટ્રેલિયાની અંતિમ ટેસ્ટ મેચના પહેલા દિવસની રમત જોઈ હતી. તેની પહેલાં બન્ને નેતા મેદાનમાં ફર્યા હતા અને ખેલાડીઓને મળ્યા હતા. બન્ને દેશના વડા પ્રધાનો રાષ્ટ્રગીતના ગાન સમયે ટીમ સાથે ઊભા રહ્યા હતા, જેમાં સ્ટીવ સ્મિથ ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાનના ખભે હાથ રાખીને ઊભા રહ્યા હતા, જ્યારે રોહિત શર્મા અને વડા પ્રધાન મોદી વચ્ચે થોડું અંતર હતું. બન્ને ટીમ રાષ્ટ્રગીત માટે ઊભી રહી હતી. કેપ્ટન રોહિત શર્માએ તમામ ખેલાડીઓનો પરિચય કરાવ્યો હતો. વડા પ્રધાને ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા. આ પછી, રાષ્ટ્રગીતમાં પણ ટીમ સાથે ઊભા રહ્યા હતા. બાદમાં તેઓ વડા પ્રધાન અલ્બેનીઝ સાથે સ્ટેન્ડ પર પાછા ફર્યા હતા. મોદી સવારે ૮.૩૦ વાગ્યે સ્ટેડિયમ પહોંચ્યા હતા. પહેલા અડધા કલાક સુધી મેચ જોયા બાદ તેઓ ગાંધીનગર ખાતેના રાજભવન જવા રવાના થયા હતા.