તમિલનાડુમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ શનિવારે ઉત્તર પ્રદેશના એક વ્યક્તિની તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરવા માટે નકલી સોફ્ટવેર બનાવીને રેલવે સાથે છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ 40 વર્ષીય શમશેર આલમ તરીકે થઈ છે. આલમ પર 2012થી ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઇટ પર તત્કાલ ટિકિટ બુક કરવા અને વેચવા માટે નકલી સોફ્ટવેર બનાવવાનો આરોપ છે.
આલમની તિરુવન્નામલાઈથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આરપીએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે આલમ મુંબઈ નજીકના ટિટવાલા શહેરમાં છેલ્લા 10 વર્ષથી કામ કરતો હતો અને તેણે IRCTC વેબસાઇટ પર તત્કાલ ટિકિટ બુક કરવા માટે સોફ્ટવેર ‘ફ્યુઝન’ વિકસાવ્યું હતું. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આલમે દેશભરના ખાનગી ટિકિટ બુકિંગ કેન્દ્રોને ‘ફ્યુઝન’ સોફ્ટવેર વેચ્યું હતું, જેણે તત્કાલ ટિકિટોનું ગેરકાયદે બુકિંગ કરીને 50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, દરોડા બાદ જુલાઈ 2022માં વેલ્લોરમાં પાંચ બુકિંગ એજન્ટોની ધરપકડ કરવામાં આવી હતી.
એજન્ટોએ નકલી વેબસાઈટ વિશે પોલીસને જણાવ્યું હતું, જેની મદદથી નકલી આઈડીનો ઉપયોગ કરીને અને અસલી મુસાફરોને બાયપાસ કરીને તત્કાલ ટિકિટ ઝડપથી બુક કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ ખુલાસાના આધારે એજન્ટોએ સપ્ટેમ્બર 2022માં બિહારના દાનાપુરના વતની 32 વર્ષીય શૈલેષ યાદવની ધરપકડ કરી હતી. યાદવે તેની વેબસાઇટ (tatkalsoftwareall.in) દ્વારા દેશભરના ટિકિટ બુકિંગ એજન્ટોને સોફ્ટવેર વેચ્યું હતું.
યાદવની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે આલમ મુખ્ય કાવતરાખોર હતો જેણે સોફ્ટવેર વિકસાવ્યું હતું. આલમે શરૂઆતમાં તેનું સોફ્ટવેર (શાર્પ, તેઝ, નેક્સસ પ્લસ પ્લસ અને ફ્યુઝન) ગ્રાહકોને માસિક ધોરણે રૂ. 500માં ભાડે આપ્યું હતું. ત્યારબાદ તેણે યાદવ સાથે હાથ મિલાવ્યા હતા અને મોટા પાયે છેતરપિંડીનું આયોજન કર્યું હતું અને તેને અંજામ આપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આલમ વિરુદ્ધ કુર્લા, દાદર અને જોધપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા છે.