નાના પટોલેએ કાઢી સંજય રાઉતની ઝાટકણી
મુંબઈ: મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ ઠાકરે જૂથ પર કૉંગ્રેસને કમજોર બનાવવા માટે કામ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે અને ઠાકરે જૂથના સંસદસભ્ય સંજય રાઉતની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે સંજય રાઉતની આક્રમક ભાષા અને અકડાઈભર્યું વલણ મહાવિકાસ આઘાડીમાં મતભેદ ઊભા કરી રહી છે.
બે દિવસ પહેલાં ઉદ્ધવ ઠાકરેની સભામાં કૉંગ્રેસના એક નેતા સ્નેહલ જગતાપને પક્ષપ્રવેશ આપ્યો હતો તેના પર
નાના પટોલે નારાજ હતા. તેમણે મહાડ અને સોલાપુરની બેઠકને મુદ્દે શિવસેના સામે નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ સંજય રાઉત દ્વારા પોતાના સંપાદકીયમાં જે રીતની ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે તેની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે સંજય રાઉત મહાવિકાસ આઘાડીમાં મતભેદ ઊભા કરીને મહાવિકાસ આઘાડીને કમજોર કરવાનું કામ કરી રહ્યા છે. સંજય રાઉત કૉંગ્રેસ અને એનસીપી અંગે સતત ટીકા કરી રહ્યા છે.
————–
પૃથ્વીરાજ ચવ્હાણ પર શરદ પવારની ટીકા
મુંબઈ: એનસીપીસુપ્રીમો શરદ પવારે કૉંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણના
પોતાની જ પાર્ટીમાં રાજકીય કદ બાબતે સવાલ ઊભો કર્યો છે અને કૉંગ્રેસના નેતાની ટીકા કરી છે. કર્ણાટકની ચૂંટણીમાં ઉમેદવાર ઉભા
રાખીને ભાજપની બી ટીમ તરીકે કામ કરવાનો આક્ષેપ પૃથ્વીરાજ ચવ્હાણે એનસીપી પર કર્યો હતો.
પવારે કહ્યું હતું કે ‘તેમણે (પૃથ્વીરાજ ચવ્હાણે) પોતાની પાર્ટીમાં જ પોતાનું કદ કેટલું છે તે જોવું જોઈએ. તે એ, બી, સી કે ડી છે. તેની પાર્ટીની કોઈપણ વ્યક્તિ ખાનગીમાં તમને કહી શકશે.
કર્ણાટકમાં ઉમેદવાર ઊભા રાખવા અંગે તેમણે કહ્યું હતું કે પાર્ટીના વિકાસ માટે અને કર્ણાટકમાં પગપેસારો કરવા માટે ઉમેદવાર ઊભા રાખ્યા છે. અમે કૉંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટી સાથે ચર્ચા કરી નહોતી કેમ કે અમે પાયાથી શરૂઆત કરવા માગતા હતા.
————–
પૃથ્વીરાજ ચવ્હાણનો જવાબ
મુંબઈ: કર્ણાટકની ચૂંટણીમાં ઉમેદવાર ઊભા રાખવા અંગે કૉંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે એનસીપીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે એનસીપી કર્ણાટકની ચૂંટણીમાં ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે. શરદ પવારે ચવ્હાણની ટીકા કરતાં કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ એવો જવાબ આપ્યો હતો કે પૃથ્વીરાજ ચવ્હાણ કૉંગ્રેસના એ રેન્કના નેતા છે. પૃથ્વીરાજ ચવ્હાણે આ પહેલાં શરદ પવારે પોતાની આત્મકથામાં એવું લખ્યું હતું કે ૨૦૧૯માં મહાવિકાસ આઘાડીના ગઠન વખતે કૉંગ્રેસે અક્કડ વલણ અપનાવ્યું હતું. આ વાતને પણ ચવ્હાણે રદિયો આપ્યો હતો.
———–
છગન ભુજબળનો સંજય રાઉતને સવાલ
મુંબઈ: મહાવિકાસ આઘાડીમાં તડાં પડી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. એનસીપીના સિનિયર નેતા છગન ભુજબળે ઠાકરે જૂથના સંસદસભ્ય સંજય રાઉતની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે સંજય રાઉતને અત્યારે જ બધું ઉખેળવાની આવશ્યકતા હતી? એનસીપીએ મહાવિકાસ આઘાડીમાંથી બહાર નીકળી જવાનું છે? આ બધાને કારણે હવે મહાવિકાસ આઘાડીમાં તણખા ઝરી રહ્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. શરદ પવારે પોતાની આત્મકથામાં ઉદ્ધવ ઠાકરે અંગે જે કહ્યું તેનો જવાબ ઉદ્ધવે એક વખત આપી દીધો છે ત્યારે સંજય રાઉતે આ બધું ઉખેળવાનો અર્થ શો છે? તેમને એવું લાગી રહ્યું છે કે મનભેદ ઊભા થાય અને એનસીપી મહાવિકાસ આઘાડીમાંથી બહાર નીકળી જાય? એમ ભુજબળે કહ્યું હતું. તમારી જેટલી ઉંમર છે એટલું શરદ પવારનું રાજકારણ છે. એનસીપીમાં પણ અજિત પવાર, સુપ્રિયા સુળે, જયંત પાટીલ જેવા નેતાઓ છે. તે કોના ઘરે ગયા હતા તે ખબર નથી, પરંતુ આટલું ધ્યાન તેમણે શિંદે જૂથ અને તેમની બેગ પર રાખ્યું હોત તો આવી સ્થિતિ આવી હોત.
————–
સંજય રાઉતે ઉડાવી શરદ પવાર-અજિત પવારની હાંસી
મુંબઈ: ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે મુખપત્ર સામનામાં એનસીપી અને શરદ પવારની હાંસી ઉડાવતાં કહ્યું હતું કે શરદ પવાર પોતાના ઉત્તરાધિકારી તૈયાર કરવામાં નિષ્ફળ ગયા છે. અજિત પવારની હાંસી ઉડાવતાં તેમણે કહ્યું હતું કે અજિત પવાર એનસીપીના એવા નેતા છે જે ભાજપમાં જવા માટે બેગ ભરીને તૈયાર બેઠા છે. શરદ પવારે રાજીનામું પાછું ખેંચી લીધું હોવાથી હવે અજિત પવારની હાલત કફોડી થઈ ગઈ છે. એનસીપીના બંને નેતાઓ અંગે સંજય રાઉતે કરેલી આ ટિપ્પણીને મહાવિકાસ આઘાડીમાં મતભેદ ચાલુ થઈ ગયા હોવાની રીતે જોવામાં આવી રહ્યા છે. તેમની આ ટિપ્પણીના આકરા પ્રત્યાઘાત પડ્યા હતા અને એનસીપીના લગભગ દરેક નેતાએ તેમની ટીકા કરી હતી. શરદ પવારે તો ત્યાં સુધી કહ્યું હતું કે સંજય રાઉતના નિવેદન અર્થહીન છે. અમે શું કરીએ છીએ તે અમને ખબર છે તેમણે અટકળો લગાવવાનું બંધ કરવું જોઈએ.