(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસનની ભ્રષ્ટાચાર વિરોધ ઝુંબેશ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરીને પાલિકાએ પંચાવન ભ્રષ્ટ કર્મચારીઓને બરતરફ કર્યા છે. તો વધુ ૫૩ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. વિવિધ ભ્રષ્ટાચાર પ્રકરણમાં કર્મચારીઓના ગુના પણ સાબિત થયા છે. તે મુજબ મંગળવારે પંચાવન કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તો ગુનાની નોંધ થયેલા ૫૩ અને અન્ય ફોજદારી પ્રકરણમાં ગુના નોંધાયેલા ૮૧ એમ કુલ ૧૩૪ કર્મચારીને નિલંબિત કરીને મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે.
કાર્યવાહી કરવામાં આવેલા કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી પડી છે. એ સાથે જ પેન્શન અને ગ્રેચ્યુટી જેવા લાભ પણ નહીં મળશે. એટલું જ નહીં પણ આ વ્યક્તિને ભવિષ્યમાં કોઈ પણ સરકારી અથવા અર્ધસરકારી સંસ્થામાં પણ નોકરી કરવા પર પ્રતિબંધ રહેશે. બરતરફ એટલે પ્રશાસકીય દ્દષ્ટિએ તે સૌથી આકરી સજા ગણાય છે.
એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ પાસે દાખલ થયેલા ૧૪૨ પ્રકરણમાં ૨૦૦ કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમાંથી ૧૪૨માંથી ૧૦૫ પ્રકરણમાં કેસ દાખલ કરવા પહેલા ‘પ્રી-પ્રોસ્યુકેશન અપ્રુવલ’ મહાનગરપાલિકા પ્રશાસને આપી છે. બાકીના ૩૭માંથી ૩૦ પ્રકરણમાં હજી સુધી એન્ટિકરપ્શન બ્યુરોના સ્તર પર તપાસ ચાલી રહી છે. તેથી તેમણેે પાલિકા પ્રશાસન પાસે હજી મંજૂરી માગી નથી. આ પ્રકરણ મંજૂર માટે આવશે ત્યારે યોગ્ય કાર્યવાહી પાલિકા પ્રશાસન તરફથી કરવામાં આવશે એવો દાવો પાલિકાએ કર્યો છે. બાકીના સાત પ્રકરણમાંથી ચાર પ્રકરણમાં મંજૂરી બાબતે નિર્ણય એન્ટિ કરપ્શન વિભાગને જણાવવામાં આવ્યો છે. બાકીના ત્રણ પ્રકરણમાં મંજૂરીની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે.
એન્ટિ કરપ્શન બ્યુરો ખાતા તરફથી પાલિકા કર્મચારીઓના વિરોધમાં ભ્રષ્ટાચાર પ્રતિબંધ કાયદાની કલમ ૧૭ (એ) અંતર્ગત ૩૯૫ ફરિયાદ પ્રાપ્ત થઈ છે. આ ફરિયાદ મુખ્યત્વે કર્મચારીઓના ઓફિસમાં કામ પાર પાડવા સંબંધી ભ્રષ્ટાચાર અથવા કામમાં થયેલા કથિત ભ્રષ્ટાચારને લઈને છે. ઉદાહરણ તરીકે રસ્તા પરના ખાડા, કચરો ઉંચકવામાં થનારી કામચોરી, ફૂટપાથની દુર્દશા, પાણીની અછત, જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આચોક્કસતા, સાર્વજનિક આરોગ્ય કામમાં ગેરવ્યવસ્થા જેવા સ્વરૂપની ફરિયાદો છે.