મુંબઈઃ વિના ટિકિટ પ્રવાસ કરનારા ખુદાબક્ષો કે પછી પાસ કઢાવવાનું ભૂલી જનાવા પ્રવાસીઓને ફાઈન ભરવા માટે હવે સત્તાવાર ડિજિટલ ઓપ્શન આપવામાં આવશે. મધ્ય રેલવેએ રેલવે સ્ટેશન પર ફરજ બજાવનારા ટીસીને ક્યુઆર કોડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણી વખત રોકડા પૈસાના અભાવે દંડ ભરતી વખતે પ્રવાસીઓને મુશ્કેલી પડે છે અને તેને કારણે પ્રવાસીઓ અને ટીસી વચ્ચે વિવાદ થાય છે.
હવે પાનપટ્ટીવાળાથી લઈને પ્લેટફોર્મ પર બેસનારો બૂટ પોલીશવાળા સુધીના તમામ લોકો ડિજિટલ પેમેન્ટનો ઓપ્શન ગ્રાહકોને આપે છે. આ જ દિશામાં આગળ વધીને મધ્ય રેલવે દ્વારા હવે ટીસીને ક્યુઆર કોડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આને કારણે રોકડ પૈસાના અભાવ દંડ ભરવામાં ગલ્લાતલ્લા કરનારા પ્રવાસીઓ પાસે ડિજિટલી પેમેન્ટ કરવાનો ઓપ્શન પણ મળશે. આના વિકલ્પ તરીકે કેટલાક ટીસી પ્લેટફોર્મ પરના સ્ટોલધારકો પાસેથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરાવતાં હતા અને ત્યાર બાદ એ દંડની રકમ સ્ટોલધારકો પાસેથી લેતા હતા. આ લાંબી કવાયતને કારણે પ્રવાસીઓ અને ટીસી બંનેનો સમય વેડફાતો હતો.
પરંતુ હવે રેલવે અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કોન્ટ્રાક્ટ સાઈન કરીને એક ખાતુ ખોલવાની પ્રક્રિયા હાથ ધરી છે. રેલવે ખાતાનો ક્યુઆર કોડ ટીસીને આપવામાં આવશે. રેલવેના ટીસી ક્રમાંકની નોંધ કરવામાં આવશે. દંડની રકમ ખાતામાં આવી ગયા હોવાનો મેસેનજ ટીસીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે અને એને કારણે પ્રવાસી અને ટીસી બંનેના સમયની બચત પણ થશે.
એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ ક્યુઆર કોડ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. મધ્ય રેલવેના મુંબઈ વિભાગમાં 1200 ટીસી છે અને તેમાંથી સ્ટેશન પર ફરજ બજાવનારા ટીસીને ક્યુઆર કોડ આપવામાં આવશે, એવી માહિતી વરિષ્ઠ રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી હતી.