મુંબઈઃ મુંબઈગરા જો આવતીકાલે બહાર નીકળવાનો પ્લાન કરી રહ્યા હોવ તો જરા પહેલાં આ સમાચાર વાંચીને પછી જ એ પ્રમાણે પ્લાન બનાવજો, કારણ કે રવિવારે તા. 12મી ફેબ્રુઆરીએ મધ્ય, હાર્બર લાઈન અને ટ્રાન્સ હાર્બર પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ રવિવારે પશ્ચિમ રેલવે પર કોઈ પણ પ્રકારનો બ્લોક હાથ નહીં ધરવામાં આવે. સિગ્નલ અને મેઈન્ટનન્સ વર્ક માટે આ બ્લોક હાથ ધરવામાં આવશે, પરિણામે અમુક ટ્રેન રદ્દ કરવામાં આવશે તેમ જ લાંબા અંતરની ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી પડશે, એવી માહિતી મધ્ય રેલવે દ્વારા આપવામાં આવી છે.
મધ્ય રેલવે પર સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 3.30 વાગ્યા સુધી વિદ્યાવિહાર થાણે વચ્ચે પાંચમી છઠ્ઠી લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. જેને કારણે લોકમાન્ય ટિળક ટર્મિનસ ખાતે જનારી અને લોકમાન્ય ટિળક ટર્મિનસથી રવાના થનારી મેલ એક્સપ્રેસ ટ્રેનો કલ્યાણથી થાણે અને થાણેથી કલ્યાણ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. જેને કારણે મેલ એક્સપ્રેસ ટ્રેનો 10થી 15 મિનિટ મોડી પડશે અને લોકલ ટ્રેનો પર પણ તેની અસર જોવા મળશે.
હાર્બર લાઈન પર પનવેલ-વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર સવારે 11.05 કલાકથી બપોરે 4.05 કલાક સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. દરમિયાન પનવેલ-વાશી અને વાશી પનવેલ વચ્ચે ટ્રેનવ્યવહાર પૂર્ણપણે બંધ રહેશે. જ્યારે ટ્રાન્સ હાર્બર લાઈન પર પણ સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી થાણે-પનવેલ અને પનવેલ-થાણે વચ્ચે ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. બ્લોકના સમયગાળા દરમિયાન બેલાપુર-ખારકોપર વચ્ચે ટ્રેનો નિયમિત ટાઈમટેબલ પ્રમાણે દોડાવવામાં આવશે. જ્યારે બ્લોકના સમય દરમિયાન સીએસએમટી-વાશી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે, અને વાશી-નેરુલ વચ્ચે ટ્રાન્સ હાર્બલાઈન પર લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે.