ઇન્ડિયન વેટેનરી રીસર્ચ ઇન્સ્ટીટયુટ(IVRI)ના એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે તાજા ગૌમૂત્રમાં સંભવિત હાનિકારક બેક્ટેરિયા હોઈ શકે છે જેનું સેવન કરવામાં આવે તો વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ ગૌમૂત્ર પીવાનું ટાળવું જોઈએ જે તેમને બીમાર કરી શકે છે.
આ સંશોધન અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભેંસનું મૂત્ર ગૌમૂત્ર કરતાં વધુ અસરકારક છે. IVRI ખાતે પીએચડી વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગાય અને બળદના મૂત્રમાં એસ્ચેરીચિયા કોલી સહીત લગભગ 14 પ્રકારના હાનિકારક બેક્ટેરિયા હોય છે જે પેટમાં સંક્રમણ કરી શકે છે, તેથી લોકોએ ગૌમૂત્ર પીવાનું ટાળવું જોઈએ.
આ રિપોર્ટ ઓનલાઈન રિસર્ચ વેબસાઈટ રિસર્ચગેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. રીપોર્ટમાં ગાય, ભેંસ અને મનુષ્યોના પેશાબના 73 નમૂનાઓ પર રીસર્ચ કરવામાં આવ્યું હતું. ભેંસના પેશાબમાં જીવાણુનાશક પ્રકૃતિ ગાય કરતાં ઘણી સારી હોવાનો રિસર્ચમાં દાવો કરાયો છે. S Epidermidis અને E Rhapontici જેવા બેક્ટેરિયા પર ભેંસનું મૂત્ર વધુ અસરકારક છે.
IVRIના એક રિસર્ચરના જણાવ્યા પ્રમાણે અમે સ્થાનિક ડેરી ફાર્મમાંથી ત્રણ પ્રકારની ગાયો સાહિવાલ, થરપારકર અને વિંદાવાણી (ક્રોસ બ્રીડ)ના મૂત્રના નમૂના એકત્ર કર્યા હતા. જૂન અને નવેમ્બર 2022 ની વચ્ચે હાથ ધરવામાં આવેલા સંશોધનમાં નિષ્કર્ષ આવ્યો કે કોઈ પણ સંજોગોમાં ગૌમૂત્રની ભલામણ કોઈ પણ મનુષ્ય માટે કરી શકાય નહિ. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે પ્યોરીફાઈડ ગૌમૂત્રમાં ચેપી બેક્ટેરિયા નથી હોતા જેના પર વધુ સંશોધન કરી રહ્યા છીએ.
સંશોધનકર્તાએ એવો પણ દાવો કર્યો હતો કે ગૌમૂત્ર એન્ટીબેક્ટેરિયલ હોવાનું કહેવાય છે પરંતુ આ સાચું નથી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ટ્રેડમાર્ક વિના ભારતીય બજારમાં ગૌમૂત્રનું વ્યાપકપણે વેચાણ થઇ રહ્યું છે.