કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના નવા 10,158 કેસ નોંધાયા છે. જેના કારણે દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 44,998 પર પહોંચી ગઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 5,356 દર્દીઓ કોરોના સંક્રમણથી સાજા થયા છે. કોરોના વાયરસના સંક્રમણમાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 4,42,10,127 થઈ ગઈ છે. રીકવરી રેટ 98.71 ટકા રહ્યો છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ 4.42 ટકા છે.
આરોગ્ય નિષ્ણાતોના મત મુજબ કે કોવિડ કેસની સંખ્યા આગામી 10 દિવસ સુધી વધશે, પરંતુ ત્યાર બાદ કેસ ઓછા થવા લાગશે. દેશમાં કોવિડ કેસની વધતી સંખ્યા હજુ સ્થાનિક તબક્કામાં છે. આજે નોંધાયેલા કોરોનાના કેસો સાત મહિનામાં સૌથી વધુ છે.
સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ ગઈકાલે જણાવ્યું હતું કે તેમણે કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન ફરી શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે કંપની પાસે પહેલેથી જ કોવેક્સ રસીના છ મિલિયન બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ છે અને વયસ્કોએ બૂસ્ટર શોટ લેવો જોઈએ.
આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, ભારતમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોવિડ-19 રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 327 ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 92.34 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 2,29,958 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.