મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેમાં સતત ત્રીજા દિવસે મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 1,100ને પાર થઈ છે. શુક્રવારે (14 એપ્રિલ) મહારાષ્ટ્રમાં 1152 નવા કેસ નોંધાયા હતા, એમ આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવ્યું હતું.
કોરોનાના નવા કેસના વધારાની સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 5928 થઈ ગઈ છે. એક જ દિવસમાં કોવિડના સંક્રમણને કારણે ચાર લોકોના મોત પણ થયાં છે. આ સતત ત્રીજો દિવસ છે, જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ગુરુવારે (13 એપ્રિલ) રાજ્યમાં કોરોનાના 1086 નવા કોરોના કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. બુધવારે (12 એપ્રિલ) રાજ્યમાં ચેપના 1,115 નવા કેસ નોંધાયા હતા.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરાયેલા કોરોના બુલેટિન મુજબ છેલ્લા 24 કલાકમાં 920 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં 14 એપ્રિલ સુધી 80 લાખ 126 લોકો સારવાર બાદ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોનામાંથી રિકવરીનો દર એટલે કે રિકવરી રેટ 98.11 ટકા છે. સૌથી વધુ સક્રિય કેસ મુંબઈમાં છે. મુંબઈમાં કોરોનાના 1643 સક્રિય કેસ છે. થાણેમાં 1056 સક્રિય કેસ છે.
રાજ્યમાં કોરોનાથી 806 દર્દી સાજા થયા છે, જ્યારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવમાં આવી હતી. મુંબઈમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 1,635 છે. મહારાષ્ટ્રમાં મુંબઈની માફક દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાં ગુરુવારે 1,500થી વધુ કેસ નોંધાયા હતા. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર 27.77 ટકા છે, એવું આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવ્યું હતું.