નવી દિલ્હીઃ મુંબઈ-મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યમાં કોવિડ-19ના કિસ્સામાં નિરંતર વધારો થઈ રહ્યો છે ત્યારે તેના સંબંધિત વિવિધ પગલા ભરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી તથા કોરોના સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. વડા પ્રધાન કાર્યાલયવતીથી જણાવવામાં આવ્યું છે કે જીનોમ સિકવન્સિંગની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તેમ જ સતર્કતા અને સાવધાન રહેવાનો નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. જોકે, કોવિડ-19 વધતા કેસ અંગે જાહેર આરોગ્ય એકમો, હોસ્પિટલ મારફત વિવિધ તૈયારીઓ અંગે બેઠક બોલાવવામાં આવી હતી. દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેમાં બુધવારે કોરોનાથી પાંચના મોત થયા હતા. પાંચ દર્દીમાં છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળનો સમાવેશ થાય છે. દેશમાં કોરોના ડેઈલી પોઝિટિવિટી રેટ 1.09 ટકા છે, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 0.98 ટકા છે.
બુધવારે બોલાવવામાં આવેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, એવિયેશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન ભારતી પ્રવીણ પવાર, હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણ, આઈસીએમઆરના રાજીવ બહલ, નીતિ આયોગના વીકે પોલ, ગૃહ સચિવ અજય ભલ્લા, પીએમઓ (વડા પ્રધાન કચેરી)ના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાના કેસમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેમાં બુધવારે એક દિવસમાં નવા 1,133 કેસ નોંધાયા હતા. કુલ કેસની સંખ્યા 7,026 થઈ છે, જ્યારે એક દિવસમાં 662 દર્દી કોરોનાથી સાજા થયા હતા, જ્યારે પાંચ દર્દીના મોત થયા છે. જોકે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ આ વર્ષમાં બુધવારે નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ 16મી માર્ચે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોનાના વધતા કેસને લઈ પત્ર લખ્યો હતો. મંત્રાલયે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાના, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક રાજ્યને કોરોના સંબંધમાં સતર્ક રહેવાનો અનુરોધ કર્યો હતો.