કવર સ્ટોરી – ડૉ. મનોજ જોશી ‘મન’
શીર્ષક વાંચીને ઘણાં વાંચકોને શોલે ફિલ્મમાં બસંતી બનેલી હેમામાલિનીએ બોલેલો ડાયલોગ યાદ આવશે કે “ઘોડા અગર ઘાસસે દોસ્તી કરેગા તો ખાયેગા ક્યા?!!
મજાક એક તરફ, પણ ભારતમાં પ્રચલિત બે મુખ્ય ચિકિત્સાપદ્ધતિઓ એલોપથી અને આયુર્વેદ બન્નેમાં આ વાત ડંકાની ચોટ પર કહી છે. એલોપથીમાં કહ્યું છે કે, ‘પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર.’
એટલે કે રોગ થયાં પછી મટાડવો તેનાં કરતાં તેને થતો રોકવો વધુ સારો.
અને આયુર્વેદમાં તો આનાંથી પણ આગળ વધીને સમગ્ર આયુર્વેદનાં મુખ્ય બે પ્રયોજન બતાવતાં કહ્યું છે કે –
प्रयोजनम् चास्य स्वस्थस्य स्वास्थ्य रक्षणम्, आतुरस्य विकार प्रशमनम च।
અર્થાત સ્વસ્થનાં સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને રોગીનાં રોગનું શમન કરવું આ બે આયુર્વેદનાં મુખ્ય પ્રયોજનો છે.
અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોગીના રોગને દવાઓ દ્વારા દૂર કરવો તે મુદ્દાને બીજા ક્રમ પર રાખેલો છે. જયારે સ્વસ્થ મનુષ્યનાં સ્વાસ્થ્યને જાળવી રાખવું (એટલે કે તે રોગી જ ન બને તેની કાળજી રાખવી અને એ રીતે તેને દવાથી દૂર રાખવો) તે પહેલું અને મુખ્ય પ્રયોજન બતાવેલું છે.
હવે, ડૉક્ટર દર્દીને દવાથી દૂર કઈ રીતે રાખી શકે એ વિચારીએ.
એક ઉદાહરણ સાથે વાત કરીએ તો ધારી લો કે એક ડૉક્ટર પાસે એલર્જીની શરદીનો પેશન્ટ આવ્યો. તો ડૉક્ટર માત્ર એલર્જીની દવાઓ લખીને જવા દેશે તો દર્દી સાજો તો થઈ જશે. પણ, ફરીવાર તેને એલર્જી થવાની શક્યતા તો ઊભી જ રહેશે. એટલે ડૉક્ટરો એ એલર્જીની દવાઓ સાથે જ જાણીતાં અને મુખ્ય એવાં એલર્જન કે જેનાંથી એલર્જી ઉત્પન્ન થઈ શકે તેની જાણકારી પેશન્ટને આપવી જોઈએ.. જેમ કે,
ખાવા-પીવામાં મુખ્યત્વે ઠંડા, ખાટાં પદાર્થો દહીં, છાસ, લીંબુ, આંબલી, આઈસક્રીમ, કોલ્ડડ્રિન્ક, સોફ્ટડ્રિન્ક, ફ્રિજનું પાણી,
કોઈપણ પેકડ કે ટીન્ડ ફૂડ જેમ કે વેફર, સોસ, જામ વગેરે…
જેની અંદર વિનેગાર, પ્રિઝર્વેટિવ, આર્ટિફિશિયલ કલર્સ, કેમિકલ્સ ઉમેર્યા હોય તેવી બધી જ વસ્તુઓથી એલર્જી થવાની શક્યતા રહે છે.
ખાવાપીવાની ચીજો સિવાય વધારે ધૂળ (ડસ્ટ), ધુમાડા, અગરબત્તી, પર ફ્યુમ્સ એન્ડ ગેસીઝ, હેવી સ્મેલ ધરાવતાં, સુગંધવાળા સાબુ, શેમ્પુ, સ્પ્રે, પાવડર, ડિઓડોરન્ટ વગેરે પણ એલર્જી કરી શકે છે.
પાથરવા કે ઓઢવા માટેની ઊનનાં રુંછાવાળી ચાદરો, તકિયા કે ઓછાડ પણ એલર્જી કરી શકે છે.
હોળીના તહેવાર એટલે કે માર્ચની આસપાસ ઉડતી પરાગરજ (પોલેન ગ્રેન્સ) અને સડન ટેમ્પરેચર ચેન્જ પણ એલર્જી કરી
શકે છે.
આટલી માહિતી સાથે જો દર્દીને સમજાવવામાં આવે તો શક્ય છે કે દશમાંથી બે-ત્રણ દર્દીઓ એવાં નીકળે જે પોતાની એલર્જીનું કારણ શોધી શકે અને એનાંથી દૂર રહી પરિણામે દવાથી પણ દૂર રહી શકે.
ધૂળની એલર્જી ધરાવતાં દર્દીઓ તો માત્ર યોગ્ય માસ્કનાં ઉપયોગ દ્વારા પણ દવાથી દૂર રહી શકે છે.
આ થઈ ડૉક્ટરના પક્ષની વાત પણ, કહેવત છે ને કે એક હાથે તાળી ન પડે. એટલાં માટે સામે દર્દીઓના પક્ષે પણ બહુ બધી ફરજો આવે છે. જેમ કે,
દર્દીએ પોતાના તબીબ પર સંપૂર્ણ વિશ્ર્વાસ રાખવો અને તેમણે આપેલી સૂચનાઓ કે સલાહનું ચુસ્ત પાલન કરવું.
સતત ગૂગલ કર્યે રાખી પોતાનાં પગ પર કુહાડી ન મારવી.
અધૂરીપધૂરી માહિતી મેળવી ને પોતાની જાત પર કોઈ અખતરા ન કરવાં.
લક્ષણો સરખાં લાગતાં હોય તેમ છતાં ડોક્ટરે લખેલ જૂનાં પ્રિસ્ક્રીપશન મુજબ જાતે દવાઓ ન લઈ લેવી.
અનિવાર્ય સંજોગો સિવાય સેલ્ફ મેડિટેશન ટાળવું. સૂંઠનાં ગાંગડે ગાંધી થવા નીકળેલાં મિત્રો કે સગાં-સંબંધીની જેવી તેવી સલાહો કે દવાઓ ન જ લેવી. દવાનાં ડોઝમાં જાતે ફેરફાર ન કરવાં.
દરદ ગયું અને વૈદ્ય વેરી ! એ રૂઢિપ્રયોગ મુજબ ન વર્તવું ! દવાનો કોર્સ પૂરો કરીને ડૉક્ટરની સૂચના મુજબ ફરી ફોલોઅપમાં બતાવવા જવું. જેથી કોઈપણ દરદ ટૂંક સમયમાં ઊથલો ન મારે અને મૂળમાંથી મટી શકે.
આવાં તો અનેક રોગો છે કે જે ખાવાપીવામાં થોડીક પરહેજ પાળવાથી, જીવનશૈલીમાં ફેરફાર કરવાથી (Lifestyle Modifications), , નિયમિત કસરત કે વોકિંગ કરવાથી, રોગ ઉત્પન્ન કરનાર પરિબળોનો ત્યાગ કરવાથી એને ઝડપથી મટાડી શકાય છે કે થતાં રોકી શકાય છે. આયુર્વેદમાં તો રોગ ઉત્પન્ન કરનાર કારણોથી દૂર રહેવું એને ચિકિત્સાનો દરજજો આપેલો છે.
संक्षिप्तः क्रियायोगो निदान परिवर्जनम्।
આ રીતે ડૉક્ટર અને પેશન્ટ બન્ને જો પોતાનું કર્તવ્ય બરાબર નિભાવે તો ઘણા કેસમાં દર્દીઓને દવાથી દૂર રાખી શકાય છે.
આખરે તો
सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामया…એ જ આપણી વેદવાણી અને
સંસ્કૃતિ છે.
—
સ્ટ્રેઈટ ડ્રાઈવ
ઉત્તમ તબીબના ચાર ગુણો
૧) પોતાનાં કાર્યમાં નિપૂણ હોવો જોઈએ.
૨) જે શાખાનો તજજ્ઞ હોય તેનું યોગ્ય શિક્ષક પાસેથી પૂર્ણરૂપથી અધ્યયન કરેલ હોવું જોઈએ.
૩) માત્ર થિયરી નહીં પ્રેક્ટિકલ જ્ઞાન પણ હોવું જોઈએ.
૪) મન, વાણી,કર્મથી પવિત્ર નીતિપૂર્વક કાર્ય કરતો હોવો જોઈએ.
ઉત્તમ દર્દીનાં ચાર ગુણો
૧) પોતાને થતી તકલીફો યથાવત સ્વરૂપમાં જણાવનાર હોવો જોઈએ.
૨) ડૉક્ટરની સલાહ અને ચિકિત્સાનું ચુસ્ત પાલન કરનાર હોવો જોઈએ.
૩) દવાઓ ખરીદી શકે તેવો સક્ષમ હોવો જોઈએ.
૪) ઉત્તમ મનોબળ અને ધીરજવાળો હોવો જોઈએ.