કવર સ્ટોરી – હેન્રી શાસ્ત્રી
લગ્ન કરી પિતા બન્યા પછી ૪૦ વર્ષના રણબીર કપૂરને લાગે છે કે હવે રોમેન્ટિક રોલ નથી કરવા, ‘એનિમલ’ જેવા અખતરા કરવા છે
—
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરેક પેઢીનો આદર્શ કલાકાર હોય છે. એક સમય હતો જ્યારે કુંદનલાલ સેહગલ – અશોક કુમાર જેવા બનવાના અભરખા નવોદિત કલાકારમાં જોવા મળતા. પછી દિલીપ – દેવ – રાજનું અનુકરણ કરવાની ઘેલછા નજરે પડી. ત્યારબાદ ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન આદર્શ બન્યા. હવે એ સ્થાન પર શાહરૂખ ખાન છે. અલબત્ત આજે એક મોટો ફરક એ છે કે નવી પેઢી માત્ર ગ્લેમરમાં આદર્શનું અનુકરણ કરવામાં નથી માનતી, એની કાર્યપ્રણાલી, એની શિસ્ત, એની કામ પ્રત્યેની નિષ્ઠાને પણ ધ્યાનમાં રાખી આગળ વધવા માંગે છે.
તાજેતરમાં રણબીર કપૂરે કરેલો ખુલાસો આ દલીલનું સમર્થન કરનારો છે. ૨૦૦૭માં ‘સાંવરિયા’થી અભિનય શરૂ કરનાર રણબીર કપૂરની મોટાભાગની ફિલ્મ રોમેન્ટિક જોનરની છે. ૨૦૨૨માં લગ્ન કરી પિતા બનેલા ૪૦ વર્ષના રણબીર કપૂરે સાઉદી અરેબિયાના જેદ્દા શહેરમાં આયોજિત રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં લવ રંજનની આગામી ફિલ્મનો ઉલ્લેખ કરી કરિયર વિશે જણાવ્યું કે ‘હવે હું યંગ નથી. આ મારી છેલ્લી રોમેન્ટિક કૉમેડી ફિલ્મ હશે.’ ફિલ્મનું ટાઈટલ હજી નક્કી નથી થયું પણ રણબીર અને શ્રદ્ધા કપૂર લીડ પેર છે.
આ વર્ષે રણબીરની બે ફિલ્મ રિલીઝ થઈ છે. પહેલી ‘શમશેર’ જે બોક્સ ઓફિસ પર સરિયામ નિષ્ફળતાને વરી હતી જ્યારે બીજી ‘બ્રહ્માસ્ત્ર’ને સારી સફળતા મળી હતી. અત્યારે એની જે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે એનું નામ છે ‘એનિમલ’. ફિલ્મમાં રણબીરના ગેટ અપની એક તસવીર થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ફિલ્મમાં રણબીર નેગેટિવ શેડના રોલમાં જોવા મળશે. ટૂંકમાં રણબીર રોમેન્સને રામ રામ કરવા છે અને ‘એનિમલ’ જેવા અખતરા કરવા છે.
અહીં શાહરુખ ખાનનું સ્મરણ થાય છે અને સામ્ય પણ દેખાય છે. ૧૯૯૨માં ’દીવાના’થી શરૂઆત કરનાર શાહરૂખે કારકિર્દીની શરૂઆતમાં જોખમ લઈ ‘બાઝિગર’, ‘ડર’, ‘અંજામ’માં નેગેટિવ રોલ કરી સિને પ્રેમીઓ અને વિવેચકોની વાહ વાહ મેળવી હતી. જોકે, ૧૯૯૫માં આદિત્ય ચોપડાની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ આવી અને શાહરૂખ રોમેન્ટિક ઈમેજમાં કેદ થઈ ગયો. ૧૯૯૫થી ૨૦૧૫ના બે દાયકા દરમિયાન કિંગ ખાને રાજ રાહુલનું રજવાડું છોડીને સમયાંતરે ‘સ્વદેસ’, ‘ચક દે ઇન્ડિયા’ અને ‘માય નેમ ઈઝ ખાન’માં ચીલો જરૂર ચાતર્યો, પણ એ અખતરાઓ કર્યા પછી પાછા રાજ અને રાહુલને છાતીએ વળગાડી રાખ્યા.
અલબત્ત ૨૦૧૬થી બાદશાહે રાજ – રાહુલના સામ્રાજ્યને સંકેલી લેવાનો અને ‘બાઝિગર’ – ‘ડર’ જેવા પ્રયોગો હોંશે હોંશે કરવાનું નક્કી કરી રાજ – રાહુલને રામરામ કરી દેવાનો સંકલ્પ કર્યો હતો. ૨૦૧૬ પછી આવેલી એની ફિલ્મોની યાદી જોવાથી એ વાતને સમર્થન મળે છે. ૨૦૧૬માં આવી ‘ફેન’ અને ‘ડિયર ઝિંદગી’, ૨૦૧૭માં રિલીઝ થઈ ‘રઈસ’ અને ‘જબ હેરી મેટ સેજલ’ , ૨૦૧૮માં એકમાત્ર ફિલ્મ હતી ‘ઝીરો’ અને હવે પાંચ વર્ષ પછી આવતા વર્ષે જાન્યુઆરીમાં કિંગ ખાનની ‘પઠાન’, ‘જવાન’ અને ડંકી’ રિલીઝ થવાની છે. રાજ – રાહુલને દફનાવી દેવાયા અને રોમેન્ટિક રોલની બાદબાકી થઈ ગઈ. રણબીરનો ખુલાસો સાંભળ્યા પછી એ શાહરૂખના નકશે કદમ પર આગળ વધી રહ્યો હોય એવું લાગે છે. અભિનેતાની ખરી કસોટી એ એના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી કેવું પરફોર્મ કરે છે એને આધારે નક્કી થતું હોય છે. રણબીરને એ દિશામાં આગળ વધવું છે એવું દેખાઈ રહ્યું છે.
આલિયા ભટ્ટે હોલિવૂડમાં એન્ટ્રી મારી છે, પણ રણબીરને હોલિવૂડના કોઈ અભરખા નથી. ‘ક્યારેય હોલિવૂડમાં કામ નહીં કરું એવું હું નથી કહેતો, પણ અત્યારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મને જે કામ મળી રહ્યું છે એનાથી મને સંતોષ છે. મને મારી ભાષામાં કામ કરવું વધારે ગમે છે. જોકે, ફરી કહું છું કે હોલિવૂડ પર મેં ચોકડી નથી મારી. હિન્દી ફિલ્મોમાં વૈવિધ્યપૂર્ણ ભૂમિકા કરવા ઉપરાંત મારી ઈચ્છા ફિલ્મ ડિરેક્ટ કરવાની પણ છે. એક વાતનો અફસોસ એ છે કે હું લેખક નથી અને મારા મનમાં ઘોળાતી વાર્તા કોઈ સાથે શેર કરતા મને સંકોચ થાય છે. ભવિષ્યમાં દર્શકો મને લેખક – દિગ્દર્શક તરીકે જોઈ શકશે અને એ ફિલ્મનો હીરો પણ હું જ હોઈશ.’ દાદા રાજ કપૂરનો વારસો રણબીર આગળ ચલાવવા માગે છે એ સારી વાત છે.
દીકરી રાહાના આગમન પછી રણબીરના જીવનમાં ઘણો બદલાવ આવી ગયો છે. પિતા બનવાની જવાબદારીનો એ આનંદ લઈ રહ્યો છે. જોકે, એક વાતની ચિંતા એને સતાવી રહી છે જેના વિશે ફોડ પાડીને એક ઈન્ટરવ્યૂમાં તેણે વાત પણ કરી છે. રણબીરે જ શેર કરેલા એક વીડિયોમાં જીવનમાં આવેલા બદલાવ વિશે અભિનેતા જણાવે છે કે ‘પિતા બનવામાં મેં આટલો સમય કેમ લગાડ્યો એ હું વિચારી રહ્યો છું. મારે થોડા વહેલા ડેડી બની જવું જોઈતું હતું. મારા બાળકો ૨૦ વર્ષના થશે ત્યારે હું ૬૦ વર્ષનો થઈ ગયો હોઈશ. ત્યારે હું એમની સાથે ફૂટબોલ રમી શકીશ ખરો? એમની સાથે દોડાદોડ કરી શકીશ?’ વાત પરથી રણબીરને પસ્તાવો થઈ રહ્યો હોય એવું લાગે છે. અંગત જીવનમાં જે ભૂલ થઈ ગઈ એનું પુનરાવર્તન વ્યાવસાયિક જીવનમાં ન થાય એ માટે હવે રોમેન્ટિક રોલને રામરામ કરી ચેલેન્જિંગ રોલ કરવાને પ્રાધાન્ય આપવા માગે છે. સારી વાત છે. એમાં સરવાળે સિને રસિકોને જ લાભ છે. ઉ