Homeપુરુષસેનેટરી નેપક્ધિસ: રક્ષક કે ભક્ષક

સેનેટરી નેપક્ધિસ: રક્ષક કે ભક્ષક

કવર સ્ટોરી – દર્શના વિસરીયા

માસિક દરમિયાન પેડ્સના ઉપયોગને આપણે ભલે સુરક્ષિત માનતા હોઈએ પણ હકીકત તો એ છે કે આ નેપક્ધિસ જ મહિલાઓને બીમારીઓ ભેટમાં આપી રહ્યા છે

સેનેટરી નેપકિન… મહિલાઓ દર મહિને ઉપયોગમાં લે છે પણ હાલમાં જ થયેલાં એક અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે આ સેનેટરી પેડ્સમાં થેલેટ અને વોલેટાઈલ ઓર્ગેનિક કંપાઉન્ડ (વીઓસી) જેવા ઝેરીલા કેમિકલ જોવા મળે છે જે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પર્યાવરણ માટે કામ કરતી દિલ્હીની એક સંસ્થા દ્વારા આ અધ્યયન કરવામાં આવ્યું હતું, જેમાં આ હાનિકારક કેમિકલ્સને કારણે અલગ અલગ પ્રકારની બીમારીઓ થઈ શકે છે, એવું પણ જાણવા મળ્યું હતું.
સંશોધનમાં સેનેટરી પેડમાં અલગ અલગ પ્રકારના ૧૨ થેલેટ જોવા મળ્યા હતા. હવે તમને એવું થશે કે આ થેલેટ આખરે છે શું? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. થેલેટ એ એક પ્રકારનું પ્લાસ્ટિક જ છે, જે પેડ્સને લવચીકપણું આપે છે અને પેડને ટકાઉ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં આ સંશોધનમાં અલગ અલગ બ્રાન્ડના પેડ્સમાંથી ૨૪ જેટલા વીઓસી મળી આવ્યા હતા, જેમાં જાઈલીન, બેન્જિન, ક્લૉરોફોર્મ વગેરેનો સમાવેશ થાય છે. આ બધાનો ઉપયોગ પેન્ટ, નેઈલ પોલીશ રિમુવર, જંતુનાશક, ક્લીન્ઝર્સ, રૂમ ડિઓડિરાઈઝર વગેરેમાં કરવામાં આવે છે. એક મહિલા તેના જીવનમાં વર્ષો સુધી સેનેટરી નેપક્ધિસનો ઉપયોગ કરે છે અને આ ઝેરી કેમિકલ્સ તેમના શરીરમાં પ્રવેશે છે, જેથી તેમના આરોગ્ય પર તેની વિપરીત અસર જોવા મળે છે.
યુરોપીય સંઘના જણાવ્યા અનુસાર એક સેનેટરી નેપકિનમાં કુલ વજનના ૦.૧ ટકાથી વધુ થેલેટ ના હોવું જોઈએ અને સેમ્પલમાં થેલેટ નક્કી કરેલાં પ્રમાણમાં જ થેલેટ જોવા મળ્યું છે. આ સંશોધનમાં મોટી મોટી બ્રાન્ડ્સના પેડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં એ જોવું જોઈએ કે જે નાની નાની બ્રાન્ડ્સ છે તેમાં આ થેલેટનું પ્રમાણ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ તો નથી ને? કારણ કે ભારતમાં આવી કોઈ મર્યાદા નક્કી કરવામાં જ નથી આવી.
ભારતમાં ૩૫.૫ કરોડથી વધુ યુવતીઓ અને મહિલાઓ છે જેઓ પીરિયડ્સમાં થાય છે. સરકારની નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-પાંચ અનુસાર ૧૫થી ૨૪ વર્ષની ૬૪ ટકા જેટલી કિશોરી-યુવતીઓ સેનેટરી નેપક્ધિસનો ઉપયોગ કરે છે. જો આ આંકડામાં ૨૪ વર્ષથી ઉપરની મહિલાઓનો આંકડો ઉમેરવામાં આવે તો પીરિયડ્સમાં નેપક્ધિસનો ઉપયોગ કરવાનો આંકડો હજી વધી જશે. આવામાં એ છોકરી કે મહિલાઓ કે જે વર્ષોથી સેનેટરી નેપક્ધિસનો ઉપયોગ કરે છે તેમના શરીર પર તેની શું અસર થશે? એ સવાલનો જવાબ આપતા મુંબઈના એક ડૉક્ટર જણાવે છે કે થેલેટ અને અન્ય કેમિકલ્સ શરીરના એંડોક્રાઈન એટલે કે હોર્મોન સિસ્ટમ પર અસર કરે છે. એટલું જ નહીં તેને કારણે ફર્ટિલિટી પર પણ વિપરીત અસર જોવા મળે છે. વીઓસીનો લાંબા સમય સુધી ઉપયોગને કારણે કેન્સર થવાનું જોખમ પણ રહેલું છે. થેલેટલ એ એક પ્રકારનો કેમિકલનો સમૂહ છે અને તેના ઉપયોગથી કૅન્સર થવાનું જોખમ વધી જાય છે અને આનો ઉપયોગ માત્ર પેડ્સ જ નહીં પણ સિગારેટ, દારૂમાં કરવામાં આવે છે. શરીરમાં પ્રવેશ કરનાર કોઈ પણ કેમિકલને કારણે આપણા શરીરમાં રહેલા કોષોની સંરચના બદલાઈ જાય છે. આપણા શરીરમાં સ્વસ્થ અને અસ્વસ્થ કોષો હોય છે. આપણી ઈમ્યુનિટી આ ખરાબ કે અસ્વસ્થ કોષોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પણ ઘણી વખત એવું નથી થઈ શક્તું, એવા સમયે જો આ થેલેટ કે કેમિકલને કારણે પ્રભાવિત થયેલા કોષો શરીરમાં રહી જાય તો તેઓ તે કૅન્સર થવાનું કારણ બની શકે છે.
આ જ મુદ્દાને અલગ રીતે સમજાવતા મુંબઈના જ એક બીજા ડૉક્ટર જણાવે છે કે આજે દરેક વસ્તુમાં કેમિકલનો ઉપયોગ થાય છે અને તે આપણા શરીરને અલગ અલગ રીતે પ્રભાવિત કરે છે. એક મહિનામાં મહિલાઓ ચારથી પાંચ દિવસ સુધી સેનેટરી નેપક્ધિસનો સતત ઉપયોગ કરે છે. માસિક દરમિયાન થતો સ્રાવ આ કેમિકલને શોષી લે છે જેની સીધી અસર સ્ત્રી રોગો, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પર પણ થઈ શકે છે. થેલેટને કારણે પીસીઓએસ, ગર્ભવતી મહિલાઓમાં સમય પહેલાં જ ડિલિવરી, નવજાત શિશુનું ઓછું વજન, ગર્ભપાત થવાની શક્યતા જેવાં જોખમો પણ રહેલાં છે. એટલું જ નહીં ઘણા કેસમાં તો બાળકોના વિકાસ પર પણ તેની અસર જોવા મળે છે. આ થેલેટને કારણે મહિલાઓમાં સમય પહેલાં મેનોપોઝ પણ આવી શકે છે.
થેલેટ અને વીઓસી દરેક ઉત્પાદનમાં જોવા મળે છે, પછી તે કપડાં હોય કે રમકડાંમાં. પણ કયા સમયે તે હાનિકારક થઈ જાય છે એ જાણવું જરૂરી બની જાય છે, કારણ કે અધ્યયન માટે જે સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા તેમાં આ કેમિકલનો ઉપયોગ એક નક્કી કરેલી મર્યાદા પ્રમાણે કરવામાં આવ્યો હતો.
સેનેટરી પેડ્સની જગ્યાએ શું કૉટનના પેડ્સ, મેન્સ્ટ્રુઅલ કપ, ટેપુનો ઉપયોગ કરી શકાય? પણ મહિલાઓમાં એ અંગે જાગરૂક્તાનો અભાવ છે અને તે કેટલા સુરક્ષિત છે એ પણ એક સવાલ છે? સૌથી સુરક્ષિત બાબત તો એ છે કે આ બધાને લઈને એક ડેટા હોવો જોઈએ. મેન્સ્ટ્રુઅલ હેલ્થ એલાયન્સ ઈન્ડિયા (એમએચએઆઈ) એક આકલન પ્રમાણે આશરે ૧૨ કરોડ મહિલાઓ સેનેટરી નેપક્ધિસનો ઉપયોગ કરે છે અને આ નેપક્ધિસના ઉપયોગ બાદ તેનો નિકાલ પણ એક મોટી સમસ્યા જ છે.
ભારતમાં એક અનુમાન પ્રમાણે ૩૦થી વધુ એવી સંસ્થાઓ છે જે રિયુઝેબલ અથવા એકથી વધુ વખત ઉપયોગમાં લઈ શકાય એવા પેડ્સ બનાવે છે. જેમાં કેળાનું ફાઈબર, કપડા કે પછી બાંબુથી બનાવવામાં આવતા પેડ્સનો સમાવેશ થાય છે. જાણકારોના મતે ભારતમાં સરકારે સેનિટરી પેડ્સમાં ઉપયોગ થનારા કેમિકલ્સને લઈને ચોક્કસ માપદંડ નક્કી કરવાની જરૂર છે, કારણ કે એવી અનેક બ્રાન્ડ કે કંપનીઓ છે જે સેનેટરી પેડ્સનું વેચાણ કરે છે અને સાથે સાથે સરકારે પણ આવી પહેલ કરનારી કંપની કે સંસ્થાઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે જેથી મહિલાઓના આરોગ્યને તો સુરક્ષિત કરી જ શકાય, પણ તેની સાથે સાથે જ સેનેટરી પેડ્સના નિકાલની સમસ્યાનો ઉકેલ પણ આવી જશે!
ટૂંકમાં કહેવાનું થાય તો માસિક દરમિયાન મહિલાઓને સુરક્ષિતતાનો અનુભવ કરાવનારા પેડ્સ જ તેમની આરોગ્યની સુરક્ષા સામે જોખમ ઊભું કરી રહ્યા છે, એવું કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય… ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -