Homeપુરુષઓવરથિંકિંગ કે સાઈડ ઈફેક્ટ્સ

ઓવરથિંકિંગ કે સાઈડ ઈફેક્ટ્સ

કવર સ્ટોરી – દર્શના વિસરીયા

કોઈ ઘટના કે વાત પર વધારે પડતો વિચાર કરવો એ માનસિક શાંતિ હણી લેવાની સાથે સાથે બીમારીઓને નોતરે છે
વિચાર… વિચારો ખૂબ જ શક્તિશાળી હોય છે. વિચારો આપણી વાસ્તવિકતા બની જાય છે અને વિદ્વાનો પણ કહી ગયા છે કે તમે જેવા વિચારો મગજમાં સતત રાખો છો એ જ તમે તમારા જીવનમાં અનુભવો છે. આ એક એવી વાત છે કે જેનો અનુભવ દુનિયાભરના સફળ લોકોએ કર્યો છે. તેમના અને બાકી લોકો વચ્ચે એક જ તફાવત છે અને એ તફાવત એટલે તેમણે શીખી લીધું છે કે વિચારની શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? જેથી મોટા મોટા લક્ષ્યને હાંસિલ કરી શકાય કે એ હાંસિલ કરવામાં મદદ મળી શકે. વિચાર કરવો અને વધુ પડતો વિચાર કરવો એ બંને વચ્ચે ખૂબ જ પાતળી રેખા છે અને આજે આપણે આ વિશે જ વાત કરવાના છીએ કે કઈ રીતે ઓવરથિંકિંગને અટકાવીને જીવનમાં આગળ વધવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ જન્મજાત તો ઓવરથિંકર નથી હોતી ન તો સ્પેશિયલ વ્યક્તિનો ટેગ લઈને જન્મે છે. બધાની વિચારવાની અને વર્તણૂકની એક પેટર્ન હોય છે અને એ પેટર્ન સમયની સાથે, જીવનમાં થયેલાં અનુભવોના આધારે ડેવલપ થાય છે.
સૌથી પહેલાં તો એ વાત કે કારણની તપાસ કરવાની જરૂર છે કે જેને કારણે તમે વધારે વિચાર કરો છો. ત્યાર બાદ તમારે માઈન્ડસેટને બદલવા માટે યોગ્ય પગલાં લો, પરંતુ એ વાત પણ સો ટકા સાચી છે કે કરવા કરતાં બોલવાનું વધારે સહેલું હોય છે. એટલે સૌથી પહેલાં તો વાત કરીએ કે ઓવરથિકિંગ એટલે શું? તો તમારા આ સવાલના જવાબમાં એટલું જ જણાવવાનું કે ઓવરથિંકિંગની સૌથી જૂની અને ક્લાસિક ડેફિનેશન એવી છે કે નાનકડી વસ્તુ કે બાબત વિશે ખૂબ લાંબા સમય સુધી વિચાર કરવો. જ્યારે કોઈ એક નિર્ણય લેતી વખતે કે કોઈ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતી વખતે ઊંડાણપૂર્વક વિચાર કરવો એ માનવસહજ સ્વભાવ છે. પણ જ્યારે આ પરિસ્થિતિ લાંબા સમય સુધી બની રહે અને તમે તમારી જાતને એ વિચારોથી અલગ જ ના કરી શકો તો આવી સ્થિતિને ઓવરથિંકિંગ કહી શકાય. એટલું જ નહીં આપણામાંથી અનેક લોકો જીવનના કોઈને કોઈ પડાવ પર આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા હશું કે પસાર થઈશું. ઓવરિથિંકિંગ કરનાર વ્યક્તિ પોતાની ચિંતામાંથી છુટકારો નથી મેળવી શકતી અને ભવિષ્યની ચિંતા કરતાં કરતાં તેઓ ભવિષ્યમાં શું થઈ શકે એની ભવિષ્યવાણીઓ પણ કરે છે, જે હજી સુધી થયું જ નથી.
હું કેમ વધારે વિચારું છું?
ઓવરથિંકિંગ કઈ રીતે બંધ કરી શકાય એ શીખો, પણ એ પહેલાં તમારે આ સવાલને સમજવો પડશે કે હું કેમ વધારે વિચારું છું? મોટાભાગના કિસ્સામાં એવું થાય છે કે ઓવરથિંકિંગ ચિંતા કે પછી ડિપ્રેશનનું કારણ બને છે. જો તમારા કેસમાં પણ એવું બને છે તો ડિપ્રેશનને દૂર કરવા માટે તમારે સારવાર લેવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે. એક હદ સુધી તમને એવું લાગી શકે કે માત્ર વધારે વિચારવાને કારણે જ તમે અઘરામાં અઘરા નિર્ણય લેવાની આવશ્યક્તાને પૂરી કરી શકો છો કે પછી તમારી ઈન્સિક્યોરિટીઝની લાગણીઓ સાથે ડીલ કરી શકો છો. જો વધારે પડતો વિચાર કરવો એ તમારા ભાવનાત્મક મુદ્દાનું લક્ષણ નથી તો આ સમસ્યાને કેટલીય વખત વિચાર અને માનસિકતાને બદલીને એડ્રેસ કરી શકાય છે. આવું કરીને તમને ચોક્કસ જ તેનાં સકારાત્મક પરિણામો મળી શકે છે.
ઓવરથિંકિંગ શા માટે અયોગ્ય છે?
વધારે પડતો વિચાર કરવો કે પછી ઓવરથિંકિંગ કરવું એ કોઈ પણ સમસ્યા કરતાં ખૂબ જ વધુ છે. વિજ્ઞાન પણ એવું પણ માને છે કે વધારે પડતું વિચારવું એ આરોગ્ય માટે જોખમી છે અને તેને કારણે તમને બીજી અનેક સમસ્યાઓ થઈ શકે છે જેવી કે માનસિક બીમારી, સમસ્યા કે વાતોને ઉકેલવાની તમારી ક્ષમતાને પ્રભાવિત કરે છે અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી તમારી સ્લિપિંગ સાઈકલને ડિસ્ટર્બ કરી શકે છે.
વધારે પડતો વિચાર તમને માનસિક બીમારી ભેટમાં આપી શકે છે. ભૂતકાળમાં તમે કરેલી ભૂલો, આવેલી મુશ્કેલીઓ કે પછી ખામીને કારણે તમારા માનસિક સ્વાસ્થ્ય પર ગાઢ અસર થાય છે. ઓવરથિંકિંગ તમને એક એવા દુષ્ચક્રમાં ફસાવી દે છે, જેમાંથી બહાર આવવાનું ખૂબ જ અઘરું થઈ જાય છે, તમારી માનસિક શાંતિને જોખમમાં મૂકે છે આ ઓવરથિકિંગ. જેમ જેમ તમે તમારી માનસિક શાંતિ ગુમાવવાનું શરૂ કરો છો, તેમ તેમ તમે વિચારોના વમળમાં વધુને વધુ ઊંડા ફસાતા જાવ છો.
વધારે પડતા વિચાર કરવાની ટેવ માનસિક બીમારીની સાથે સાથે જ તમારી નિર્ણય લેવાની ક્ષમતા કે પછી સમસ્યાને ઉકેલવાની કોઠાસૂઝને પણ પ્રભાવિત કરે છે. ઓવરથિંકિંગ કરનારાઓ હંમેશાં એવું માને છે કે કેટલીક પરિસ્થિતિ કે સમસ્યા પર વારંવાર વિચાર કરવાથી જ તેનો ઉકેલ લાવી શકાય છે, પણ હકીકત એનાથી અલગ છે. એક સ્ટડીમાં એવું પુરવાર થયું છે કે કોઈ એક સમસ્યા પર વધારે વિચાર કરવો એ સમસ્યાને ઉકેલવાની ક્ષમતાને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. તમે એ પરિસ્થિતિમાં એવી એવી કલ્પનાઓ કરવા લાગો છો કે જે ક્યારેય હકીકતમાં બની જ નથી. એટલે ઓવરથિંકિંગ કરવાના ગેરફાયદાને કારણે તમારે ભાગે નુકસાન સિવાય કંઈ બીજું આવતું નથી.
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પણ આ ઓવરથિંકિંગ તમારી લાખો રૂપિયાની ઊંઘને પણ દાવ પર લગાવે છે. જો તમે ઓવરથિંકર છો તો તમને રાતના ઊંઘવામાં મુશ્કેલી થઈ શકે છે. આવું એટલા માટે થાય છે, કારણ કે શરીર તમને ઊંઘવાની પરવાનગી નથી આપતું અને તેમાં પણ ખાસ કરીને જ્યારે તમારું મન શાંત નથી હોતું ત્યારે. દરેક વાત કે ઘટના માટે રડવું અને એના પર વિચાર કરવો કે જેના પર તમારું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી. આવું કરવાને કારણે ઊંઘવાના કલાકો ઓછા થઈ જાય છે અને ઊંઘની ગુણવત્તા પર પણ તેની વિપરીત અસર જોવા મળે છે. પૂરતી ઊંઘ ન મળવાને કારણે બીજા દિવસે તમે સુસ્તી અનુભવો છે.
ટૂંકમાં આટલી લાંબી પળોજણ કરવાનો સાર એટલો જ છે કે કોઈ પણ વાત કે ઘટના પર વિચાર કરવો એ સારી બાબત છે, પણ તેના પર વધારે પડતો વિચાર કરવો એ મુશ્કેલીઓ અને બીમારીઓને નોતરવા સમાન છે એટલે આજે જ ઓવરથિંકિંગને ટાટા બાય-બાય કહી દો અને જસ્ટ ગો વિથ ધ ફ્લોની ફિલસૂફીને અનુસરીને જિંદગીની મોજ માણો…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -