કવર સ્ટોરી-દર્શના વિસરીયા
મોબાઈલ ફોન, કોમ્પ્યુટર ગેમ્સ તેમ જ સોશિયલ મીડિયા દ્વારા ઝડપથી આનંદ મેળવવાના ચક્કરમાં આપણે જીવનની નાની નાની ખુશીઓ માણવાનું ભૂલતા જઈએ છીએ
જે જોખમી સાબિત થઈ શકે છે
——————
એક સમય હતો કે જ્યારે આપણે નાની નાની વાતોથી ખુશ થઈ જતા હતા, પણ આજે આપણી પાસે બધું હોવા છતાં પણ એ આનંદ, એ ખુશી, એ સંતોષ મળતો નથી. એટલું જ નહીં આ આનંદ હવે ત્રણ-ચાર બાબતો પૂરતો જ સીમિત થઈ ગયો છે. હવે આનંદની અનુભૂતિ મોંઘાદાટ ફોન, ટીવી, વીડિયો ગેમ્સ, દારુ, સિગારેટ પૂરતી જ સીમિત રહી ગઈ છે. જો આપણે આમાંથી એકાદ વસ્તુ પણ ચૂકી જઈએ ને તો દિવસમાં કંઈક મિસિંગ છે એવી ફિલિંગ્સ થાય…. જો તમે પણ આ બધું ફિલ કરી રહ્યો હોવ તો આપણે આપણી જાત અને આદતોનું અવલોકન કરવાનો સમય આવી ગયો છે.
કમ્પ્યુટર ગેમ, મોબાઇલ ગેમ, સોશિયલ મીડિયા, નેટસર્ફિંગ અને ટૅક્નૉલોજીને કારણે ચોક્કસ જ આનંદ અને ખુશી મેળવવાનો એક નવો ડૉર આપણા માટે ખૂલ્યો છે આ વાત હકીકત છે, પણ હવે એવું થવા લાગ્યું છે દિવસનો મોટાભાગનો સમય આ બધા પાછળ ખર્ચાવા લાગ્યો છે. એનું માઠું પરિણામ એ જોવા મળી રહ્યું છે કે મોબાઇલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાંથી મળતા આનંદની સામે વાસ્તવિક જીવનમાંથી મળતો આનંદ ફિક્કો પડવા લાગ્યો છે. પરિવારજનો સાથે વાતચીત, સગાંસંબંધીઓ સાથે ગોઠડી, વાચન, બાગકામ વગેરે જેવી બાબતો અપ્રિય થઈ પડી છે, કે પછી એનું મહત્ત્વ આપણે ગુમાવી ચૂક્યા છીએ. હવે આ બધા વચ્ચે લાખ રૂપિયાનો સવાલ એ છે કે આખરે મોબાઈલ અને ગેજેટ્સમાં એવું તે શું છે કે આપણને તે એટલા બધા આનંદિત કરી મૂકે છે.
આ સવાલનો જરા વૈજ્ઞાનિક ભાષામાં જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ તો મગજમાં ડોપામાઇન નામના એક રસાયણિક દ્રવ્યના સ્ત્રાવથી આ પ્રકારનો આનંદ મળે છે. ડોપામાઇન એક ન્યૂરોટ્રાન્સમિટર હોવાથી તે બે કોષોના કમ્યુનિકેશન માટે બ્રિજનું કામ કરે છે. તે બન્ને કોષો વચ્ચેનો ઈન્ટરફેસ છે. ડોપામાઇનના સ્રાવથી ક્ષણભર માટે ખુશીની અનુભૂતિ થાય છે. ડોપામાઇનનો સ્રાવ એક ક્ષણ કે તેથી ઓછા સમય માટે થાય છે. આવી અનુભૂતિની સતત ઇચ્છા થતી રહે છે. તેથી એવી સાતત્યસભર અનુભૂતિ માટે આપણે એકનું એક કામ વારંવાર કરતા રહીએ છીએ, પછી એ કલાકો સુધી મોબાઈલની સાથે પસાર કરવાનું હોય કે પછી ટીવી કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની સાથે સમય પસાર કરવાની ટેવ હોય.
ડોપામાઇન વિશે વાત કરતાં મુંબઈના એક જાણીતા મનોચિકિત્સક જણાવે છે કે ‘ડોપામાઇનનો સ્રાવ અનેક કારણસર થાય છે અને સ્રાવને કારણે આનંદની અનુભૂતિ થાય છે. એ આનંદ કે સારી લાગણીની સતત અનુભૂતિ આપણને વારંવાર થાય એ માટે આપણે એકનું એક કૃત્યનું પુનરાવર્તન કરતા રહીએ છીએ. એ આનંદની અનુભૂતિ પછી કમ્પ્યુટર પર ગેમ રમીને મળે કે પછી મોબાઇલ પર સર્ફિંગ કરવા મળે કે એકનું એક ગીત વારંવાર સાંભળવાથી મળે એનું કોઈ ખાસ મહત્ત્વ રહેતું નથી. મહત્ત્વ હોય છે બસ પેલી આનંદની અનુભૂતિનું.
ક્યારેય એ વાતની નોંધ લીધી છે કે કમ્પ્યુટર ગેમ્સની રચના જ એવી રીતે કરવામાં આવી હોય છે કે તમને એવું લાગે કે તમે આખો સમય બસ એ ગેમ રમ્યા કરો. એ ગેમ્સ રમ્યા વિના મનને ચેન નથી મળતું અને એ વખતે મુદ્દો ડોપામાઇનનો નથી, પરંતુ આ બધી વસ્તુઓની સહજ ઉપલબ્ધતાનો છે. મોબાઇલ અને કમ્પ્યુટર આસાનીથી ઉપલબ્ધ હોવાથી આપણે તેના ભણી વળીએ છીએ અને ક્ષણેક્ષણનો આનંદ માણીએ છીએ. રેડીમેડ ડોપામાઇન મેળવવાની વૃત્તિથી આપણને મોટું નુકસાન થાય છે. પ્રત્યેક કામમાંથી મળતા ડોપામાઇનની સરખામણીએ મોબાઇલ કે બીજા વ્યસનમાંથી આ ડોપામાઈન સરળતાથી ઉપલબ્ધ થતું હોવાને કારણે તેની તરફ ડાયવર્ટ થવું ખૂબ જ સરળ છે. વધુને વધુ લોકો આ ચક્કરમાં ફસાતા જાય છે.
ડોપામાઇન શા માટે અને કઈ રીતે તૈયાર થાય છે, એ આખી પ્રોસેસ સમજાવતા દિલ્હીના એક પ્રખ્યાત સાઈકોલોજિસ્ટ જણાવે છે કે ‘ડોપામાઇન એક પ્રેરક (મોટિવેશનલ) ન્યૂરોટ્રાન્સમીટર છે. આપણી પાસે કોઈ બાબતનો અભાવ છે કે કોઈ પીડા છે તેને દૂર કરવાની ભાવનાનું નિર્માણ મનમાં થાય ત્યાંથી એ અભાવ કે પીડા દૂર કરવા સુધીના પ્રવાસનો આનંદ કે આનંદની અનુભૂતિ તેમાં થાય છે. ડોપામાઇન સુખનું રસાયણ નથી. તે અપેક્ષિત સુખની લાગણી છે, જે મેળવવાના પ્રયાસ આપણે કરી રહ્યા છીએ તે મેળવવું અથવા તો ત્રાસદાયક પીડામાંથી મુક્તિ મેળવવી એ પરમ આનંદની ક્ષણ હોય છે.’
હવે કોઈ પણ વ્યક્તિ પ્રમાણસર હોય ત્યાં સુધી ઠીક છે, પણ જ્યારે તેનો અતિરેક થવા લાગે એ જરા પણ યોગ્ય તો નથી જ અને ડોપામાઇનના અતિરેક વિશે વાત કરતાં મુંબઈના અન્ય એક પ્રતિષ્ઠિત ડૉક્ટર જણાવે છે કે ‘અમુક ચોક્કસ ક્રિયાને કારણે ડોપામાઇનનો સ્રાવ થાય છે, પણ જ્યારે આ સ્રાવ પ્રમાણ કરતાં વધુ હોય તો તેને અટકાવવા માટે મગજ સંદેશો આપે છે, પરંતુ થોડાક સમય પછી બીજી કોઈ ક્રિયાને કારણે ડોપામાઇનના સ્રાવની બીજી લહેર આવે છે અને દિમાગ ફરી તેને અટકાવવાનો મેસેજ આપે છે. સામાન્ય રીતે મગજ ‘યુઝ ઇટ ઓર લૂઝ ઇટ’ની કુદરતી વ્યવસ્થા અનુસાર તેનું પ્રમાણ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ આપણું મન જ્યારે ખરેખર ઉદાસ હોય અને ડોપામાઇન દ્વારા તેને ઉત્તેજિત કરવું જરૂરી હોય ત્યારે મોબાઇલ કે બીજાં વ્યસનોની જરૂર પડે છે. એ સમયે આવા શોર્ટકટનો ઉપયોગ કરવામાં આવે છે. ડોપામાઇનનો વધારે સ્રાવ થાય ત્યારે તેને શોષવા માટે મગજ નવાં ન્યૂરોનેટવર્ક્સ તૈયાર કરે છે. તેની જરૂરિયાત સંતોષવા માટે આપણે એકની એક ક્રિયા વારંવાર કરતા રહીએ છીએ અને આ રીતે તેની લત લાગી જાય છે.
દરેક વખતે, અગાઉ કરતાં વધારે તીવ્ર વ્યસન કરવું પડે છે. ત્યારે જ મગજને તેની જરૂરિયાત સંતોષાઈ હોય એવું લાગે છે. તેનો અર્થ એવો થાય કે વ્યક્તિ સાદી ક્રિયાઓમાંથી ડોપામાઇન મેળવવાને બદલે મોબાઇલ, ટીવી, ગેમ કે દારૂ જેવાં વ્યસનોમાંથી મેળવતો થઈ જાય છે. તેની તીવ્રતા વધતી જાય છે અને વ્યક્તિનો આનંદ આ વસ્તુઓ પર આધારિત થઈ જાય છે.
અગાઉ જે બાળકો ૧૦-૧૫ મિનિટ મોબાઇલ જોઈને પાછો આપી દેતાં હતાં એમને મોબાઇલ સાથે બે કલાક સુધી રમ્યા વિના સારું લાગતું નથી. અગાઉ બધું કામ પતાવ્યા પછી આપણે મોબાઇલ ફોનને હાથમાં લેતા હતા, પરંતુ હવે આપણને તે સતત હાથમાં રાખવાની ઇચ્છા થાય છે. આ વાત દારૂ કે સિગારેટ પીનારાઓને પણ લાગુ પડે છે. તેમને પણ નિશ્ર્ચિત સમયાંતરે વ્યસનની તીવ્રતા વધાર્યા વિના સારું લાગતું નથી.
આપણે ડોપામાઇનનો વધુ પડતો વપરાશ કરીએ છીએ, આપણને તેની લત લાગી ગઈ છે, તેથી ડોપામાઇનનો સ્રાવ ઘટાડવા માટે કેટલાક લોકોએ ડિજિટલ ડિટોક્સનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. આ વ્યવસ્થામાં વ્યક્તિ લત લાગે તેવાં તમામ ઉપકરણોથી દૂર રહે છે. આવાં ઉપકરણોનો ઉપયોગ નહીં કરવાથી અગાઉ કરતાં વધારે આનંદ મળતો હોવાનો દાવો આવા લોકો કરે છે. જોકે, તેમાં કોઈ તથ્ય ન હોવાનું પણ કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું છે.
અમેરિકાની સિલિકોન વેલીસ્થિત ટૅકનોલૉજી કંપનીઓમાં કામ કરતા લોકોએ આ કોન્સેપ્ટને વખાણ્યો છે. તેમના મતાનુસાર, જે ક્રિયાઓમાં ડોપામાઇનનો વધુ સ્રાવ થતો હોય એવુ ક્રિયાઓ કરવાનું તેમણે થોડા સમય માટે ટાળ્યું હતું. તેમાં ટીવી, મોબાઈલ, ઓટીટી પ્લેટફોર્મ પર બિન્જ વોચિંગ (૧૦-૧૨ કલાક આખી વેબ સીરિઝ નિહાળવી કે મોબાઈલ કે ટીવી પર કાર્યક્રમો નિહાળવા) અને ચટાકેદાર ભોજનનો સમાવેશ થાય છે. ટૂંકમાં મનમાં ઉત્સાહ, ઉત્તેજનાની લાગણી સર્જતી ક્રિયાઓ કરવાનું તેમણે થોડા સમય માટે ટાળ્યું હતું. તેનાથી પોતાને ફાયદો થયો હોવાનું તેઓ માને છે.
તમામ પ્રકારની સ્ક્રીન બંધ કરીને
બેસવાનું છે એવી કલ્પનાથી જ શરૂઆતમાં લોકોને અસ્વસ્થતા અનુભવાય છે. મોબાઇલ, ટીવી કે બીજી કોઈ સ્ક્રીન વિના પણ આપણે જીવી શકીએ છીએ એવું શરૂઆતના કેટલાક કલાકોમાં સમજાયા પછી તેમનો આગળનો માર્ગ સરળ થઈ જાય છે. જેમણે આ સ્ક્રીન અથવા તો ડોપામાઇન ઉપવાસ કર્યા તેમનો અનુભવ ધ્યાનમાં લેવા જેવો છે. ઘણા લોકોને સમજાયું હતું કે તેમની પાસે ભરપૂર સમય છે. મોબાઇલને કારણે તેમના જીવન પર કેટલી માઠી અસર થાય છે એનું ભાન તેમને થયું હતું.
કેટલાક લોકોએ ત્યાં સુધી કહ્યું હતું કે મોબાઇલથી દૂર રહેવાથી તેમને શાંતિનો અનુભવ થયો હતો. નવા વિચારો આવ્યા હતા. ઘણા લોકોએ એવું કહ્યું હતું કે મોબાઇલથી દૂર રહેવાથી તેમને તેમનાં સગાથી, પરિવારજનો સાથે નિરાંતે વાત કરવાનો સમય મળ્યો હતો. આ ઉપરાંત રમતો રમવી, બહાર ફરવા જવું, નવી વસ્તુઓ કરવી, બાગગામ કરવું કે લોકો સાથે વ્યક્તિગત (ફોન પર ચેટિંગ નહીં) સંવાદ કરવા જેવી ક્રિયાઓથી પણ આનંદ મેળવી શકાય છે એવી અનુભૂતિ આ ડોપામાઈન ઉપવાસ કરનારાઓને થઈ હતી, જ્યારે આ નાની નાની વાતોથી આપણે સરળતાથી પાછો જીવનમાં આનંદ મેળવી શકીએ છીએ તો પછી મોબાઈલ કે બીજા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો સહારો લઈને ખુશીઓનો શૉર્ટકટ અપનાવવાનો શો અર્થ?