Homeતરો તાજાએક નૂર આદમી હજાર નૂર ડાયેટ પ્લાન

એક નૂર આદમી હજાર નૂર ડાયેટ પ્લાન

કવર સ્ટોરી – પૂર્વી દેસાઈ

અત્યારના સમયમાં શરીરને મુદ્દે વૈશ્ર્વિક સ્તર પર સૌથી વધુ કોઈ ચિંતા થઈ રહી હોય તો એ છે ઓબેસિટી એટલે કે સ્થૂળતા વિષયક સમસ્યાઓ. પાતળાં થવા માટે આજકાલ જે – જે ઉપાયો હાથ ધરવામાં આવે છે અને જે અકલ્પ્ય ખર્ચ કરવામાં આવે છે એ ખરેખર આશ્ર્ચર્યજનક છે. સ્વસ્થ રહેવું એ આપણી પ્રાથમિકતા હોવી જ જોઈએ અને એમાં કશું જ ખોટું પણ નથી જ. ઓબેસિટી એટલે કે સ્થૂળતા એ હવે તો ગ્લોબલ વોર્મિંગની જેમ જ ગ્લોબલ સમસ્યા બની ચૂકી છે. લોકો વજન ઉતારવા કેટલાય પ્રયત્નો કરતાં હોય છે. એક નૂર આદમી હજાર નૂર કપડાંવાળી કહેવત હવે બદલીને એક નૂર આદમી હજાર નૂર ડાયેટ પ્લાન કરી નાખવાનું મન થાય એવો સિનારિયો છે! દુનિયાના અડધો અડધ એટલે કે લગભગ ૪૫ ટકા લોકો જુદા-જુદા ડાયેટ પ્લાન્સ રોજ ‘ગુગલબાબા’ને પૂછતાં હોય છે! આવો જ એક ડાયેટ પ્લાન આજકાલ ખૂબ ચર્ચામાં છે એ છે ઓ.એમ.એ.ડી એટલે કે વન મિલ અ ડે.
ઓસ્ટ્રેલિયામાં ડાયેટિશિયન તરીકે આપણા ગુજરાતીઓમાં પ્રખ્યાત ધારા દેસાઈ સાથે આ બાબતે વાત કરતાં ઘણાં બધાં તથ્યો જાણવાં મળ્યાં. ધારા કહે છે કે વન મિલ અ ડે એ ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગનો જ એક પ્રકાર છે. શું છે આ ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ? ઇન્ટરમીટન્ટ એટલે આપણી સાવ સાદી ભાષામાં તૂટક તૂટક ખાવું. આમ તો આપણાં વડવાઓ અને આપણે પણ ઉપવાસ તરીકે આવાં ઇન્ટરમીટન્ટ ફાસ્ટ જ કરતાં હોઈએ છીએ. એટલે આમ જોઈએ તો આપણે માટે આ નવું નથી. ફક્ત એમાંથી ધાર્મિક તત્ત્વ કાઢી નાખવામાં આવ્યું છે એટલો ફર્ક છે. ડાયેટનો આ એવો પ્રકાર છે જેમાં તમારે એક ચોક્કસ સમયે ખાઈ લેવાનું હોય છે અને બાકીના કલાકો ખાલી પેટ રહેવાનું હોય છે. એ સમય દરમિયાન ફક્ત પાણી પી શકાય. ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ માટે ડાયેટિશિયન તમારી હેલ્થ અને ફૂડની જરૂરિયાત પ્રમાણે જુદાં જુદાં વિકલ્પો સૂચવતા હોય છે. એમાંનો જ એક વિકલ્પ એટલે આ વન મિલ અ ડે.
આપણા ખાવાની બાબતના બધા નખરા આપણા ટેસ્ટ બડ્સને આભારી છે. આપણી જીભ પર રહેલાં આ ટેસ્ટ બડ્સ ખુશ એટલે આપણે પણ બંદા ખુશમખુશ. બરાબર ને? જીભને લાડ લડાવવાના ચક્કરમાં આપણે ન જોઈતી કેટલી બધી વસ્તુઓ ખાઈ લેતાં હોઈએ છીએ. પરિણામે વજનકાંટો હાંફી જાય અને ડૉક્ટરોને બખ્ખાં થઈ જાય! હવે બહુ ઉત્સાહમાં ડાયેટ શરૂ તો કરીએ, પણ આ ન ખવાય અને પેલું ન ખવાય અને પેલું તો બિલકુલ ન જ ખવાય. આવા જાતજાતના પ્રતિબંધ આવી જાય. આ બધું એક સમય પછી જીવ પર જુલમ જેવું લાગવા માંડે અને ડાયેટ ટલ્લે ચઢી જાય. અલબત્ત ખાવાની બાબતમાં બહુ જ શિસ્તબદ્ધ હોય એવાં લોકો ય હોય છે જ, પણ એ બહુ જૂજ છે. તો આવાં સમયે ‘વન મિલ અ ડે’ બહુ મદદરૂપ સાબિત થઈ શકે. ધારા દેસાઈનું કહેવું છે કે આ ડાયેટમાં લગભગ બધું જ ખાવાની છૂટ હોય છે, પણ દિવસમાં ફક્ત એક જ વખત અને એક જ સમયે. એ પછી આખો દિવસ કશું જ ખાવાનું નહીં. ફક્ત પાણી પીવાનું. અને આ સમય પણ નિશ્ર્ચિત રાખવાનો હોય છે. એટલે કે તમે સવારે ૧૧ વાગે જમી લેતાં હો તો એ જ સમયે તમારે જે ખાવું હોય એ ખાઈ લેવાનું. દરરોજ. આ ડાયેટના ફાયદા સમજાવતા ધારા કહે છે કે આપણને સરેરાશ રોજ ૨૦૦૦થી ૨૨૦૦ સુધીની કેલરીની જરૂર હોય છે. હવે જયારે એનાથી વધારે કેલરી શરીરમાં જાય ત્યારે એ ફેટ બને અને વજન વધારે. હવે આ વધી ગયેલા વજનને ઘટાડવા માટે જરૂરી છે કે તમે આનાથી ઓછી
કેલરી પેટમાં નાખો. એટલે ધારો કે તમે ફક્ત ૧૮૦૦ કેલરી જ લો છો તો બાકીની જરૂરિયાત આપણું શરીર ભેગી થયેલી ચરબીમાંથી પૂરી કરે એટલે સ્વાભાવિક રીતે જ વજન ઘટવા માંડે.
હવે તમે જયારે એક જ ટાઈમ ખાવાનું શરૂ કરશો છો તો સ્વાભાવિક રીતે જ ઓછી કેલરી લેશો અને આખો દિવસ શરીર ઊર્જા મેળવવા ફેટ વાપરતું રહેશે. વળી પાચન માટે હોજરીને પણ શ્રમ ઓછો પડશે એટલે શરીરની ચયાપચયની ક્રિયા કરતાં બધાં અવયવો પણ વધુ તંદુરસ્ત બનશે. એટલે એક રીતે જોઈએ તો ‘એકટાણું’ કે ‘એકાસણું’ એ આપણા પૂર્વજોનો ધર્મના નામે તુક્કો તો નહોતો જ. એક જ વખત ખાવાને કારણે આપણું મેટાબોલિઝમ એટલે પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. જો કે ધારા દેસાઈ કહે છે કે આ ‘વન મિલ અ ડે’ ડાયેટ પ્લાનમાં તમે શું અને કેટલું ખાઓ છો એ પણ અત્યંત જરૂરી બાબત છે અને ક્યારે ખાઓ છો એ પણ. જેમકે એક ટાઈમ ખાવામાં પણ તમે ભરપૂર કેલરીવાળો, ગળ્યો, અત્યંત તીખો કે વિરુદ્ધાહાર કહેવાય એવો ખોરાક લઈ રહ્યા હો તો સરવાળે પછી આખો દિવસ ભૂખ્યા રહીને પણ કોઈ ફાયદો નહિ થાય. ઊલટું, નુકસાન જ થશે. શું ખાવું અને કેટલું ખાવું એ તમારા શરીરની પ્રકૃતિ, આખા દિવસની શારીરિક પ્રવૃત્તિ, તમારું મેટાબોલિઝમ, તમે બીજી કોઈ શારીરિક તકલીફોમાંથી પસાર થઈ રહ્યા હો તો એને ધ્યાનમાં રાખીને અને તમે જ્યાં રહેતા હો ત્યાંનું વાતાવરણ એ બધાને આધારે તમારાં ફૂડ એક્સપર્ટ એટલે કે ડાયેટિશિયન નક્કી કરી આપશે. ધારા સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આવા અખતરા કોઈ નિષ્ણાત ડાયેટિશિયનની સલાહ વગર ક્યારેય કરવા જોઈએ નહીં.
મુંબઈમાં રહેતાં બીજા એક હેલ્થ એક્સપર્ટ વિનંતીબેન કહે છે કે ‘વન મિલ અ ડે’ એ ફક્ત વજન ઉતારવા માટે જ નહીં પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ લાભદાયક છે. ખાસ કરીને હોર્મોનલ સમસ્યાઓથી પીડાઈ રહેલાં લોકો માટે તો આ એક આશીર્વાદ જ છે એમ કહી શકાય. કારણ કે આપણા અંતર્સ્ત્રાવો પર આપણું ભોજન ખૂબ અસર કરે છે. જેની અસર કદાચ તત્કાળ ન દેખાય એવું બની શકે, પણ લાંબા ગાળે તો અસર થતી જ હોય છે. આ પ્રકારનો કોઈ પણ ડાયેટ પ્લાન વિચાર્યા વગર આડેધડ શરૂ કરી દેવો ખતરનાક સાબિત થઈ શકે છે.
વિનંતીબેન કહે છે કે આ પ્લાનની ઘણી આડઅસરો પણ જોવામાં આવી છે. જેમ કે, એસિડ રિફ્લેક્શન એટલે કે એસિડીટી, મૂડ સ્વિંગ્સ – કારણ કે આપણે આપણા શરીરને જાત-જાતનું ખવડાવીને આપણે લાડ લડાવ્યાં હોય છે હવે જયારે અચાનક આખો દિવસ એને કશું જ ન મળે તો શરીરમાં હેપી હોર્મોન્સનો સ્ત્રાવ ઓછો થઇ જાય અને એને કારણે ચીડિયાપણું, ગુસ્સો આવવો, હતાશા વગેરે લક્ષણો દેખાય. વળી, આપણે રહ્યા ખાવાના શોખીન લોકો એટલે ઘણા લોકો તો એક જ ટાઈમ ખાવાનું છે ને એમ વિચારીને એક ટાઈમમાં જ બે ટંકના ભોજન જેટલું ખાઈ લે. અને આટલેથી અટકી જઈએ તો આપણે ગુજરાતી કહેવાઈએ? એક ટાઈમમાં પણ ભરપૂર ચરબી અને શુગરવાળું, ‘ફુલ ઓફ કોલેસ્ટ્રોલ’ ખાવાનું ખાઈએ તો આ પ્લાન જ નહીં, કોઈ પણ ડાયેટ પ્લાન અસર ન કરે. ઉલટું ઉપાધિઓ નોતરે. બીજું, એક ટાઈમમાં પણ તમારે શરીરને બધા જ પોશક તત્ત્વો મળી રહે એ રીતનું ભોજન લેવું પડે. જે થોડુંક અઘરું તો છે જ. દાખલા તરીકે એક જ વખતમાં તમે દૂધ, ફળો,શાકભાજી, સૂકા મેવા, દહીં આ બધું કેવી રીતે લઈ શકો? અને આ બધાંની સાથે પાછું પેલું જીભને લાડ કરવાનું તો ધ્યાન રાખવાનું જ! થોડુંક સ્વીટ ને થોડુંક તીખ્ખું-તમતમતું ને થોડુંક ખટમધૂરું ને એવું બધું પણ જોવાનું નહીં? એને માટે શરીરની જરૂરિયાતોને સમજીને બહુ વિચારીને રોજેરોજનું મેનુ નક્કી કરવું પડે.
ટૂંકમાં, ‘વન મિલ અ ડે’ છે તો બેસ્ટ પણ નિષ્ણાતની સલાહ અને દેખરેખ હેઠળ જ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -