કવર સ્ટોરી – ગીતા માણેક
હૃદયરોગ અને ડાયાબિટીઝ એકબીજા સાથે જોડાયેલા છે. જેમને ડાયાબિટીઝ થયો હોય તેવી વ્યક્તિને સામાન્ય વ્યક્તિ કરતાં હૃદયરોગ અથવા હૃદયરોગનો હુમલો આવે એવી સંભાવના બમણી હોય છે. આ દર્દીઓએ ખાવા પીવામાં ખાસ તકેદારી રાખવી જોઈએ, નહીં તો તેઓ પોતાના હૃદયને નુકસાન પહોંચાડી શકે છે એવું તબીબો સોઈ ઝાટકીને કહે છે.
ડાયાબિટીઝના દર્દીઓના શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધુ હોય તો એને કારણે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ ભેગું થતું જાય છે જેને કારણે હાઇ બ્લડપ્રેશર અને હાર્ટએટેક જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. જો હૃદયના રોગ કે હૃદયરોગના હુમલાથી બચવું હોય તો શરીરમાં ગ્લુકોઝનું સ્તર, બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર કાબૂમાં રાખવું જરૂરી છે.
જેમને ડાયાબિટીઝ થયું હોય તેમણે હૃદયરોગથી બચવા માટે પોતાના આહાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ડાયાબિટીઝના દર્દીઓ જો પોતાના ખાનપાનને સંતુલિત રાખે તો તેમના માટે હૃદયરોગનું જોખમ ત્રીસ ટકા જેટલું ઘટી જાય છે.
ડાયાબિટીઝના દર્દીઓ માટે અખરોટ બહુ જ ઉપયોગી થઈ શકે છે એવું વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. આ અભ્યાસ મુજબ ડાયાબિટીઝના દર્દીઓ જો નિયમિતપણે અખરોટ ખાય તો તેમને હૃદય સંબંધી રોગ થવાની સંભાવના ઘટી જાય છે. અખરોટમાં એન્ટિઓક્સિડન્ટ્સ, ઓમેગા-૩ ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તબીબો કહે છે કે ડાયાબિટીઝના દર્દીઓએ દરરોજ ૩૦ ગ્રામ અખરોટ ખાવા હિતાવહ છે.
આવાકાડો નામનું ફળ પણ ટાઇપ-૨ પ્રકારના ડાયાબિટીઝના દર્દીઓ માટે બહુ ઉપયોગી છે. ચરબીયુક્ત ખોરાકને બદલે આવાકાડો વધુ આરોગ્યપ્રદ છે આવાકાડો ગ્લાસેમિક અને ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને કાબૂમાં રાખવામાં મદદરૂપ થાય છે અને હૃદયને વધુ સ્વસ્થ બનાવે છે. આવાકાડોમાં એન્ટિઓક્સિડન્ટ અને ડાયેટરી ફાઇબરની માત્રા ઘણા મોટા પ્રમાણમાં હોય છે.
ડાયાબિટીઝના દર્દીઓ માટે સોયાબીન પણ બહુ હિતકારક ગણાય છે. સોયાબીન ડાયાબિટીઝના દર્દીઓનું સીરમ લિપિડ ક્ધટ્રોલ કરે છે. ઉપરાંત સોયાબીનમાંના કેટલાક તત્ત્વો ડાયાબીટિઝના દર્દીઓમાં શુગરનું અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે જેને કારણે હૃદયરોગની સંભાવના ઘટી જાય છે.
એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે અળસીના બી ખાવાથી ડાયાબિટીઝના દર્દીઓમાં હૃદયરોગની સંભાવના ઘટી જાય છે. અળસીના બીને કારણે ડાયાબિટીઝના દર્દીઓમાં ગ્લુકોઝનું લેવલ કાબૂમાં રહે છેે. જેને પ્રી-ડાયાબિટીક હોય એટલે કે જેમને ડાયાબિટીઝ થવાની સંભાવના હોય તેઓ માટે પણ એ ઉપયોગી સાબિત થઈ
શકે છે.
ડાયાબિટિક કાર્ડિઓમાયોબપેથી એટલે કે ડાયાબિટીઝને કારણે હૃદયના સ્નાયુઓમાં સર્જાતી સમસ્યાઓ સર્જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ડાયાબિટીઝના દર્દીઓમાં જો ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો હૃદયના સ્નાયુઓમાં તકલીફ પેદા થાય છે જે મૃત્યુ પણ લાવી શકે છે. કેટલીક વનસ્પતિમાંથી બનતી ઔષધિઓ આમાં અકસીર પૂરવાર થઈ શકે છે. જેમ કે હળદર, જિન્કો
બિલોબા નામની વનસ્પતિમાંથી બનતી ગોળીઓથી ફાયદો થતો હોવાનું નોંધાયું છે. તબીબો કહે છે કે ગ્લુકોઝના વધુ પ્રમાણને કારણે ઇન્ફ્લેમેશન થઈ શકે છે જેને કારણે હૃદયને લગતા રોગની સંભાવના વધી જાય છે. આ ઔષધિય વન્સપતિઓ
આવા સંજોગોમાં મદદરૂપ થઈ શકે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે વેજિટેબલ સૂપ બહુ જ લાભકારક ગણાય છે. વેજિટેબલ સૂપ રક્તની પ્રવાહિતા, લિપિડ પ્રોફાઇલ અને ફાસ્ટિંગ બ્લડ સુગરમાં અસરકારક સાબિત થાય છે. એને કારણે ગ્લુકોઝનું લેવલ ઘટે છે જેનો સીધો ફાયદો હૃદયને મળે છે અને હૃદયના રોગની સંભાવનાઓ ઘટી જાય છે.
મસૂર, કાબુલી ચણા, મગ, મગની દાળ વગેરેમાં ઓમેગા-૬ અ ઓમેગા-૩ જેવા ફેટી એસિડ સારી એવી માત્રામાં હોય છે. ઉપરાંત કેલ્સિયમ, ફાઇબર, વિટામીન બી, મેગ્નેશિયમ અને ઝીંક પણ હોય છે. કેટલાક અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે કઠોળ ખાવાને કારણે ડાયાબિટીસ. હૃદયના રોગ અને હાઇપરટેન્શન ઘટાડવામાં મદદ થાય છે.
કેટલાક આહારશાસ્ત્રીઓ ડાયાબિટીઝના દર્દીઓ માટે દરરોજ વીટામીન સી ધરાવતું એક ફળ તેમ જ લીલા શાકભાજી ખાવાનું સૂચન કરે છે. ડાયાબિટીઝના દર્દીઓએ જન્ક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ અને એને બદલે સાંજના નાસ્તામાં સૂકોમેવો ખાવો જોઈએ એવું સૂચન પણ કરવામાં આવે છે. ડાયાબિટીઝના દર્દીઓએ સાકરને બદલે મીઠા ફળ અને ખજૂર ખાવાનું રાખવું જોઈએ એવી સલાહ આપવામાં આવે છે. આ દર્દીઓને સ્કિમ્ડ મિલ્ક અને લો કેલેરી ધરાવતી દૂધની બનાવટો ખાવાનું સૂચન કરવામાં આવે છે.
ડાયાબિટીઝના દર્દીઓએ જો હૃદયરોગની સંભાવનામાંથી બચવું હોય તો શરાબ અને ધૂમ્રપાનથી જોજનો દૂર રહેવું જોઈએ.