કવર સ્ટોરી – પૂર્વી દેસાઈ
મિસ્ટર ડૌ! વિચિત્ર નામ છે નહીં? આ મિસ્ટર ડૌના ઇન્સ્ટાગ્રામ પર ૩.૫ મિલિયન ફોલોઅર્સ છે અને એમની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી તે કમાણી કરે છે અધધ ૨૨,૪૦૦ યુ.એસ. ડૉલર એટલે કે લગભગ ૧૮,૫૦,૦૦૦ રૂપિયાની! આમાં શું મોટી વાત છે એવું તમને લાગતું હોય તો કહી દઈએ કે આ મિસ્ટર ડૌ એક ડોગ એટલે કે શ્ર્વાન છે! યસ ‘પગ’ પ્રજાતિનો આ શ્ર્વાન ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મમાં એક્ટિંગ પણ કરી ચુક્યો છે. તો ચાલો આજે લટાર મારીએ પેટ્સ એટલે કે પાલતુ પ્રાણીઓની અજબગજબ દુનિયામાં.
આમ તો ગામડામાં રહેતાં લોકો માટે પાલતુ પ્રાણીઓની ઘરમાં અવરજવર બહુ નવી વાત નથી, પરંતુ હવે જયારે ન્યુક્લિઅર ફેમિલીનાં નામ પર લોકો સતત એકલાં થતાં જઈ રહ્યાં છે ત્યારે શહેરી લોકો માટે ઘરમાં એક શ્ર્વાન કે એક બિલાડી કે કોઈ પણ પેટ એટલે કે પાલતુ પ્રાણી રાખવાનું ચલણ ખૂબ વધ્યું છે. આનું એક કારણ એ પણ છે કે વૈજ્ઞાનિક રીતે એ સાબિત થઇ ચૂક્યું છે કે પેટ્સ માનસિક તનાવ ઓછો કરવામાં ખૂબ મદદરૂપ પુરવાર થાય છે. બેકહમ સેન્ટરના મેડિકલ ડિરેક્ટર એમ. ડી. ડૉક્ટર જેરેમી બેરોનનાં મંતવ્ય મુજબ જયારે પેટ્સનાં માલિકો તેમના પાલતુ પ્રાણીઓ સાથે રમતાં હોય છે ત્યારે તે માલિકોમાં હેપી હોર્મોન્સ તરીકે ઓળખાતાં ઓક્સિટોન રિલીઝ થાય છે અને તેમનાં તનાવમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તો વળી આ માલિકોનો પણ તેમનાં પેટ્સ માટેનો પ્રેમ ક્યારેક નવાઈ પમાડે એવો હોય છે. માલિકોની તેમનાં પાલતુ પ્રાણીઓને બધી જ સગવડો આપવાની ઈચ્છાને કારણે જ આજકાલ ખૂબ ફૂલ્યોફાલ્યો છે ‘પેટ ગ્રુમિંગ બિઝનેસ.’
આ પેટ ગ્રુમિંગ એટલે સરળ શબ્દોમાં કહીયે તો પેટ્સને લાડ લડાવવા માટે અપાતી સગવડો. આ પેટ ગ્રુમિંગમાં પેટ પછી એ શ્ર્વાન હોય કે બિલાડી કે અન્ય કોઈ પાળી શકાય એવું પ્રાણી જેને નવડાવવું, નખ કાપવા,વાળ કાપવા એને મસાજ કરી આપવું, ફેરવવા લઇ જવું જેવાં ઘણાં બધાં કાર્યોનો સમાવેશ થઇ જાય. તમને જાણીને નવાઈ લાગશે પણ પોતાનાં આવાં પેટ્સ માટે તેમનાં માલિકો અધધ ખર્ચો કરી નાખતાં અચકાતાં નથી.
તો આ પાળેલા ડોગ્સ અને કેટ્સ માટે કેવી કેવી હોય છે સગવડો. એક હોય છે વેટરનરી આસિસ્ટન્ટ એટલે કે એક એવી વ્યક્તિ જે સતત તમારાં પેટની હેલ્થનું ધ્યાન રાખે અને પેટને સહેજ પણ શરદી ખાંસી કે અન્ય તકલીફો જણાય તો તેમનાં માલિકોને જાણ કરે અને પેટ્સને પ્રાણીઓનાં ડૉક્ટર પાસે લઇ જાય, તેની દવાઓ લઇ આવે તે સમયસર પેટને ખવડાવે અને માલિકોને રિપોર્ટ કરતો રહે. આ વેટરનરી આસિસ્ટન્ટ માટે માલેતુજારો હજારો રૂપિયા ખરચતાં અચકાતાં નથી. બીજું છે પેટ વોકિંગ. એટલે કે પોતાના બાળકને, હાં હો, આજકાલ તો ઘણા પાલતુ જનાવરોના માલિકોને ‘તમારો શ્ર્વાન’ કે ‘તમારી બિલાડી’ કહીએ તો ખોટું લાગી જાય છે. આ માલિકોને ‘તમારું બેબી’ એવું કહેવું પડે છે. આ પેટ્સને રોજ દિવસમાં બેથી ત્રણ વખત ચાલવા કે ફેરવવાં લઇ જવું પડે. હવે શહેરોમાં તો મોટેભાગે બધાં કૈક ને કૈક કામ કરતાં હોય તો આવાં સમયે આ જવાબદારી કોઈ પગારદાર વ્યક્તિને સોંપવામાં આવે છે અને એને માટે બાકાયદા ઇન્ટરવ્યૂ લેવામાં આવતાં હોય છે બોલો!
હવે જયારે આ બિચારું પેટ તમારાથી બોર થઇ ગયું છે એમ લાગે ત્યારે? અથવા તમારે કશે બહાર જવું પડે એમ હોય અને પેટને એકલું ઘરમાં રાખી શકાય એમ નાં હોય ત્યારે હાજર છે પેટ બોર્ડિંગ! સામાન્ય કક્ષાથી લઈને સેવન સ્ટાર હોટલ જેવી ફક્ત પાલતુ પ્રાણીઓ માટે અપાતી સગવડો અહિયાં તમને જોવાં મળે છે. ટૂંકમાં એક એવી હોટલ જે તમારી ગેરહાજરીમાં તમારાં પેટ્સનું તમારાથી પણ વિશેષ ધ્યાન રાખે અને તમે ચાહો એટલા દિવસ અને એટલી રાતો એને ત્યાં કોઈ પણ ચિંતા વગર રહેવા દઈ શકો. આ હોટલ્સમાં માનવીઓની સેવન સ્ટાર હોટલ્સ જેવી જ સગવડો હોય છે. તેમાં આધુનિક શાવર હોય છે જેમાં તમારું પેટ નાહવાની મજા લઇ શકે. સ્વિમિંગ પૂલ પણ હોય છે. મોટેભાગે શ્ર્વાનોને પાણીમાં જલસા પડી જતાં હોય છે તો ખાસ તેમને માટે બનવાયેલો પૂલ જેમાં પાછા તેમનાં માટે મજ્જાના રમકડાંઓ પણ હોય છે. હાં! અને ત્યાં પણ આ આ પેટ બેબી કંટાળે નહીં એટલે તેમને માટે ખાસ બનાવાયેલી જગ્યામાં તેમને બીજાં પેટ્સ સાથે રમવા પણ લઇ જવા માટે આ બોર્ડિંગ્સનાં કર્મચારીઓ હાજરાહજૂર હોય છે. આ બોર્ડિંગ્સની ફી એક સામાન્ય માણસના આખા મહિનાના પગારથી પણ વધારે હોઈ શકે છે.
હવે ધારો કે કોઈને એમ થયું કે ‘મારો શ્ર્વાન’ કે ‘મારી બિલાડી’ મા કે બાપ બને તો ? ઘરમેં આયેગા એક નન્હા સા મહેમાન… તો હાજર છે પેટ બ્રીડિંગ સર્વિસ! જી હાં, તમારાં મેલ ડોગ એટલે શ્ર્વાન માટે ઉત્તમ ફિમેલ શ્ર્વાન કે પછી બિલાડી માટે બિલાડો શોધી આપવાની અને એમની વચ્ચે પ્રણય પાંગરે એની જવાબદારી આ પેટ બ્રીડર્સ સંભાળે છે. તમારે ફક્ત તેમને તમારા પેટનાં બાળક માટે કેવી મમ્મી કે પાપા જોઈએ છે એ કહી દેવાનું. આ પેટ બ્રીડર્સ પર સેશન એટલે કે એક વાર તમારું પેટ મિલન કરે તેને માટે ૫૦૦૦થી લઈને એક લાખ સુધીનો ચાર્જ કરે છે!
પેટ સ્પા પણ ઉપલબ્ધ છે ! પેટ સ્પા એટલે સાદી અને સરળ ભાષામાં પાલતુ પ્રાણીઓ માટેનું ‘બ્યુટી પાર્લર!’ હાસ્તો જેમ પાર્લરમાં અલગ-અલગ સગવડો માટે જુદી ફી હોય એમ અહીં પણ તમને એક મેનુ આપવામાં આવે છે જેમાંથી તમારે તમારાં પેટ-બેબીને માટે પસંદગીઓ કરવાની. જેમકે ફક્ત સરસ શેમ્પૂથી નવડાવવું અને એના વાળને ક્ધડીશ્નર લગાવવું અને ડ્રાયરથી વાળ મસ્ત સેટ કરી આપવા. તેને સરસ મસાજ કરી આપવો. માનવી માટેના સ્પામાં જેમ જુદા-જુદા પ્રકારના મસાજ હોય છે એમ પેટ-સ્પામાં પણ પાછા જુદા જુદાં મસાજ હોય. પેટ ગર્લ બેબી હોય તો એનાં
નખ પણ રંગાવી શકો! નેઇલ આર્ટ યુ ક્નોવ? અને હેર કેટ પણ હોય છે. એમાં પણ અનેકાનેક વિકલ્પો હાજર કરવામાં આવે. શાહરુખ જેવાં કે માધુરી કટ કે રણવીર કટ કે મશરૂમ કટ એ રીતે પેટ્સ માટે પણ જુદા-જુદા કટ હોય છે!
બાળક માટે સૌથી અગત્યના રમકડાં હોય છે અને આ પાલતુ જાનવરોના માલિક મમ્મી-પપ્પાઓ તેમના આ ડોગ કે કેટ માટે રમકડાં ખરીદવામાં પાછું વાળીને જોતા નથી. એક સર્વે પ્રમાણે જોઈએ તો ૨૦૨૧ની સાલમાં ૭.૫૭ બિલિયન યુ.એસ. ડૉલર્સનાં પેટ્સના રમકડાંઓ ખરીદાયાં હતા આખાં વિશ્ર્વમાં. પેટ્સ ટોય્સની એક આખી અલગ જ દુનિયા છે. બિલાડીઓ માટેના, કૂતરાંઓ માટેના, પંખીઓ માટેના એવા અજીબોગરીબ રમકડાં જોવા મળે છે જેમાં પાછા કસરત પણ થઇ જાય એવાં રમકડાં, મગજ વાપરવું પડે એવાં રમકડાં અને હવે તો પેટ્સ માટેની વીડિયો ગેમ્સ પણ ઉપલબ્ધ છે! એટલે કે ધારો કે કોઈ પાસે એક ડોગ પેટ છે જેને બહુ વાતો કરવાં જોઈએ છે અને માલિક તો આખો દિવસ ઘરે રહેતાં નથી તો હાજર છે એવાં રમકડાંઓ જે આ ડોગ સાથે વાતો પણ કરે. આ સિવાય પ્રાણીઓમાં પણ ઓબેસિટીની બીમારી હોય છે તો એને માટે એવા રમકડાં હોય કે જેમાં તેમને રમવાની મજા પણ આવે અને કસરત પણ થઇ જાય.
‘એક નૂર આદમી હજાર નૂર કપડે’ આ કહેવત તો કોણે નહીં સાંભળી હોય? તો પછી ઘરમાં કુટુંબનું સભ્ય બનીને રહેતું પેટ્સને શું કામ ફેશનમાંથી બાકાત રાખવા? એવું આ પ્રાણીઓના પાલકો માને છે. આ પેટ્સ માટે બાળકોના હોય છે એવાં જ મોટાં મોટાં લુક્સયુરીએસ શોરૂમ્સ હોય છે. પેટ્સ કલોથિંગ એટલે કે પ્રાણીઓના કપડાં માટે પણ. કઈ ઋતુમાં , કઈ પ્રજાતિ માટે ક્યાં પ્રકારના કપડાં જોઈએ એની માહિતી સહિત જાતભાતના કપડાં ખરીદી શકાય છે.. ચોમાસાંમાં પહેરવાનાં રેઇન કોટ અને ગમ બૂટ્સ પણ! આ ઉપરાંત પણ બીજી અનેક ચીજો જેવી કે હેર બેન્ડ, રબ્બર બેન્ડ, શૂઝ, કેપ અને ગોગલ્સ પણ. ઘણાં માલેતુજારોને ત્યાંના શ્ર્વાન અને બિલાડીઓ રોજ જુદાં જુદાં કલરના કપડાં પહેરે અને પાછાં કપડાંનાં મેચિંગ જૂતાં અને રબર અને હેર બેન્ડ પણ લગાવીને આમ ઠસ્સેદાર ગાડીઓમાં વિન્ડો સીટ પર બેઠાં હોયને ત્યારે ઘણાં લોકોને એવી ઇર્ષ્યા થાય છે કે તેઓ બોલી પડે છે કે માણસ તરીકે ઢસરડાં કરવા પડે છે એને બદલે આવા કોઈ માલેતુજારના પાલતુ પ્રાણીઓ તરીકે જન્મ્યા હોત તો સારું થાત.