Homeઈન્ટરવલભારતમાં ‘જૈના’ક્રોશ: આસ્થા અને અસ્તિત્વનો સરકાર વિરુદ્ધ જંગ

ભારતમાં ‘જૈના’ક્રોશ: આસ્થા અને અસ્તિત્વનો સરકાર વિરુદ્ધ જંગ

કવર સ્ટોરી-અભિમન્યુ મોદી

અકબરથી લઈને અંગ્રેજો જૈન ધર્મની મહત્તા સામે નતમસ્તક થયા છતાં વિવાદ કેમ થયો?

‘જૈન’ શબ્દની પરિભાષા ૨૦૨૩માં પરિવર્તિત થઈ ગઈ છે. જૈન સમાજ ક્યારેય વિવાદોમાં સપડાય નહિ અને જો વિવાદિત સમસ્યા તેમની પાસે આવે તો હંમેશાં નિર્વિવાદિત ચુકાદો જ જાહેર થાય. શાંત અને સૌમ્ય જૈન સમાજ હરહંમેશ લોકઉપયોગી કાર્ય કરતાં જોવા મળે છે. કોરોના હોય કે સ્વાઈન ફલૂ, પૂર હોય કે હોનારત એક પણ રૂપિયાની પ્રસિદ્ધિ વિના ભારતભરના નાગરિકની પડખે ઊભો રહેતો જૈન સમજ આજે ન્યાયની માંગ સાથે રેલી કરવા મજબૂર થયો છે.
ઝારખંડ સરકારે જૈન સમાજના મહાતીર્થ પારસનાથને પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે. આ નિર્ણયનો દેશભરનો જૈન સમાજ વિરોધ કરી રહ્યો છે. સંમેત શિખર તરીકે ઓળખાતા પારસનાથનું આ પવિત્ર સ્થળ પ્રવાસન સ્થળ જાહેર થઇ જશે, તો અહીં હોટલો ખૂલશે અને માંસ-મદિરાનું પણ વેચાણ થશે. આમ થવાથી સમગ્ર ભૂમિની પવિત્રતા છીનવાઇ જશે, જેથી દેશભરના જૈન સમાજે આ નિર્ણયનો રસ્તા પર ઊતરીને વિરોધ શરૂ કર્યો છે. બીજી તરફ, રાજ્યમાં શ્ર્વેતામ્બર જૈન સમાજના પવિત્ર ધર્મ સ્થળ શેત્રુંજય પર્વત ૫૨ થઇ રહેલા અતિક્રમણના વિરોધમાં સમગ્ર ગુજરાત રાજ્યના જૈન સંઘો દેશભરમાં વિવિધ સ્થળે વિશાળ રેલી કરીને વિરોધ નોંધાવી રહ્યા છે. પ્રથમ તો આ વિવાદના મૂળ સુધી પહોંચવું આવશ્યક છે.
જૈન પરંપરામાં શેત્રુંજય ગિરિરાજ શાશ્ર્વત તીર્થ છે. આ પાવન ગિરિરાજના સ્પર્શમાત્રથી જીવન ભવ્ય થઈ જાય છે. ગિરિરાજની છઠ કરીને સાત યાત્રા અર્થાત્ બે ઉપવાસ કરીને સાત યાત્રા કરવાથી ત્રીજા ભવે મોક્ષ થાય છે. દર વર્ષે હજારો આરાધકો અતિ કઠિન છઠ કરીને સાત યાત્રાની સાધના કરે છે. ગિરિરાજની નવ્વાણું યાત્રાના આરાધકો પણ દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં હોય છે. હાલ શેત્રુંજય પર્વત જે શહેરમાં સ્થિત છે એ પાલિતાણામાં સનાતન ધર્મના નેજા હેઠળ આવારા તત્ત્વોએ પાલિતાણાની પ્રજાના માનસમાં એવું ઠસાવી દીધું કે, જૈન ધર્મ દ્વારા આ ભૂમિ પર કબજો કરવામાં આવ્યો છે. જ્યારે સત્ય તદ્દન વિપરીત છે.
જૈન ધર્મના પ્રથમ તીર્થંકર અને જૈન સંસ્કૃતિના આદિ-સ્થાપક શ્રી ઋષભદેવ ભગવાન આ તીર્થમાં ૯૯ વાર સમોસર્યા હતા. જૈનોના ૨૪ તીર્થંકરો પૈકી શ્રી નેમિનાથ ભગવાન સિવાયના ૨૩ તીર્થંકરોએ આ તીર્થ પરથી જૈન ધર્મનો મંગલકારી સંદેશ આપ્યો હતો.મંદિરોની મહાનગરી સમું શેત્રુંજય તીર્થ આગમ માન્ય શાશ્ર્વત સિદ્ધક્ષેત્ર ગણાય છે. શ્ર્વેતવર્ણીય પદ્માસનસ્થ શ્રી આદીશ્ર્વર ભગવાન તેના મૂળ નાયક છે. ગિરિરાજ શેત્રુંજયની ઊંચાઈ આશરે ૫૦૫ મીટર જેટલી છે. એના પરનો ગઢ-વિસ્તાર ૨૦ એકરમાં પથરાયેલો છે. ગિરિરાજ પરની ૯ ટૂકોમાં ૧૦૮ દેરાસર અને ૮૭૨ નાની દેરીઓ છે, લગભગ ૭ હજાર જેટલી જિન-પ્રતિમાઓ છે. પ્રાચીન સમયમાં આ તીર્થ પર જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના ગણધર પુંડરીક સ્વામી મોક્ષે પધાર્યા હતા, તેથી તેને પુંડરીકગિરિ
પણ કહે છે.
મુઘલ સામ્રાજ્ય અને અંગ્રેજોના શાસન દરમિયાન શેત્રુંજય પર કબજો કરવાનો મેલો કારસો રચાયો હતો. એ વખતે પણ જૈન મુનિઓ અને સમાજના હજજારો લોકોએ અહિંસક આંદોલન કર્યું હતું. ત્યારે જૈન સમાજ સામે નતમસ્તક થઈને અંગ્રેજોની શેત્રુંજય જીતવાની માનસિકતામાં પરિવર્તન આવ્યું હતું અને બ્રિટિશરો દ્વારા લેખિતમાં અપાયું છે કે શેત્રુંજય જૈનોનું તીર્થ છે. આ દસ્તાવેજોને આધારે ગુજરાત હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે આ તીર્થ જૈનોનું છે. છતાં પણ આજે સનાતન ધર્મની આડમાં અતિક્રમણ કેમ થઈ રહ્યું છે?
જૈન સમાજના મતે, પાલિતાણામાં ડોલી એસોશિયેશનના પ્રમુખ મના ભરવાડ ઉર્ફે મના રાઠોડ નામના શખ્સનો ભારે આતંક છે.આ વ્યક્તિ ૨૨ વર્ષ પૂર્વે યુવા વયે બાબુના દેરાસરનું પગીપણું કરતો હતો. એ સમયે તેણે જૈન મુનિઓ પાસેથી થોડી જમીન માંગીને ત્યાં નીલકંઠ મહાદેવની સ્થાપના કરી હતી, પરંતુ સમય જતાં મંદિરના નામે તેણે મોટાભાગની જંગલની જમીનનું અતિક્રમણ કરી લીધું. એ વખતે મંદિરના મહંત નગેન્દ્રબાપુએ તેનો વિરોધ કર્યો હતો. જે બાદ તેમનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. જે આજે પણ વણઉકેલ્યું રહસ્ય છે. આજે મના ભરવાડનો નાનો ભાઇ લાલો, ભરત તેમજ નીલકંઠ મહાદેવના મહંત શરણાનંદ મહારાજ સહિતની ચંડાળ ટોળકી જૈનોને હિન્દુઓની સામે ભીડવવાનો પ્રયાસ કરી રહી છે અને મંદિરનો વ્યાપ વધારવાના નામે સમગ્ર શેત્રુંજય પર પોતાનું આધિપત્ય સ્થાપવું છે. તેના આવા બદ ઇરાદાની નોંધ તો પોલીસના ચોપડે પણ થઈ ચૂકી છે અને પોલીસે તેને કાયદાના સકંજામાં લીધો છે.
એ જ પ્રકારે ઝારખંડ સરકારે પોતાનું મનસ્વી વલણ દાખવીને સંમેત શિખરમાંથી પર્યટન સ્થળ બનાવવાની જાહેરાત કરી આવક મેળવવાની નિર્માલ્ય યોજના ઘડી કાઢી. જેનાથી સમગ્ર જૈન સમુદાયને કુઠારાઘાત લાગ્યો છે. મંદિર, ચર્ચ કે મસ્જિદને પર્યટન સ્થળ જાહેર કરી શકાય? ઝારખંડ શું ભારતના કોઈ પણ સ્થળે ધાર્મિક તીર્થ સ્થળોને પર્યટન સ્થળ તરીકે પરિવર્તિત કરવામાં તો રોષ ફાટી નીકળે, રસ્તા સળગે અને ચોક્કસ સમુદાયના લોકો પોલીસ અને પ્રશાસન બન્ને પર હિંસક હુમલો કરે! તો સંમેત શિખર
બલીનો બકરો કેમ બન્યું?
સંમેત શિખર તો લાખો જૈન ભક્તોનું પવિત્ર તીર્થ સ્થળ છે. તેને મંદવાળમાં પરિવર્તિત કરવાથી ઝારખંડ સરકાર કેટલા કાવડિયા કમાઈ લેશે? સંમેત શિખર પર પણ અકબરના મંત્રીઓએ કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જૈન ધર્મની આસ્થા અને સમ્મેદ શિખરમાંથી ફેલાતી સકારાત્મક ઊર્જાથી ખુદ અકબર પણ અવાચક થયો હતો. ઇ. સ. ૧૫૯૩માં અકબરે જૈનાચાર્ય શ્રી હીરવિજય સૂરિજીને સંમેત શિખર સહિત પાંચ તીર્થો ભેટ ધર્યા હતા. તેમજ અકબર બાદશાહે પૂજ્ય સૂરિજીને જગતગુરુનું બિરુદ પણ આપ્યું હતું. બાદશાહ અકબરે મોગલ સલ્તનતના ક્ષેત્રફળમાં સમાવિષ્ટ સિદ્ધાચલ, ગિરનાર, શિખરજી વગેરે જૈન તીર્થ ઉપર જૈનોની સ્વતંત્રતાનો યાવચ્ચન્દ્ર દિવાકરૌ એટલે કે ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી અબાધિત કબજા ભોગવટાનો લેખિત દસ્તાવેજ આપ્યો હતો. જે આજે પણ પારસનાથમાં ઉપલબ્ધ છે.
આ આખી ઘટનાથી માહિતગાર હોવા છતાં અંગ્રેજોએ બીજી વાર જૈનતીર્થ પર પગદંડો જમાવવાની યોજના ઘડી હતી. ૧૯૧૮માં બ્રિટિશરોએ પાલીગંજના રાજાને હુકમ કર્યો હતો કે સંમેત શિખર પર પેશકદમી કરીને તીર્થ સ્થાન પર કબ્જો કરી લે, એ વખતે પણ જૈનઆચાર્યોએ બ્રિટનની કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી અને કેસ જૈનઆચાર્યોની તરફેણમાં આવ્યો હતો. આમ, પરાપૂર્વથી માંડીને આજ સુધી પાલિતાણા તથા સંમેત શિખરને અસ્મિતા પર આધિપત્ય જમાવવાના પ્રયાસ થયા છે. ભારતીય સંસ્કૃતિને અપવિત્ર કરનારા તત્ત્વોએ વાંરવાર દેશની સંસ્કૃતિ ધરોહરને ખંડિત કરવાનું કામ કર્યું છે. છતાં જૈન સમાજની અડગ આસ્થાની સામે તમામ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા છે.
સંમેત શિખર અનાદિકાળથી જૈનોનું છે અને આગળ પણ રહેશે. કારણ કે જૈનોના કુલ ૨૪માંથી ૨૦ તીર્થંકર ભગવાન આ પર્વત ઉપર અનશન કરીને ધ્યાનાવસ્થામાં નિર્વાણ પામ્યા હતા. સંમેત શિખરનું મહત્ત્વ ચાર ધામથી ઓછું નથી. સંમેત શિખર મહાતીર્થની યાત્રાએ જવા માટેનું સ્વપ્ન પ્રત્યેક જૈન જીવનમાં કમ સે કમ એક વાર તો જરૂર પૂરું કરે જ છે. જૈન સમુદાયને ઝારખંડ સરકારની જેમ આ પવિત્ર ભૂમિ પરથી પૈસા નથી કમાવવા સંમેત શિખર તો તેમનું તીર્થ સ્થાન છે. તેમની ઓળખ છે,ધરોહર છે, આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે, સકારાત્મક ઊર્જાનું કેન્દ્ર છે, ત્યાગ-સમર્પણનું ઉદગમસ્થાન છે. તેના પર કોઈ થતાં અનિષ્ટને જૈનો કઈ રીતે સાંખી શકે?
આજે જૈન સમુદાયનું આંદોલન શેત્રુંજય અને સંમેત શિખર પવિત્રભૂમિના રક્ષણ અર્થે થઈ રહ્યું છે. છતાં સરકાર ભેદી મૌન સાધીને બેસી ગઈ છે! ઝારખંડમાં ચોક્કસ સમુદાયના ધર્મ વિશે ટિપ્પણી પણ કરવામાં આવે તો લોકો બેકાબૂ બનીને વિરોધ કરે છે, સિટી બસમાં તોડફોડ કરીને રાષ્ટ્રની સંપદાને નુકસાન પહોંચાડે જયારે આ તો જૈન સમુદાય છે જે માત્ર રેલી દ્વારા જ અહિંસક આંદોલન ચલાવી રહ્યું છે. રેલી દરમિયાન અન્ય નાગરિકોને નુકસાન ન પહોંચે એ રીતે તેમની મહારેલી યોજાઈ જે જૈન ધર્મના રચનાત્મક મૅનેજમેન્ટની ઝાંખી કરાવે છે. અને તેમની રજૂઆત પણ પોતાના ધર્મના અસ્તિત્વને ટકાવવાની છે. તો શું તેમની માંગ સરકારે સ્વીકારવી ન જોઈએ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -