કવર સ્ટોરી- મુકેશ પંડ્યા
—
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું ૩૦ ડિસેમ્બરે સો વર્ષની વયે નિધન થયું. ભગવાન એમના આત્માને ચિર શાંતિ આપે. હીરાબા જતા જતા આપણને સ્વસ્થ અને લાંબું જીવવાની પ્રેરણા જરૂર આપતા ગયાં. તેમના જેવું લાંબું નીરોગી જીવન જીવવાનો આપણે પણ ૨૦૨૩ ના આ નૂતન વર્ષમાં સંકલ્પ લેવો જોઈએ.
શ્રમનો કોઈ વિકલ્પ નથી
માણસ નવા વર્ષે સંકલ્પ તો લે છે પણ તેને પૂર્ણ કરવા મહેનત નથી કરતો. હીરાબા પાસેથી કંઈ શીખવું હોય તો આ શ્રમના પાઠ જરૂર શીખી શકાય. વડા પ્રધાને જાહેરમાં કહ્યું છે તેમ હીરાબાએ બીજાના ઘરે જઈને ઝાડુ પોતાં કર્યા છે. વાસણ માંજ્યાં છે જ્યારે આપણને આપણા ઘરે પણ આવા ઘરેલુ કામ કરવાની જાણે શરમ આવે છે.
મોંઘા મોંઘા જિમમાં જઈને કસરત કરવાનું મન થાય છે. પણ એક દિવસ કામવાળી ન આવે તો આજની મહિલા પુરુષો ગેંગે ફેંફે થઈ જાય છે. માત્ર ઘર જ શું કામ? ઑફિસમાં પણ ઘણા લોકો મહેનત ઓછી અને આરામ વધુ ચોરી લેવાની ભાવના રાખતા હોય છે. આટલા પગારમાં આટલું જ કામ થાય એવી શીખ અન્ય લોકોને આપતા હોય છે. હીરાબાના દીકરા નરેન્દ્ર મોદી પણ કોઈ પણ જાતના સ્વાર્થ વગર દિવસ રાત મહેનત કરે છે.
એક વાત યાદ રાખજો કે તમે જેટલો શ્રમ કરો છો એટલા જ તમારા શરીર અને મગજ વધુ નીરોગી બને છે અને રહે છે. મારા- તમારા વડીલો ઘરનું કામ જાતે કરતાં હતા એ બધા આપણી ઉંમરે વધુ સશક્ત અને સ્વસ્થ રહેતાં. શ્રમનો મહિમા તેમણે પિછાણ્યો હતો. આજે વધતા જતા મશીન અને ટેકનોલોજીના ઉપયોગથી પણ નવી પેઢી વધુ આળસુ બનતી જાય છે, આપણને બા બૂમ મારે કે દસ પૈસાનો (૧૯૭૦) નો મસાલો લઈ આવ તો આપણે હોંશે હોંશે દોડતા અને લઇ આવતા. આજની પેઢી શાકભાજી પણ ફોન પર મંગાવે છે. થોડી શ્રમરૂપી કસરત કરી હોય તો સ્વસ્થ અને લાંબું જીવન જીવી શકાય છે.
ખાણીપીણી
આહાર શરીર માટે ઔષધ છે અને વિષ પણ છે. યોગ્ય અને ઋતુ પ્રમાણેનો આહાર દવા બની જાય છે. શરીરને નીરોગી રાખે છે. ફ્રોઝન અને પેકિંગવાળા ખોરાક બારે માસ ટકે છે પણ તેમને ટકાવી રાખવા માટે જે પ્રિઝર્વેટિવ (રસાયણ) વાપરવામાં આવે છે તે લાંબે ગાળે શારીરિક કે માનસિક બીમારી લાવે છે. ઉનાળામાં કેરી ભલે ખાધી. હવે તેને ફ્રોઝન કરીને ડબ્બા પેક કરીને અન્ય ઋતુમાં ખાવાની જરૂર નથી. ચોમાસા અને શિયાળામાં અનેક જાતનાં ફળો આપણે ત્યાં ઉપલબ્ધ થતા હોય છે. એ સમયે એ ફળ ખાવ. આ જ રીતે ઋતુ પ્રમાણેના શાકભાજી, અનાજ અને કઠોળ ખાઈ શકાય. અમિતાભ બચ્ચનના ડાયેટિશિયન રહી ચૂકેલા એક મહિલા ડૉક્ટર કહે છે કે નીરોગી અને સ્વસ્થ જીવન જીવવું હોય તો ઋતુ પ્રમાણેનો ખોરાક ખાવો જોઈએ. ઋતુ પ્રમાણેનો ખોરાક શરીર જલદી પચાવી પણ શકે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. પાચન ક્રિયામાં વેડફાતી શક્તિ ઓછી ‘વપરાય તો એ શક્તિ શરીરમાં જાણે અજાણે દાખલ થતી બીમારીનો પ્રતિકાર કરવામાં વપરાય છે. શરીર નીરોગી રહે છે.
ખોરાકની જેમ ઉપવાસને પણ મહત્ત્વ આપો. આજના યુવાનો ઉપવાસની ઉપેક્ષા કરે છે, પરંતુ ઉપવાસ એ કેવળ ધાર્મિક પ્રક્રિયા નથી. શારીરિક તેમજ માનસિક શક્તિ વધારવા માટે પણ જરૂરી છે. હાલ શિયાળામાં પાચનશક્તિ સુધરે છે એટલે ખાવા પીવાની મોસમ છે. ઘી તેલ કે સૂકા જેવા નાખીને બનાવેલા વસાણા પણ પચી જાય, પરંતુ ચોમાસામાં પાચનશક્તિ મંદ પડે ત્યારે વાર તહેવારે ઉપવાસ કરવાની આદત નાનપણથી જ કેળવવી જોઈએ. આયુર્વેદમાં ઉપવાસને ઔષધ કહ્યો છે તે અમસ્તા નથી કહ્યો. આપણા ઋષિમુનિઓએ ચોમાસામાં જ વધુ ઉપવાસ વ્રતો મૂક્યા છે તે
સમજી વિચારીને જ મૂક્યા છે.
મન ચંગા તો તન ચંગા
મન ચંગા તો કથરોટમેં ગંગા
કોઈ માણસનું શરીર કસાયેલું હોય. બાવડા મજબૂત હોય તે પૂરતું નથી મન પણ મજબૂત હોવું જોઈએ. માત્ર . મજબૂત જ નહીં મન સાફ પણ હોવું જોઈએ. મોબાઈલમાંથી જેમ નકામી વિગતોને ડીલીટ કરતા રહીએ છીએ તેમ મગજમાંથી ક્રોધ, વેર-ઝેરની ભાવના, અદેખાઈ, વાસના અને અહંકાર જેવા નકામા ગુણોને
ડીલીટ કરતા રહો. શરીરને નુકસાન કરતા જાતજાતનાં વ્યસનો પણ મનની જ ઊપજ છે. મન મજબૂત હશે તો કોઈ વ્યસનમાં બંધાઈ નહીં શકો અથવા વ્યસનમાં બંધાયેલા હશો તો તેમાંથી જલદી બહાર આવી શક્શો.
મનને રૂટિન કાર્યો ઉપરાંત અન્ય મનગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખશો તો વ્યસન નહીં સતાવે. દિવસના ઑફિસ કામ પછી સાંજે દારૂના પીઠા પર જ જવું જરૂરી નથી. ઇવનિંગ વોક કરી શકાય. ચિત્રકામ કે સંગીત શીખી શકાય. મંદિરમાં જવાય, સમાજસેવા કરી શકાય. કુટુબને વધુ સમય આપી શકાય. વ્યસન નવરા માણસોને જલદી પક્ડે છે. નવરો બેઠો નખ્ખોદ વાળે. મનને હંમેશાં ઉપરની કોઈ પણ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો. વ્યસન નહીં સતાવે મન મજબૂત તો શરીર મજબૂત . શરીર મજબૂત હશે તો તમે પણ દીર્ઘાયુષી બની શકશો.
ઉપરોક્ત ત્રણે મુદા બાબતે નવા વર્ષે સંકલ્પ લો. તન મનથી સ્વસ્થ રહો. દીર્ઘાયુષી બનો એવી નવા વર્ષની શુભેચ્છા. હેપ્પી ન્યૂ યર..