પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને ત્રણ કેસમાં વચગાળાના જામીન માટે લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટમાં પહોંચ્યા હતા. જેમાંથી એક કેસ લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસ પર હુમલા અને આગચંપી સાથે સંબંધિત છે. કોર્ટે ઈમરાનને આ આગચંપી સહિતના ત્રણ કેસમાં જામીન આપ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસને પાકિસ્તાનમાં જિન્નાહ હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાઈકોર્ટમાંથી ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ જિન્નાહ હાઉસમાં તોડફોડ કરીને આગચંપી કરી હતી.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ચીફ ઈમરાન વતી બેરિસ્ટર સલમાન સફદરે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેમાં કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે ઈમરાનને જામીન આપવામાં આવે જેથી તેઓ તપાસમાં જોડાઈ શકે.
આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે ત્રણેય કેસમાં ઈમરાનને 2 જૂન સુધી વચગાળાની રાહત આપતા જામીન મંજૂર કર્યા છે. કોર્ટે ઈમરાનને એક લાખ રૂપિયાના જામીન બોન્ડ જમા કરાવવાનું જણાવ્યું છે.