લાંબી ખેંચતાણ બાદ આખરે કર્ણાટકને એના સીએમ મળી ગયા છે. પણ કર્ણાટકની સીએમની ખુરશીમાં બેસવું સહેલું નથી અને આ આવું કર્ણાટકનો રાજકીય ઈતિહાસ જોતા લાગી રહ્યું છે. આજે આપણે અહીં વાત કરીશું કર્ણાટકના એવા સીએમ વિશે કે જેઓ પોતાની ખુરશી છથી સાત દિવસ કે મહિના સુધી જ ટકાવી શક્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધારમૈયા રાજ્યના નવા મુખ્ય પ્રધાન બનવા જઈ રહ્યા છે. કર્ણાટકના માત્ર ત્રણ મુખ્ય પ્રધાનો એવા છે કે જેમણે તેમનો મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે અને આ યાદીમાં સિદ્ધારમૈયાનું નામ પણ સામેલ છે. કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી પર બેસવું સરળ કામ નથી.
જો અગાઉના મુખ્ય પ્રધાનોના કાર્યકાળની વાત કરીએ તો મોટાભાગના મુખ્યમંત્રીઓ એવા છે જેમણે પોતાનો કાર્યકાળ પુરો કર્યો નથી. કેટલાક સીએમ માત્ર સાત દિવસ જ પોતાના હોદ્દા પર રહ્યા તો કેટલાકે માત્ર 6 દિવસમાં પોતાની ખુરશી છોડી દીધી.
કર્ણાટકની રાજકારણમાં એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે એક જ વિધાનસભામાં ચાર મુખ્ય પ્રધાનો બદલવામાં આવ્યા હતા. ચાલો જાણીએ કે આખરે કોણ છે આ મુખ્ય પ્રધાનો કે જેમણે પોતાનો કાર્યકાળ અધવચ્ચે જ છોડી દીધો હતો કે છોડવાની ફરજ પડી હતી-
આ રહ્યા અધવચ્ચે ખુરશી છોડનારા કર્ણાટકના મુખ્ય પ્રધાનોની યાદી-
મુખ્ય પ્રધાનોની આ યાદીમાં પહેલું નામ આવે છે કર્ણાટકના રાજકારણમાં ચાર વખત મુખ્ય પ્રધાન બનનારા બીએસ યેદિયુરપ્પાનું છે. યેદિયુપા પહેલી વખત 2007માં સીએમ બન્યા હતા અને આ પદ પર તેઓ માત્ર 7 દિવસ જ રહ્યા હતા. ત્યાર બાદ તેઓ વર્ષ 2008માં ફરી મુખ્ય પ્રધાન બન્યા હતા અને એ સમયે તેઓ ત્રણ વર્ષ સુધી સત્તા પર ટકી રહ્યા હતા. ત્રીજી વખત યેદિયુરપ્પા 6 દિવસ સુધી જ પોતાની ખુરશી સંભાળી શક્યા હતા અને ચોથી વખતની વાત કરીએ તો એ સમયે તેઓ બે વર્ષ સુધી સીએમ પદ પર રહ્યા હતા.
આગળ વધીએ અને વાત કરીએ કડિદલ મંજપ્પાની. કડિદલ મંજપ્પા માત્ર 3 મહિના સુધી જ પોતાનું સીએમ પદ જાળવી શક્યા હતા અને ત્યાર બાદ તેમણે તેમની ખુરશી છોડવી પડી હતી.
અધવચ્ચાળે ખુરશી છોડનારા મુખ્ય પ્રધાનોની યાદીમાં ત્રીજું નામ આવે છે એસઆર કાંથીનું. જેમણે 4 મહિના સુધી મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું.
આ સિવાય જગદીશ શેટ્ટર 1 વર્ષ અને 2 મહિનામાં સીએમ પદ પરથી હટી ગયા હતા.
કર્ણાટકના ઈતિહાસમાં આ ત્રણ જ સીએમ છે કે જેમણે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે-
આ યાદીમાં સૌથી પહેલું નામ આવે ભૂતપૂર્વ સીએમ એસ નિજલિંગપ્પાનું. જેમનો કાર્યકાળ 21મી જૂન 1962થી 28મી મે 1968 સુધી ચાલ્યો હતો. ત્યાર બાદ બીજું નામ ડી દેવરાજ ઉર્સનું છે, જેમનો કાર્યકાળ 20મી માર્ચ 1972થી 31મી ડિસેમ્બર 1977 સુધીનો હતો. આ સિવાય ત્રીજું નામ સિદ્ધારમૈયાનું છે, જેમણે 2013 થી 2018 સુધી પોતાનો સંપૂર્ણ કાર્યકાળ પૂરો કર્યો.