ફોકસ -રાજેશ યાજ્ઞિક
આપણે સમાચારોમાં અને સોશિયલ મીડિયા ઉપર ઘણીવાર માહિતી મેળવીએ છીએ કે ફલાણા સેલિબ્રિટીએ સર્જરી કરાવીને પોતાની સુંદરતા વધારી. ખાસ કરીને જાહેર જીવનમાં રહેલાઓ પોતાના દેખાવ બાબતે ખૂબ સભાન હોય છે. તેઓ પોતાના વ્યક્તિત્વને આકર્ષક બનાવવા વિવિધ સર્જરીનો આશરો લે છે. પહેલા ‘સારા’ કે ‘આકર્ષક’ દેખાવાનું આ ચલણ માત્ર ઉચ્ચ વર્ગના સેલિબ્રિટી ગણાતા લોકો પૂરતું માર્યાદિત હતું. પણ હવે આ એક ફેશન બની ગઈ છે. નાની વયનાં યુવક-યુવતીઓ પણ તેને રવાડે ચડ્યાં છે.
૧૩ વર્ષની તાન્યાએ પોતાના જન્મ દિવસની ભેટ તરીકે માતા પાસે ‘કોસ્મેટિક સર્જરી’ કરાવવાની પરવાનગી માગી. ફોટામાં તેની આઈબ્રો અને સાઈડ પ્રોફાઈલ સારા નહોતા આવતા. સંતાનોની આવી માગણીનો મા-બાપ શું જવાબ આપે? સર્જરી માટે તાન્યા તેની બહેનપણીની મોટી બહેનથી પ્રભાવિત થઈ હતી. ૧૮ વર્ષની આલિયા એ વાતે ‘ડિપ્રેશન’માં હતી કે ટીશર્ટ પહેરે ત્યારે તેના બંને સ્તનો એક જેવા નથી દેખાતા. એવામાં પોતે ટીશર્ટ કેવી રીતે પહેરે? અથવા સોશિયલ મીડિયા માટે રીલ્સ કેવી રીતે બનાવે? પરિસ્થિતિ એવી થઇ ગઈ કે તેનાં માતા-પિતાએ તેને કોસ્મેટિક સર્જન પાસે લઇ જવી
જ પડી.
પણ પોતાના દેખાવ બાબતે કચવાટ અથવા લઘુતા ગ્રંથિ માત્ર ટીનેજર્સને જ છે એવું પણ નથી. ૨૨ વર્ષની દીક્ષા નવી નોકરી માટે અરજી કરતાં પહેલા પોતાની પાંપણોના વળાંક સરખા કરાવવા માગતી હતી. સારી નોકરીઓમાં સોશિયલ મીડિયા પ્રોફાઈલ પણ જણાવવા પડે. તેમાં ‘સરખા ન દેખાતા’ હોઈએ તો કેવું લાગે?!
આમ તો કોસ્મેટિક સર્જરી ઘણા દાયકાઓથી થાય છે. પણ મોટેભાગે તે દેખાવ પ્રત્યે સભાન રહેવું પડે તેવા ફિલ્મ અને ફેશન ઇન્ડસ્ટ્રી પૂરતું સીમિત હતું. પણ હવે એ સર્વ-સામાન્ય થતું જાય છે. ફોર્ટિસ હૉસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. રીચીએ એક જગ્યાએ કહ્યું છે હવે માત્ર સારા દેખાવનો જ પ્રશ્ર્ન નથી રહ્યો. ઘણી ખામીઓ તો કાલ્પનિક અને પરાણે ઓઢી લીધેલી હોય છે. કોસ્મેટિક મેકઓવરની ઈચ્છા રાખનારા ઘણા લોકો બજ્ઞમુ મુતળજ્ઞિાવશભ મશતજ્ઞમિયિ (ઇઉઉ)થી પીડાતા હોય છે. આ એક એવી માનસિક બીમારી (કે વિકૃતિ?) છે કે જેમાં માણસ સતત પોતાના દેખાવ બાબતે ચિંતા કર્યા કરે. એ ખામીઓ બીજા કોઈને તો દેખાતી પણ ન હોય, પરંતુ વ્યક્તિ પોતે તેને કારણે વિચલિત થયા કરે, એ હદે કે તેની પોતાની નોર્મલ લાઈફ પણ ડિસ્ટર્બ થઇ જાય.
બીડીડી કોઈને પણ થઇ શકે, પછી એ ટીનેજર હોય કે વયસ્ક. દર્દી પોતાના શરીરના કોઈ ચોક્કસ ભાગના દેખાવ વિશે સતત ચિંતા કર્યા કરે, ખાસ કરીને ચહેરો અને બીજા સાથે પોતાની સરખામણી કર્યા કરે. તેને કારણે તેમના સામાન્ય જીવન પર નકારાત્મક અસર પડે છે. વધારે ગંભીર કિસ્સામાં તો દર્દી પોતાને ઇજા પહોંચાડી દેવા સુધી પહોંચી જાય છે.
દક્ષિણ દિલ્હીના પ્લાસ્ટિક, કોસ્મેટિક અને રિકંસ્ટ્રક્ટિવ સર્જન ડો. અનુપ ધીર તેને ‘ફેસબુક ફેસલિફ્ટ’ નામ આપે છે. તેઓ જણાવે છે કે, “આ સોશિયલ મીડિયા ઉપર ધ્યાનાકર્ષક બનવાની ઈચ્છાનું વરવું પરિણામ છે. કોઈ પણ શારીરિક વિકૃતિ ન હોવા છતાં એક કપોળકલ્પિત ખામી જ હોય છે. કુદરતી દેખાવને બદલે સૌંદર્યને ‘પરફેક્ટ’ બનાવવાની ઘેલછા જેને આપણે આશરે ઑબ્સેસિવ કમ્પલસિવ ડિસ ઓર્ડર (ઓસીડી) સાથે સરખાવી શકીએ.
પ્લાસ્ટિક સર્જરી કે કોસ્મેટિક સર્જરી (બંને અલગ છે એ જાણવું પણ જરૂરી છે.) હંમેશાં માત્ર શોખ કે ફેશન માટે જ થાય એવું કહેવાનો કોઈ આશય નથી. આવી સર્જરી ઘણીવાર અનેક લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થાય છે. દાખલા તરીકે જન્મથી બે ભાગમાં વહેંચાયેલું તાળવું, નાક કે કાનના આકારમાં વિકૃતિ, આગ, એસિડ એટેક, કૂતરાના બટકા ભરવા અથવા બ્રૅસ્ટ કેન્સર પછી પુનર્વસન રૂપે થતી સર્જરી દર્દીઓને નવજીવન અને નવો આત્મવિશ્ર્વાસ આપે છે.
આ સર્જરી કરાવનારામાં ૮૫% સ્ત્રીઓ હોય છે. જોકે, પુરુષોનું પ્રમાણ પણ ધીમે ધીમે વધવા માંડ્યું છે. વધારે પ્રચલિત સર્જરીમાં હેયર રિસ્ટોરેશન, રાઈનો પ્લાસ્ટી (નોઝ જોબ), આઈબ્રો લિફ્ટ, બ્લફરો પ્લાસ્ટી (પાંપણ અને ફૂલેલી આંખોની સર્જરી), ગાયનેકોમેસ્ટિયા (પુરુષોની છાતીના વધેલા આકારને ઠીક કરવા), ચીન-ચિક ઓગ્મેન્ટેશન, બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન, એબ્ડોમીનલ પ્લાસ્ટી વગેરેનો સમાવેશ થાય છે.
પણ જે ખાસ મહત્ત્વની વાત એ, કે કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિક કે કોસ્મેટિક સર્જરીના સારા-નરસા પાસાં હોય છે. પ્રક્રિયા દરમ્યાન વધતી-ઓછી પીડા, સાજા થવાનો સમય, અને ગૂંચવણો કે તકલીફો ઉભી થવાની શક્યતાઓ પણ હોય છે. આ બધું સમજી-વિચારીને, પોતાને માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. માત્ર ધૂનકી ચડે એટલે, બીજા સાથે સરખામણીના વાદે ચડીને, કે લઘુતાગ્રંથિ થી પીડાઈને કોઈપણ સર્જરી કરાવવી યોગ્ય નથી.
ચિંતાજનક એ છે કે ૧૮ વર્ષથી નીચેનાં બાળકો પણ હવે કોસ્મેટિક સર્જરી કરાવતાં થઇ ગયાં છે! મોટાભાગના સર્જનો પોતાની પાસે આવતાં નાની ઉંમરના લોકોને તેમને માટે સર્જરી જરૂર છે કે નહિ તે પહેલા સમજાવે છે. નિષ્ણાતો નાની ઉંમરમાં આંખ, નાક, હડપચી ઠીક કરવા જેવી સર્જરી કરાવવાથી દૂર રહેવાની સલાહ આપે છે. ડો. ગુપ્તા દર્દીને સર્જરી પહેલા તેમનામાં કેટલો ફરક પડી શકે છે તે વિગતે સમજાવે છે. તેઓ જણાવે છે, “જોખમ તો રહે છે. તમે નાકની ચામડીને ખેંચી લો, તેને અલગ દિશામાં લઇ જાઓ અને તેના હાડકાના સ્ટ્રક્ચરને એલિવેટ કરો તો પણ બ્લીડીંગ અને ડાઘ થવાનું જોખમ તો રહે જ છે.
ખાસ કરીને મહિલાઓમાં સારા દેખાવાના ગાંડપણને કારણે બધી પંચાત ઊભી થયેલી છે. જોકે, ઘણા મા-બાપ પણ પોતાનાં સંતાનોને ‘બેટર લુકિંગ’ બનાવવા લઇ આવે છે. હરીફાઈના જમાનામાં લોકોમાં અસલામતી અને લઘુતાગ્રંથિ વધી રહી છે. અમેરિકન સોસાયટી ઓફ પ્લાસ્ટિક અને રિક્ધસ્ટ્રક્ટિવ સર્જન્સ ((ASPS) ) ૨૦૨૦માં ૧૩ થી ૧૯ વર્ષના ૨,૩૦,૦૦૦ ટીનેજર્સ કોસ્મેટિક સર્જરી કરાવી હોવાનું નોંધ્યું છે.
આપણે ટૂંકમાં પાયાનાં મનોવૈજ્ઞાનિક કારણો વિશે વિચારીએ
લઘુતા ગ્રંથિ: આત્મસમ્માન શું છે? આપણે સ્વયંને કઈ કેવા અને કેટલા મૂલવીએ છીએ તે. માસ્લોવ્ થિયરી ઓફ મોટિવેશન સમ્માનને ‘જરૂરિયાત’ની શ્રેણીમાં ચોથા સ્થાને મૂકે છે. સામાજિક સ્વીકાર અને પ્રશંસા માટે ’સંપૂર્ણ’ દેખાવાની ઘેલછામાં પોતાનામાં નાનકડી ક્ષતિનો પણ વ્યક્તિ સ્વીકાર કરી શકતી નથી.
આત્મસમ્માન અને બહારનાં પરિબળો: આત્મસમ્માન કુદરતી રીતે આંતરિક ગુણ છે, પરંતુ તે બહારનાં પરિબળોની અસરમાં આવે છે. આ પરિબળોની અસરને પરિણામે જ વ્યક્તિ અમુક કે તમુક પ્રકારે દેખાવાનો પ્રયત્ન કરે છે.
સુંદરતાના માપદંડ અને સેલિબ્રિટી ક્રશ: ઐશ્ર્વર્યા રાય જેવા સુંદર દેખાવાની કે કરીના કપૂરની જેમ ઝીરો ફિગર બનાવની ઘેલછા હોય અથવા બિપાશા જેવા આકર્ષક દેખાવાની લાહ્ય. સમાજ સૌંદર્યના કયા માપદંડને પસંદ કરે છે તેનું દબાણ માનુનીઓ પોતાના ઉપર લઇ લેતી હોય છે. ગમે તે ઉંમરે કોઈ ’આંટી’ ન કહી જાય, ‘ફ્લેટ ટાયર્સ’ કહીને બોડી શેમિંગ ન કરે અથવા ’ઢોલ’ કહીને ન ચીડવે તેનું સતત ટેંશન દેખાવ બદલવા પ્રેરે છે.
વધતી ઉંમરનો ભય: ઉંમર તો બધાની વધવાની જ છે. પરંતુ ‘યુવાની’ ટકાવી રાખવાની ઈચ્છા અથવા લાંબો સમય યુવાન દેખાવાની આકાંક્ષા માનુનીઓને કોસ્મેટિક પ્રોસિજર તરફ દોરી જાય છે. આવી સર્જરી કરાવતી વખતે એ પણ યાદ રાખવાની જરૂર છે કે તેની એક શેલ્ફ લાઈફ હોય છે, અને વારંવાર કરાવવાની જરૂર પડી શકે છે.
યુવા પેઢીનું દબાણ: આજની પેઢી સેલ્ફી જનરેશન છે. પાઉટિંગ લિપ્સ, અંગ-સૌંદર્ય (!) દર્શાવતા કપડાં, ઉત્તેજક અદાઓ સાથેની સેલ્ફી એ યુવાનોમાં અન્ય પાસેથી માન્યતા અને આત્મસમ્માનને શરીરના દેખાવ સાથે જોડીને જોવાની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતને અધોરેખિત કરે છે. મીડિયામાં ‘અકુદરતી સુંદર’ વ્યક્તિઓની તસવીરો જોઈને સહુને તેવા બનવું હોય છે.
કેવી રીતે કરીશું આ મનોવૈજ્ઞાનિક સમસ્યાનો સામનો?
૧. આત્મસમ્માનને દેખાવ
સાથે જોડીને જોવાને બદલે દિલ સાથે જોડીને જોતા શીખવું પડશે. આપણે સ્વયંને પૂછવું જોઈએ ’હું એટલે જે દેખાઉં છું એટલું જ?’ આપણે પોતાની વ્યાખ્યા શું કરીએ છીએ તેને મુલવવાની જરૂર છે. તેનાથી આપણને સાચો જવાબ અવશ્ય મળશે.
૨. ‘સંપૂર્ણ’ જેવું કશું નથી હોતું. ખાસ કરીને મનુષ્યમાં. માટે આપણે આપણામાં રહેલી અપૂર્ણતાને સ્વીકારતા શીખવું જોઈએ. આપણી ખામીઓ પણ આપણને બીજાથી અલગ જ બનાવે છે. આપણામાં રહેલી ખૂબીઓની જેમ ખામીઓ પણ આપણા વ્યક્તિત્વનો એક હિસ્સો છે.
૩. વય વધવી એક કુદરતી પ્રક્રિયા છે. પૃથ્વી ઉપર પ્રાણીઓ, વૃક્ષો અને પથ્થરોની પણ ઉંમર વધે છે. તેવી રીતે આપણી પણ જવાની આખરે જવાની જ છે. ઉંમરનું દરેક પગથિયું નવો અનુભવ અને નવી ઉત્તેજના લાવે છે. ઉંમરને અનુરૂપ લાવણ્યની સાથે જીવવું મહત્ત્વનું છે યુવાન દેખાવું નહીં.
૪. સાચા સંબંધો દેખાવ પૂરતા સીમિત નથી હોતા. જે સંબંધો માત્ર બહારના સૌંદર્ય ઉપર બંધાતા અને તૂટતાં હોય તે નકલી જ હોય. સાચો સંગાથ પ્રેમ, સમ્માન અને વિશ્ર્વાસ ઉપર આધારિત હોય છે. માટે કોઈને આકર્ષિત કરવા દેખાવ બદલવાનો સહારો લઈને સ્વયંનું અપમાન ન કરશો.
૫.બાળકો અને કિશોરોનું મન એટલું નિર્બળ અને સહેલાઈથી પ્રભાવિત થઇ જનારું હોય છે. તેથી તેઓ સરળતાથી પ્રભાવિત થઈને બહારના સૌંદર્ય અથવા સંપૂર્ણ દેખાવથી જ તેમનું સ્વ-મૂલ્ય નક્કી કરે છે. અહીં માતા-પિતાની ફરજ છે કે તેમના વિચારો અને ધારણાઓને સાચી દિશામાં વાળે.
વાતનો સાર એ છે કે સારા હોવું એ સારા દેખાવા કરતાં વધારે મહત્ત્વનું છે, એ વાત જો સમજાઈ જાય તો ઘણી મનોવૈજ્ઞાનિક સમસ્યા પોતાની રીતે જ હલ થઇ જાય.