હૉસ્પિટલમાં ૪,૦૦૦ બેડ તૈયાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાનું સંકટ વધી ગયું છે. સિંગલ ડિજિટમાં મુંબઈમાં કોરોનાના નોંધાઈ રહેલા દર્દીનો આંકડો ૨૦૦ની નજીક પહોંચી ગયો છે. આગામી દિવસોમાં કોરોનાનો ચેપ ફેલાવાનું પ્રમાણ વધવાની શક્યતા છે. આગામી બે મહિના બહુ મહત્ત્વના હોવાથી મુંબઈ મહાનગરપાલિકાની આરોગ્ય યંત્રણા સતર્ક થઈ ગઈ છે અને પહેલી એપ્રિલથી પોતાની મહત્ત્વની હૉસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવાની છે. સાથે જ ૨૪ વોર્ડમાં ‘વૉર રૂમ’ પણ ફરી ચાલુ કરવામાં આવવાના છે.
બુધવારે મુંબઈમાં કોરોનાના ૧૩૯ નવા દર્દી નોંધાયા બાદ ૨૪ કલાકમાં જ તેમાં એક સાથે ૫૩ નવા દર્દી નોંધાતા ગુરુવારે નવા દર્દીનો આંકડો ૧૯૨ થઈ ગયો હતો. તેમાંથી ૧૩ દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. મુંબઈમાં સક્રિય દર્દીની સંખ્યા ૮૪૬ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૫૯૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈમાં કોરોનાના કેસમાં સતત વધારો થવાને કારણે આગામી બે મહિનામાં કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થવાની શક્યતા પણ પાલિકા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નિષ્ણાતોનો મત અને કોરોનાની છેલ્લી ત્રણ લહેરમાં વાતાવરણ અનુસાર દર્દીની સંખ્યામાં જે રીતે વધારો જોવા મળ્યો હતો, તેને જોતા પાલિકા મુંબઈમાં પહેલી એપ્રિલથી મેના અંત સુધીમાં કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થવાનો અંદાજ રાખી રહી છે. પાલિકાનું આરોગ્ય ખાતું આજથી ફરી એક વખત તમામ ૨૪ વોર્ડના ‘વૉર રૂમ’ ફરી ચાલુ કર્યા છે. એ સિવાય કે.ઈ.એમ., સાયન, નાયર અને કૂપર જેવી મુખ્ય હૉસ્પિટલ સહિત મહત્ત્વની ઉપનગરીય હૉસ્ટિલમાં ચાર હજાર બેડ પણ ઍક્ટિવ કરવામાં આવ્યા છે.
દર્દીની સંખ્યામાં સતત વધારો થવાથી સરકારી હૉસ્પિટલના કોવિડ વોર્ડ ફરી ચાલુ કરવામાં આવ્યા છે. તો ખાનગી હૉસ્પિટલમાં ૧૦ ટકા બેડ ખાસ કોવિડના દર્દી માટે અનામત રાખવાની યંત્રણા પણશરૂ કરવામાં આવી છે. કોવિડ નિયંત્રણમાં આવ્યા બાદ ‘નોન કોવિડ’ બીમારી માટે વાપરવામાં આવતા બેડ ફરી કોવિડ બેડ તરીકે વાપરવામા આવશે. ઑક્જિન બેડ, આઈસીયુ, વેન્ટિલેટર સાથેના બેડ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.
થાણેમાં મૉલ, સાર્વજનિક સ્થળો પર કોરોના ટેસ્ટ થશેઃ
કોરોનાના વધતા સંકટ વચ્ચે થાણે મહાનગરપાલિકાએ પણ છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં કોરોનાના દર્દી માટે વધુ ૨૫ બેડની વ્યવસ્થા કરી છે. એ સિવાય થાણે પાલિકાએ સાર્વજનિક સ્થળ, માર્કેટ, રેલવે સ્ટેશન, મૉલમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય લીધો છે. હાલ થાણેમાં કોરોનાના ૨૫૨ દર્દી છે.
૨૪ કલાક કાર્યરત વોરરૂમઃ
પહેલી એપ્રિલથી ચાલુ થનારા વોર્ડ વોરરૂમ સવારના સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી અને બપોરના બે વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. વોરરૂમમાં એમબીબીએસ ડૉકટર તહેનાત રહેશે. તમામ વોર્ડ માટે ૨૪ હૅલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવશે. કોરોનાની સ્થિતિ ગંભીર થઈ તો છેલ્લી લહેર મુજબ આ વૉરરૂમમાંથી દર્દીને બેડ, ઍમ્બ્યુલન્સ સહિત અન્ય માર્ગદર્શન આપવામાં આવશે. દર્દીની સંખ્યા વધી તો ૨૪ કલાક વોર રૂમ ચાલુ રાખવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડો ૭૦૦ નજીકઃ
રાજ્યમાં કોરોનાની સાથે જ ઈન્ફલુએન્ઝાનું જોખમ વધી રહ્યું છે. રાજ્યમાં ૨૪ કલાકમાં દર્દીની સંખ્યા ૨૦૦થી વધી ગઈ હતી. બુધવારે રાજ્યમાં ત્રણ દર્દીના મોત અને ૪૮૩ નવા દર્દી સામે ગુરુવારે નવા દર્દીનો આંકડો ૬૯૪ જેટલો નોંધાયો હતો. એ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કુલ આંકડો ૮૧,૪૩,૬૮૬ થઈ ગયો છે. દિવસ દરમિયાન ૧૮૪ દર્દી કોરોનાથી સાજા થયા હતા. રાહત એટલી જ હતી કે દિવસ દરમિયાન કોરોનાથી એકેય મૃત્યુ નોંધાયું નહોતું. રાજ્યમાં કોરોનાનો મૃત્યુદર ૧.૮૨ ટકા છે. રાજ્યમાં ગુરુવારે સૌથી વધુ નવા કેસ મુંબઈમાં ૧૯૨, થાણે મનપામાં ૫૩, નવી મુંબઈમાં ૨૯, કલ્યાણ-ડોંબીવલીમાં ૮, પુણે મનપામાં ૭૮, પિંપરી-ચિંચવડ મનપામાં ૪૧ નોંધાયા હતા.