રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતને કોરોના થયો હોવાનું ટ્વીટ પોસ્ટ થતા જ ગુજરાત કોંગ્રેસ સહિત કોંગ્રેસના નેતાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ ચિંતા તેમની તબિયત માટે તો ખરી જ, પરંતુ તેનાથી મોટી ચિંતા એ છે કે ગહલોત સોમવારે જ સુરત આવ્યા હતા અને અહીં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના તમામ નેતાઓને મળ્યા હતા. સુરતની નિચલી કોર્ટે બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને આપેલી સજાના ચુકાદાને પડકારવા સુરત ખાતે કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને રાજસ્થાન સહિત ત્રણ રાજ્યના મુખ્ય પ્રધાન સહિત ગુજરાત કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ સુરત ખાતે હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમનું સ્વાગત પણ ગહલોતે કર્યું હતું. સ્વાભાવિક છે ઘણા લોકો તેમના સંપર્કમાં આવ્યા હશે અને અમુકે તેમની સાથે નજીકથી વાતચીત પણ કરી હતી. આ સાથે તેમણે મીડિયાકર્મીઓ સાથે પણ વાતચીત કરી હતી. હાલમાં કોરોનાની મહામારી થોડી ધીમે ફેલાય છે, પરંતુ સંપર્કમાં આવ્યા હોય તેમણે સતર્ક રહેવું જરૂરી છે ત્યારે ગહલોતના સંપર્કમાં આવેલા તમામ નેતાઓ, પદાધિકારીઓ તેમનું ટેસ્ટિંગ કરાવી લે તે જરૂરી છે.