ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે. ચીન ઉપરાંત દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દુનિયાના 10 દેશમાં છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 10 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોનાની વધુ એક ઘાતક લહેરનો ખતરો વર્તાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયારી શરુ કરી છે. સ્વાસ્થ્ય વિભાગે અધિકારીઓને કેંદ્રની એડવાઈઝરીનું કડકપણે પાલન કરાવવા સુચના આપી છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ આજે સવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. મીટિંગ બાદ તેમણે કહ્યું- કોરોના હજુ ખતમ નથી થયો પરંતુ ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. સાથે સાથે કેન્દ્રીય સ્વાથ્ય મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે.
પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. કેંદ્રની એડવાઈઝરીનું ચુસ્ત પણે પાલન કરવા કવાયત હાથ ધરાઈ છે. તમામ CHC-PHC કેન્દ્ર એક્ટિવ કરવા, દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોંચાડવા, ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા, સેમ્પલ્સનું જીનોમ સિક્વન્સ કરવા સુચના અપાઈ છે. ગુજરાતમાં આવતા વિદેશી પ્રવાસીઓના ટેસ્ટિંગ અને ટ્રેસિંગ અંગે અધિકારીઓને આદેશ અપાયો છે. વધુને વધુ લોકોને વેક્સીનનો બુસ્ટર ડોઝ આપવા તાકીદ કરાઈ છે.
પુણેના સીરમ ઈન્સ્ટીટ્યુટના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે ચીનમાં કોરોનાના કેસ ચિંતાજનક છે. જોકે ભારતને ડરવાની જરૂર નથી. કારણકે દેશમાં વેક્સિનનું કવરેજ સારું છે.