વિદેશમાં ફરીથી વધી રહેલા કોરોનાના કેસને કારણે ભારતના લોકોમાં ચિંતા વધી છે. વાયરસના નવા વેરીએન્ટને લઈને કેન્દ્ર સરકાર અને દરેક રાજ્યની સરકારોએ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાતમાં હાલ કોરોના નિયંત્રણમાં છે ત્યારે ઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલી એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલા જાગનાથ વિસ્તારમાં રહેતી યુવતીના ઘરે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે.
મળતી મહતી મુજબ યુવતી 18 ડિસેમ્બરના રોજ ઓસ્ટ્રેલીયાથી રાજકોટ આવી હતી. બીજા દિવસે 19મી તારીખે કોરોનાના કેટલાક લક્ષણો જોવા મળ્યા હતા. 20 તારીખના રોજ યુવતીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. 21મી તારીખના રોજ રીપોર્ટ પોઝિટિવ આવતા યુવતીના સંપર્કમાં આવેલા તમામ પરિવારજનોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. પરંતુ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
હાલ રાજકોટ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા માત્ર એક જ છે. આ કેસ કોરોનાના નવા વેરીએન્ટ omicron BF.7નો છે કે નહિ તેની તપાસ માટે સેમ્પલને ગાંધીનગર લેબ ખાતે મોકલી આપવામાં આવ્યું છે. કોવીડ પોઝિટિવ યુવતીની શારીરિક સ્થિતિ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
કોવિડની એલર્ટની સંભાવનાના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે. હાલ 100 બેડની હોસ્પિટલ કાર્યરત કરાઈ છે. રાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કોરોનાની સ્થિતિ હાલ કાબુમાં છે. લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી પરંતુ સાવચેત રહેવાની ચોક્કસ જરૂર છે.