આગામી 40 દિવસમાં ભારત માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે
ચીનમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તેના માટે ભારત માટે ચિંતાના સમાચાર છે. આગામી 40 દિવસમાં ભારત માટે તેની પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે, કારણ કે જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે, એવો નિષ્ણાતોએ દાવો કર્યો હતો.
અગાઉ પણ એવું જોવા મળ્યું છે કે પૂર્વીય એશિયામાં અસર થયા પછીના 30થી 35 દિવસમાં ભારતમાં કોવિડની નવી લહેર આવી હતી, તેથી આ એક ટ્રેન્ડ બન્યો છે, તેના આધારે કહેવાય છે કે દેશમાં આગામી 40 દિવસમાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીએ દાવો કર્યો હતો કે કોવિડનું સંક્રમણ ઓમિક્રોનના સબ-વેરિયન્ટ બીએફસેવન છે. આ સબ-વેરિયન્ટ ઝડપથી ફેલાય છે અને એક જ વખતે 16 લોકોને ફેલાય છે. આરોગ્ય મંત્રાલયના અન્ય એક અધિકારીએ એવું પણ કહ્યું હતું કે આ વખતે કોરોનાના સંક્રમણ લોકો માટે સૌથી વધારે ગંભીર નથી. આવા સંજોગોમાં પણ જો કોઈ લહેર આવશે તો દર્દીનાં મોત અને હોસ્પિટલમાં દાખલ કરવાની સંખ્યા પણ ઓછી હશે. એટલું જ નહીં, કોરોના માટે નવા વેરિયન્ટ બીએફસેવનની દવા અને રસી પણ કેટલી અસરકારક છે એના અંગે પણ અભ્યાસ ચાલુ છે. આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ત્રણ દિવસમાં 6,000થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાં ફક્ત 39 પ્રવાસી કોરોના પોઝિટિવ છે. આ મુદ્દે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પાટનગર દિલ્હીના એરપોર્ટની મુલાકાત લેશે. બુધવારે દેશમાં કોરોનાના 188 નવા કેસ આવ્યા હતા, જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,468 છે. દરમિયાન મુંબઈ એરપોર્ટ ટેસ્ટિંગ દરમિયાન બે પ્રવાસી કોરોનાના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હોવાનું તંત્રએ જણાવ્યું હતું.