દેશના અનેક રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેથી ધીરે ધીરે ટેન્શન પણ વધી રહ્યું છે. ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું હોવાથી લોકોમાં ડર ફેલાઇ રહ્યો છે. દેશમાં કોરોનાના કુલ 5,880 નવા દર્દીઓ નોંધાયા છે. છેલ્લાં એક અઠવાડિયાની વાત કરીએ તો દેશનાં કોરોના પોઝીટિવ દર્દીઓનો દર 79%થી વધ્યો છે. મુંબઇ સહિત આખા દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચકતા લોકોમાં ડર ફેલાયો છે. હાલમાં દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 36,199 છે. તેથી હવે લોકોએ જાતે જ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાની અને માસ્કનો ઉપયોગ કરવાની જરુર પડી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હી, હિમાચલ પ્રદેશ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ રાજ્યમાં કોરોનાના દર્દીઓનું મૃત્યું થયું હોવાનું જાણવા મળ્યું છે. એક અઠવાડિયામાં દેશમાં કોરોનાના દર્દીઓમાં 79% નો વધારો થયો છે. આ છેલ્લાં સાત મહિનાની સરખામણીમાં સૌથી વધારે છે. એટલું જ નહીં પણ જે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી છે ત્યાં પણ હવે કોરોના ફેલાતો દેખાઇ રહ્યો છે.

માત્ર પોઝિટીવ દર્દી જ નહીં પણ કોરોનાને કારણે મૃત્યુંના આંકડામાં પણ વધારો થઇ રહ્યો છે. કેરળમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. છેલ્લાં એક અઠવાડિયામાં કેરળમાં 11 હજાર 296 નવા દર્દીઓની નોંધ થઇ છે. જે પાછલાં અઠવાડિયાની સરખામણીમાં 2.4 ગણી વધારે છે. ત્યાર બાદ મહારાષ્ટ્રનો નંબર આવે છે. અહીં 4587, દિલ્હીમાં 3896, હરિયાણામાં 2940 અને ગુજરાતમાં 2030 દર્દીઓ નોંધાયા છે.