(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના વાઇરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે બીજી બાજુ કોરોના માટેની વેક્સિન પણ ખૂટી પડતા રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે માગણી કરી છે અને ટૂંક સમયમાં રસી મળી જશે. રાજ્યના ઋષિકેશ પટેલે કહ્યું કે, એક્સબીબી ૧.૬ સબ વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશમાં અને રાજ્યમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને હાલ રાજ્યમાં ૨૧૪૧ એક્ટિવ કેસ છે. આગામી ૧૦ અને ૧૧મી એપ્રિલે રાજ્યની કોરોના હૉસ્પિટલોમાં મોક ડ્રીલ કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાના કેસ વધે તો પણ આરોગ્ય વિભાગ તૈયાર છે. જો કે, ગયા અઠવાડિયા કરતાં આ ચાલુ અઠવાડિયામાં કોરોનાના કેસો ઘટ્યા છે. હાલ કેન્દ્ર પાસે વેક્સિનની માગ કરવામાં આવી છે અને જલદી વેક્સિન મળી જશે. તંત્રને પણ સજજ કરવામાં આવ્યું છે.
દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોરોના અંગે બેઠક યોજી હતી. તેમણે રાજ્યોના આરોગ્ય પ્રધાનો અને આરોગ્ય સચિવ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ જોડાયા હતા. આ બેઠકમાં હૉસ્પિટલોમાં ટેસ્ટિંગ અને મોકડ્રીલ અંગે ચર્ચા થઇ હતી. આરોગ્ય વિભાગ, નીતિ આયોગ અને અન્ય અધિકારીઓ પણ આ વર્ચ્યુઅલી બેઠકમાં જોડાયા હતા. કેટલાંક રાજ્યોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યાં ટેસ્ટિંગ અને મોનિટરિંગ કેવી રીતે ચાલી રહ્યું છે, મોક ડ્રીલ માટે કેવા પ્રકારની તૈયારીઓ છે, રાજ્યો પાસે વેક્સિન અને દવાઓનો કેટલો સ્ટોક છે, આ તમામ બાબતો પર આજની બેઠકમાં ચર્ચા થઈ હતી.