નવી દિલ્હીઃ ચીનમાં તો કોરોના વાઈરસ માજા મૂકી રહ્યો છે ત્યારે દેશમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલાં કેસને ધ્યાનમાં લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને બુસ્ટર ડોઝ લેવાની અપીલ કરવામાં આવી છે. આ બધા વચ્ચે સિરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિવસે દિવસે વધી રહેલાં દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કેન્દ્ર સરકારને કોવિશિલ્ડની રસીનો પુરવઠો મફતમાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત સિરમ દ્વારા કેન્દ્રને આજથી 80 લાખ ડોઝનો પહેલો લોટ મોકલવામાં આવશે, એવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે.
ચીનમાં છેલ્લાં કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઉલ્લેખનીય વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે ભારત સરકાર દ્વારા ચીન સહિતના અન્ય છ દેશમાંથી ભારત આવનારા પ્રવાસીઓના કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જે પ્રવાસીઓના રિપોર્ટ પોઝિટીવ આવે છે તેમના સેમ્પલ્સ જિનોમ માટે મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ભીડવાળા સ્થાનો પર માસ્ક પહેરવાની અપીસ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને કરવામાં આવી છે.