યુપીની રાજધાની લખનઊમાં બનેલી એક ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. શહેરના ત્રિવેણીનગરમાં રહેતા પરિવારના નાના પુત્રનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં દુઃખી પિતાએ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. હવે દોઢ મહિના બાદ ઘરના મોટા પુત્રએ પણ ઝેર પીને આત્મહત્યા કરી હતી. આ આઘાતમાં માતાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.આ મામલો લખનઊના ત્રિવેણી નગરની મૌસમ બાગ કોલોનીનો છે. નિવૃત્ત એન્જિનિયર નાગેન્દ્ર પ્રતાપ સિંહ તેમના પુત્ર સૂરજ પ્રતાપ સિંહ, પુત્રવધૂ રૂબી અને બે પૌત્રો શ્રીકાંત અને કૃષ્ણકાંત સાથે અહીં રહેતા હતા.
31 માર્ચે તેમના નાના પૌત્ર કૃષ્ણકાંતનું હૃદયરોગના હુમલાથી અવસાન થતાં વૃદ્ધ નાગેન્દ્ર પ્રતાપ સિંહ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બીજી તરફ પુત્રના મોતથી આઘાત પામેલા પિતા સૂરજ પ્રતાપ સિંહે પણ તે જ દિવસે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
આ ઘટનાના લગભગ દોઢ મહિના બાદ ગત સોમવારે વૃદ્ધ નાગેન્દ્રના પરિવાર પર ફરી આફતનો પહાડ તૂટ્યો હતો. હવે તેમના મોટા પૌત્ર શ્રીકાંતે ઝેરી પદાર્થ ખાઈને જીવનનો અંત આણ્યો હતો.
એકમાત્ર જિવીત પુત્રના મૃત્યુને કારણે માતાને હાર્ટ એટેક આવ્યો હતો: દોઢ મહિના પહેલા પતિ અને નાના પુત્રને ગુમાવ્યા બાદ માતા રૂબી શોકમાં ડૂબી ગઈ હતી. હવે જ્યારે તેને મોટા પુત્ર શ્રીકાંતના નિધનની ખબર પડી ત્યારે તે ખૂબ જ ભાંગી પડી હતી. રૂબી પોતાનો એકમાત્ર સહારો એવા પુત્રના મૃત્યુનો આઘાત સહન નહોતી કરી શકી અને તેને હાર્ટ એટેક આવ્યો હતો. પાડોશીઓ રૂબીને શહેરની મિડલેન્ડ હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલ તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.
વૃદ્ધ નાગેન્દ્રના મોઢામાંથી શબ્દો નીકળતા નથી: તેમના પુત્ર અને 2 પૌત્રોના મૃત્યુથી ઘરના વૃદ્ધ વડીલ નાગેન્દ્ર પ્રતાપસિંહ પણ હચમચી ગયા છે. સોમવારે શ્રીકાંતના અંતિમ સંસ્કારની જવાબદારી પડોશીઓ અને સંબંધીઓએ લીધી હતી. એ ઉપરાંત તેમના નજીકના સંબંધીઓ તેમની પુત્રવધૂ રૂબીની સંભાળ રાખવામાં વ્યસ્ત હતા, જે પણ હોસ્પિટલમાં દાખલ હતી. બીજી તરફ આટલી મોટી આફતના કારણે વૃધ્ધ નાગેન્દ્રની આંખોના આંસુ સુકાઈ ગયા છે. તે કંઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી. માત્ર મૌન પાળીને આવતા જતા અને હોસ્પિટલમાં દાખલ પુત્રવધૂ વિશે પણ પૂછતા લોકોને મળી રહ્યા છે.
શ્રીકાંત નોકરી ગુમાવવાથી અને ઘરે બે મૃત્યુથી દુઃખી હતો: એન્જિનિયરિંગ કરનાર શ્રીકાંત પ્રતાપ સિંહે લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવી દીધી હતી. ત્યારથી તે તેના લખનઊના ઘરે જ રહેતો હતો. આ સમય દરમિયાન માર્ચમાં પિતા અને ભાઈના મૃત્યુથી તે દુઃખી થઈ ગયો હતો. સોમવારે જ્યારે તે મોડે સુધી ઊંઘ્યા બાદ પણ જાગ્યો ન હતો ત્યારે માતાએ તેને જગાડ્યો હતો, પણ તેણે જવાબ નહોતો આપ્યો. આથી વૃદ્ધ નાગેન્દ્ર બહાર જઇને પડોશીઓને બોલાવીને લઈ આવ્યા હતા. પાડોશીઓ શ્રીકાંતને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતી. આમ ત્રણ મહિનાથી પણ ટૂંકા ગાળામાં હસતો રમતો પરિવાર વિખાઇ ગયો હતો.