એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં ક્યારે કયા મુદ્દે વિવાદ થઈ જાય એ નક્કી નહીં કેમ કે વણજોઈતી વાતોને ચગાવીને ચોળીને ચીકણું કરવાની વાતોમાં આપણે માહિર છીએ. દિલ્હી હાઈ કોર્ટના જજ તરીકે સૌરભ કુપાલની નિમણૂકના મામલે અત્યારે એવું જ થયું છે.
ભારતમાં હાઈ કોર્ટો અને સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક માટેનાં નામોની ભલામણ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ કરે છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સૌરભ કૃપાલને દિલ્હી હાઈ કોર્ટના જજ નિમવાની ભલામણ કરી હતી પણ કેન્દ્ર સરકારે તેની સામે વાંધો ઉઠાવતાં વિવાદ ઊભો કરી દેવાયો છે.
મોદી સરકારે સુપ્રીમ કોર્ટના કોલેજિયમને સૌરભ કૃપાલના નામ અંગે ફરી વિચારણા કરવા કહ્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક માટે કોલેજિયમ દ્વારા જેમની ભલામણ કરાઈ હતી એવાં ઘણાં નામો પણ નામંજૂર કરીને સુપ્રીમ કોર્ટ કોલેજિયમને પાછાં મોકલી દીધા છે.
આ બીજાં નામો અંગે વિવાદ નથી થયો પણ સૌરભ કૃપાલના નામ અંગે વિવાદ થઈ ગયો છે. સૌરભ કૃપાલ ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ બી.એન. કૃપાલના પુત્ર છે અને ‘સેક્સ એન્ડ ધ સુપ્રીમ કોર્ટ’ પુસ્તકનું સંપાદન પણ કર્યું છે. સૌરભ કુપાલ સજાતિય સંબંધો ધરાવનારા કૠઇઝચ સમુદાયના તરફદાર છે અને તેમના અધિકારો માટે અવાજ ઉઠાવે છે એ પણ જગજાહેર છે. બલ્કે સજાતિય સંબંધોને ગેરકાયદેસર ગણાવતી કલમ ૩૭૭ નાબૂદ કરવાનો કેસ સૌરભ લડ્યા હતા.
સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર ૨૦૧૮ માં સજાતિય સંબંધોને ગેરકાયદેસર જાહેર કરતી આઈપીસીની કલમ ૩૭૭ને ગેરકાયદેસર ગણાવતાં ચુકાદો આપેલો કે સમલૈંગિક સંબંધો ગુનો નથી. સુપ્રીમ કોર્ટે સંમતિથી બંધાતા સમલૈંગિક જાતીય સંબંધને પણ ગેરકાયદેસર ગણાવતી કલમ ૩૭૭ને રદ્દ કરી દીધી હતી. તેના કારણે સૌરભ કૃપાલ દેશભરમાં જાણીતા થઈ ગયા.
કેન્દ્ર સરકારે સૌરભ કૃપાલના નામને નામંજૂર કરવા સત્તાવાર રીતે શું કારણ આપ્યું તેની વિગતો બહાર નથી આવી પણ એવો દાવો કરાઈ રહ્યો છે કે, સૌરભ કૃપાલ ગે એટલે કે સજાતિય સંબંધો ધરાવ છે એ કારણે તેમની નિમણૂકને મંજૂરી નથી મળી. સજાતિય સંબંધોના તરફદાર આ વાતો કરે છે ને સૌરભ કુપાલ પોતે ભૂતકાળમાં આવી વાતો કરી ચૂક્યા છે.
બીજી તરફ એવી વાત બહાર આવી છે કે, વિદેશી મૂળની વ્યક્તિ સાથેના સૌરભ કૃપાલના સંબંધોને ટાંકીને મોદી સરકારે આ સંબંધોના કારણે કુપાલને દેશ માટે સુરક્ષા જોખમ ગણાવીને તેમની નિમણૂકની દરખાસ્તને ફગાવી દીધી છે. સૌરભ કૃપાલ તેમના પાર્ટનર એવા સ્વિત્ઝરલેન્ડના હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ નિકોલસ જર્મેન બાકમેન સાથે રહે છે ને બંનેના સંબંધો જગજાહેર છે. આ કારણે કેન્દ્રને વાંધો છે એવું કહેવાય છે.
સૌરભની નિમણૂક નહીં કરવા પાછળ ખરેખર શું કારણ છે એ ખબર નથી પણ સૌરભના સૌરભ કૃપાલ સ્વિત્ઝરલેન્ડના હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ નિકોલસ જર્મેન બાકમેન સાથેના સજાતિય સંબધોને જોતાં તેમની હાઈ કોર્ટના જજ તરીકે નિમણૂક નહીં કરવા માટે મોદી સરકાર પાસે નક્કર કારણ છે તેમાં બેમત નથી. આ સંજોગોમાં આ વણજોઈતો વિવાદ ઊભો કરાઈ રહ્યો છે. બલ્કે સુપ્રીમ કોર્ટ વણજોઈતી મમતે ચડી છે અને ખોટી વાતને તાણી રહી છે કેમ કે આ વિવાદ છેલ્લાં પાંચ વર્ષથી ચાલે છે.
દિલ્હી હાઈ કોર્ટ કોલેજિયમે ૨૦૧૭માં સર્વસંમતિથી સૌરભ કૃપાલની દિલ્હી હાઈ કોર્ટના કાયમી જજ તરીકે નિમણૂકની ભલામણ કરી હતી. કૃપાલનું નામ સરકારને મોકલવામાં આવ્યું પણ એ વખતે કેન્દ્ર સરકારે વિદેશી મૂળની વ્યક્તિ સાથેના તેમના સંબંધોને ટાંકીને આ સંબધોને દેશ માટે સુરક્ષા જોખમ ગણાવીને નિમણૂકનો ઈન્કાર કરી દીધેલો. વાસ્તવમાં એ વખતે વાત પતી જવી જોઈતી હતી કેમ કે સરકારે આપેલું કારણ વ્યાજબી હતું. આ કારણ સ્વીકારવાના બદલે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દર વરસે તેમનું નામ કેમ મોકલી આપે છે એ સમજવું અઘરું છે.
છેલ્લે ગયા વર્ષે દેશના તત્કાલીન ચીફ જસ્ટિસ એન.વી. રમણના નેતૃત્વ હેઠળના કોલેજિયમે સૌરભની હાઈ કોર્ટના જજ તરીકે નિમણૂક ભલામણ કરી હતી. કોલેજિયમે સત્તાવાર નિવેદનમાં કહેલું કે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ૧૧ નવેમ્બર ૨૦૨૧ના રોજ મળેલી તેની બેઠકમાં સૌરભને દિલ્હી હાઈ કોર્ટમાં જજ તરીકે બઢતીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કૃપાલની નિમણૂકનો મુદ્દો એ રીતે એક વર્ષથી લટકતો હતો. હવે મોદી સરકારે ફરી એ દરખાસ્તને ફગાવી દેતાં વાત ત્યાંની ત્યાં જ આવીને ઊભી રહી ગઈ છે.
આ મુદ્દે ફરી વિવાદ ઊભો કરી દેવાયો છે અને તેને માટે કંઈક અંશે કૃપાલ પોતે પણ જવાબદાર છે. ૨૦૧૭માં પહેલી વાર સૌરભનું નામ નકારી કઢાયું ત્યારથી સૌરભ એવું કહ્યા કરે છે કે, પોતે ગે હોવાથી પોતાની નિમણૂક નથી થતી. સૌરભે ગયા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં પોતાના વિદેશી વ્યક્તિ સાથેના સંબધોના કારણે નિમણૂક નહીં થતી હોવાની દલીલને ફગાવી દીધી હતી.
સૌરભે ખુલ્લેઆમ કહેલું કે, પોતે માને છે કે સજાતિય સંબંધોના તરફદાર હોવાના કારણે જજ તરીકે તેમની ભલામણનો નિર્ણય મંજૂર રખાતો નથી. આ નિર્ણય માન્ય રાખવામાં આવે તો કૃપાલ ભારતના પ્રથમ ગે જજ બની જાય પણ તેના કારણે કટ્ટરવાદીઓ નારાજ થઈ જાય તેથી પોતાની નિમણૂક થતી નથી.
ભાજપે સુપ્રીમ કોર્ટમાં સત્તાવાર રીતે સજાતિય સંબંધોની વિરૂદ્ધ વલણ લીધેલું છે તેથી આ દલીલ થાય છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૪માં સજાતિય સંબંધોને ગેરકાયદેસર ગણાવેલા ત્યારે કોંગ્રેસે ચુકાદાની ટીકા કરેલી પણ ભાજપે ખુલ્લેઆમ આ ચુકાદાની તરફેણ કરેલી. ભાજપે જાહેર કરેલું કે સજાતિય સેક્સ સંબંધો પશ્ર્ચિમી સંસ્કૃતિની દેન છે ને ભારતમાં આ ગંદવાડ ના જોઈએ. ભાજપના નેતાઓના મતે સજાતિય સેક્સ સંબંધો અકુદરતી છે તેથી સજાતિય સંબંધોને માન્યતા આપીને ભારતીય સંસ્કૃતિને અભડાવા ના દેવાય.
ભાજપનું વલણ જગજાહેર છે પણ સૌરભના કિસ્સામાં ભાજપ સરકાર પાસે તેમના વિદેશી વ્યક્તિ સાથેના સંબંધોનો મુદ્દો છે જ કે જેને નકારી ના શકાય. હાઈ કોર્ટના જજ તરીકે સૌરભ પાસે ઘણી સંવેદનશીલ માહિતી આવે ને એ લીક થવાનો ખતરો રહે જ તેથી ભાજપ સરકારનું વલણ યોગ્ય છે. સૌરભ ભલે વિક્ટિમ કાર્ડ રમે, દેશની સુરક્ષાના મામલે કોઈ ચાન્સ ના લઈ શકાય.